Book Title: Tattvarthadhigam Sutram
Author(s): Umaswati, Umaswami, Ramvijay, Chimanlal Dalsukhbhai Gandhi, Kundakundsuri
Publisher: Dhurandharsuri Samadhi Mandir
View full book text
________________
૧૧૦
તત્વાર્થાધિગમસૂત્ર
કરવાની રહે છે, તે દરેકના અસંખ્ય પ્રદેશ છે. આકાશ દ્રવ્ય પણ સ્કંધરૂપ છે; તેના પ્રદેશ પણ છૂટા પાડી શકાતા નથી. આકાશ લોક અને અલોક વ્યાપી છે; એટલે તેના અનંત પ્રદેશ છે.
જીવ અને પુદ્ગલ દ્રવ્ય દરેક વ્યક્તિરૂપે અનંત છે; પ્રત્યેક જીવ અને પ્રત્યેક પુદ્ગલ એ અખંડ વસ્તુ છે. એક જીવના પ્રદેશ અસંખ્ય છે અને તે અવિભાજ્ય છે. પુદ્ગલ દ્રવ્યના સ્કંધ અનેક પ્રકારના છે; (૧) સંખ્યાત પ્રદેશી, (૨) અસંખ્યાત પ્રદેશી, (૩) અનંત પ્રદેશી અને (૪) અનંતાનંત પ્રદેશી. સૂત્રાંતર્ગત અનંત સંખ્યામાં અનંતાનંતનો સમાવેશ એ રીતે થાય છે કે અનંતના પણ અનંત પ્રકાર છે. પુદ્ગલ એ એક જ દ્રવ્ય એવું છે કે જેના પ્રદેશ સ્કંધથી જુદા પાડી શકાય છે, અને આમ છૂટા થયેલ પ્રદેશ પાછા ફરી સ્કંધમાં ભળી જઈ શકે છે; છૂટા પડવું અને ભેગા થવું એ ગુણ માત્ર મૂત્ત દ્રવ્ય પુદ્ગલમાં છે. પુદ્ગલ સ્કંધમાંથી છૂટો પડતો ભાગ અવયવ કહેવાય છે; અને તેનો છેલ્લો અવયવ તે પરમાણુ છે કે જે અવિભાજ્ય છે. પરમાણુ વ્યક્તિમાં પણ રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ ગુણ રહેલા જ છે, પરમાણુ અગોચર હોવા છતાં રૂપી છે; પરમાણુના ઉપરોક્ત ગુણમાં પર્યાયરૂપે પરિવર્તન-પરિણમન થયાં કરે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને પુદ્ગલ એ દરેકના પ્રદેશના પ્રમાણમાં અંતર નથી; કારણ કે જેટલા ભાગમાં પરમાણુ રહી શકે છે તે જ પ્રદેશ કહેવાય છે, અર્થાત્ જે પરમાણુ સ્કંધથી છૂટો પડી શકતો નથી તે પ્રદેશ છે. પરમાણુ પોતે અવિભાજ્ય હોઈ તેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય છે. પરમાણુ અને પ્રદેશ પ્રમાણમાં સમાન છે, છતાં પુદ્ગલના પરમાણુ સ્કંધથી અલગ થઈ શકે છે. તેમજ સ્કંધમાં ફરી ભળી શકે છે; જ્યારે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને