________________
ડો( ૧૮ * વિવિધ ચિત્રો સહ સરલ ) સ ) જોઈએ, અર્થાત્ સંયમ-ચારિત્ર કે દીક્ષાનો સ્વીકાર કરવો જોઈએ, જેને જૈન તત્ત્વજ્ઞાન (કર્મગ્રંથ)ની ભાષામાં “સર્વવિરતિ” કહેવામાં આવે છે. વિરતિ એટલે ત્યાગ જેમાં “સંપૂર્ણ ત્યાગનું પાલન હોય તેને સર્વવિરતિ કહેવામાં આવે છે. સર્વ ત્યાગ શેનો? તેનો જવાબ છે કે હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ વગેરેનો જીવનભર ત્યાગ, આનો ત્યાગ થાય એટલે એના પ્રતિપક્ષી અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ ધર્મોનું પાલન થાય. આ પાંચ ધર્મોને શાસ્ત્રોમાં “મહાવ્રતો” તરીકે ઓળખાવ્યાં છે. સર્વથા સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તેવા જીવો માટે ત્યાગ કરવાનો બીજો વિકલ્પ છે ખરો? તો કહે હા, તેઓ દેશથી એટલે ન્યૂનાવિકપણે હિંસાદિકના પાપનો ત્યાગ કરી શકે છે, જેને દેશવિરતિ કહેવામાં આવે છે. આ દેશવિરતિ’ આંશિક ત્યાગરૂપ છે, અને ગૃહસ્થાશ્રમમાં રહીને તે આચરણમાં મૂકી શકાય છે. આ દેશવિરતિ એટલે કે આંશિક ત્યાગમાં તો સૌ કોઈ જોડાઈ શકે છે.
સર્વવિરતિનાં દીક્ષા, સંયમ, ચારિત્ર એ પર્યાયવાચક નામો છે. સર્વવિરતિથી પાંચ મહાવ્રતોનો સ્વીકાર કર્યો એટલે ચારિત્ર લઈ સાધુ થયા, પણ તેથી શું લાભ પ્રાપ્ત થયો?
લાભ એ કે આત્મા હિંસાદિ પાપો તથા વિષયકષાયાદિકને વશ થઈને ક્ષણે ક્ષણે નવાં નવાં કર્મ બાંધે છે. જો આ રીતે કર્મની સતત આયાત ચાલુ જ રહે તો કર્મના ગંજના ગંજ ખડકાતા જાય. આત્મા ક્યારેય કર્મથી રહિત ન થાય, અને જો ન થાય તો પછી મુક્તિની પ્રાપ્તિ એક સ્વપ્ન જ બની રહે, અર્થાત્ ક્યારેય કોઈનોય મોક્ષ ન થાય, અને સંસારની અનંત મુસાફરી ચાલુ જ રહે.
એટલે જીવનું પ્રથમ કર્તવ્ય એ છે કે આવતાં નવાં કર્મોને અટકાવવા અને આ કામ સર્વવિરતિ–ચારિત્ર બરાબર બજાવી શકે છે. જો નિરતિચારપણે સુવિશુદ્ધ રીતે ચારિત્ર પાલન થાય તો.
ચારિત્ર એટલે લીધેલાં પાંચ મહાવ્રતોનું ઉત્તમ રીતે પાલન અને બીજા નિયમોઉપનિયમોનો અમલ એ જુદાં જુદાં પાપસ્થાનકોને આવવાના જે દરવાજાઓ છે તેનાં કારોને તે બંધ કરી દે છે. નવું પાપાશ્રવરૂપ જલ આવી શકતું નથી.