________________
કષાયચારિત્રમોહનીયકર્મ
૯૧
અનં. માન - પથ્થરના થાંભલા જેવો. પથ્થરનો થાંભલો જેમ વળે જ નહિ તેમ અનં. ના ઉદયવાળો જીવ મરણ પણ પામે પણ અભિમાન છોડે નહિ.
અનં. માયા - કઠણ વાંસના મૂળીયા જેવી, બાળેલ વાંસના મૂળીયાની રાખ પણ વક્ર પડે. તેમ જીવ માયાનું અશુભ ફળ સમજાવવા છતાં છોડી શકે નહીં.
અનં. લોભ - કરમજી રંગ (મજીઠનો રંગ) જેવો છે. “કપડું ફાટે પણ કલર ન જાય”. સુભમ ચક્રવર્તીની જેમ, મમ્મણ શેઠની જેમ નાશ પામી જાય પણ તૃષ્ણા ઓછી ન થાય.
આ ઉપમાઓ તે કષાયની તીવ્રતા સમજાવવા માટે છે.
આ અનં. ક્રોધ-માન-માયા અને લોભ કષાય જીવનમાં ન રહે તે માટે સંવત્સરી પ્રતિક્રમણનું આયોજન છે.
(૨) અપ્રત્યાખ્યાનાવરણ - (અપ્રત્યાખ્યાન) કષાય(૧) દેશવિરતિને રોકે - દેશવિરતિનો ઘાત કરે. (૨) કાળ-ચાર માસથી વધારે અને વર્ષ કરતાં ન્યૂન. (૩) તીવ્ર અશુભ પરિણામ હોય. (૪) પ્રાયઃ આ કષાયના તીવ્ર પરિણામથી તિર્યંચ ગતિ પ્રાયોગ્ય બંધ કરે.
(૫) આ અપ્રત્યાખ્યાન કષાયવાળો મંદ હોય તો દેવ-નારકને મનુષ્યગતિ પ્રાયોગ્ય બંધ હોય.
(૬) અપ્ર. ક્રોધ - સુકી માટીમાં (પૃથ્વીમાં) કરેલ લીસોટા (રેખા) જેવો.
અર્થાત્ સુકી માટીમાં કરેલ રેખા વરસમાં એકાદવાર તો વરસાદ આવે અને ચાલી જાય તેમ કોઈના પ્રત્યે થયેલ ક્રોધ વરસ સુધીમાં ભુલાઈ જાય. પશ્ચાતાપ થાય.