Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
17
કલ્પિતદ્રવ્યની શ્રી સંબોધ પ્રકરણમાં આવતી ગાથા ઃ रिद्धिजुअसम्मएहिं सद्धेहिं अहवा अप्पणा चेव । जिणभत्तीइ निमित्तं जं चरियं सव्वमुवओगि ॥१६६॥
અર્થ : ધનવાન શ્રાવકોએ, સંઘમાન્ય-રાજમાન્ય શ્રાવકોએ અથવા જિનાલયનું નિર્માણ કરનાર શ્રાવકે પોતે, જિનભક્તિ માટે જે કંઈપણ સંકલ્પિત કરીને આપ્યું હોય તે કલ્પિત દેવદ્રવ્ય જાણવું. તે જિનાલય સંબંધી સર્વકાર્યમાં ઉપયોગી બની શકે છે.
શ્રી સંબોધ પ્રકરણમાં બતાવેલ કલ્પિતદ્રવ્યની આ વ્યાખ્યા જોતા સ્પષ્ટ સમજાય છે કે, જિનભક્તિ માટે સારી રીતે વિનિયોગ થઈ શકે તેવા સંકલ્પ સાથે ભેટ આપેલ જિનાલય સાધારણ દ્રવ્યને કલ્પિતદ્રવ્ય કહેવામાં આવ્યું છે. માટે શ્રી જિનની પૂજા સ્વરૂપે સમર્પિત થવાથી ઉત્પન્ન થયેલ એટલે પૂજાથી ઉત્પન્ન થયેલ દ્રવ્યનો આમાં કદી પણ સમાવેશ થઈ શકે નહિ, આજે સ્વપ્નાદિ બોલીના દેવદ્રવ્યને કલ્પિતદ્રવ્ય ગણાવીને તેને દેરાસરનો ખર્ચ કાઢવા માટે વાપરવાનું કહેવું એ આ શાસ્ત્રને ભયંકર અન્યાય કરનારું કૃત્ય બને છે. સ્વપ્નાદિ બોલીઓ ‘આમાંથી ભગવાનની પૂજા થાય' તેવા સંકલ્પથી સમર્પિત કરવામાં આવતી નથી પણ ભગવાનની પૂજાદિનો તે તે વિક્ષિત (સ્વપ્ન ઉતારવાનો - ઝુલાવવાનો વગેરે) લાભનો હક-અધિકાર મળે તે માટે સમર્પિત કરાતું આ દ્રવ્ય છે. માટે તેને કલ્પિત દ્રવ્ય કહેવાય નહિ.
આ રીતે દરેક શાસ્ત્રપાઠો જોતાં દેવદ્રવ્યથી જિનપૂજા-મહોત્સવાદિ કરવાની વાત કરનારા દરેક શાસ્ત્રકારોને જિનાલય સાધારણદ્રવ્યથી જ જિનપૂજાદિ કરવાનું ઇષ્ટ છે એ સ્પષ્ટ સમજાય તેવું છે.
શ્રી ઉપદેશપદ, શ્રી શ્રાદ્ધદિનકૃત્ય, શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણ, શ્રીધર્મસંગ્રહ, શ્રી દર્શનશુદ્ધિપ્રકરણ, શ્રી મૂલશુદ્ધિપ્રકરણ, શ્રી વસુદેવહિંડી, શ્રી દ્રવ્યસપ્તતિકા, શ્રી સંબોધ પ્રકરણ : આ દરેક શાસ્ત્રો દેવદ્રવ્યથી પૂજા-મહાપૂજા-આંગી-મહોત્સવ વગેરે કરવાનું ફરમાવે છે, પણ સાથે આ જ શાસ્ત્રોમાં દેવદ્રવ્યની વ્યાખ્યા કરતાં સ્પષ્ટપણે જિનમૂર્તિ-જિનાલયની ભક્તિ-પૂજા ક૨વા માટે અર્પણ કરાયેલા દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે ઓળખાવેલ છે. જે જિનભક્તિ સાધારણ-દેરાસર સાધા૨ણદ્રવ્ય જ છે. એનાથી પૂજા-મહોત્સવાદિ કરવાનું કહે છે. ગીતાર્થો આ વાત સ્પષ્ટ વાંચી શકે છે.