Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
તત્વાર્થાધિગમસૂત્ર છતાં નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોની લેશ્યા વિશુદ્ધ વિશુદ્ધતર હોય છે. આ ઉપરાંત ઈષ્ટ વિષય ગ્રહણ કરવાની શક્તિ પણ સંકલેશની ન્યૂનતા અને ઉત્તરોત્તર ગુણ વૃદ્ધિના કારણે ઉપર ઉપરના દેવોમાં વધતી હોય છે. અવધિ જ્ઞાનના વિષયની ફુટતા અને સૂક્ષ્મતા એ બંનેમાં નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોમાં વિશેષ વિશેષતર હોય છે. પહેલા બે કલ્પના દેવો અધો લોકમાં રત્નપ્રભા સુધી, તિરછા લોકમાં અસંખ્યાત લાખ યોજન સુધી અને ઊર્ધ્વમાં પોતાના વિમાન સુધી અવધિ જ્ઞાનથી જોઈ જાણી શકે છે. એમ અનુક્રમે વધતા વધતા અનુત્તર વિમાનવાસી દેવો સમગ્ર લોકનાલિને જોઈ જાણી શકે છે. જે દેવોનું અવધિજ્ઞાન સમાન ગણાય છે; તેમાં પણ નીચેના દેવો કરતાં ઉપરના દેવોનું અવધિજ્ઞાન સૂક્ષ્મ સૂક્ષ્મતર અને વિશુદ્ધ વિશુદ્ધતર હોય છે.
ગમનાગમનની ક્રિયા તે ગતિ છે. ઉપર ઉપરના દેવોમાં સંતોષના કારણે તટસ્થવૃત્તિ વધતી જતી હોવાથી ગતિ કરવાની વૃત્તિ ન્યૂન ન્યૂનતર થતી જાય છે. બે સાગરોપમની સ્થિતિવાળા સનતકુમાર આદિ દેવો અધોલોકમાં સાતમી નારકભૂમિ અને તિરછા લોકમાં અસંખ્યાત લાખ-યોજન સુધી જવાનું સામર્થ્ય ધરાવતા છતાં ત્રીજી નારકભૂમિથી આગળ જતા નથી. મર્યાદા એ છે કે શક્તિ હોવા અને ન હોવા છતાં કોઈ પણ દેવ ત્રીજી નારકભૂમિથી આગળ જતા નથી. શરીરનું પ્રમાણ નીચે નીચેના દેવો કરતાં ઉપર ઉપરના દેવોનું ઘટતું જાય છે. પહેલા બે કલ્પમાં સાત-હાથનું, ત્રીજા અને ચોથા કલ્પમાં છ હાથનું, પાંચમાં અને છઠ્ઠા કલ્પમાં પાંચ હાથનું, સાતમા અને આઠમા કલ્પમાં ચાર હાથનું, નવમાથી બારમા કલ્પનું ત્રણ હાથનું, નવ રૈવેયકમાં