________________
૧૬ - વિવિધ ચિત્રો સહ સરલ
ત્રસનાડીની ઉપમા આપવામાં આવી છે. આ ત્રસનાડીમાં સર્વની અધો ભાગે નરકનું સ્થાન છે. તેની ઉપર મનુષ્યલોક વગેરે છે. તેની ઉપર ઊર્ધ્વભાગે દેવલોક અને આની ઉપર જરાક જ દૂર મોક્ષનું સ્થાન છે. જ્યાં અનંતા કાળથી (દેહાદિકથી રહિત માત્ર આત્મત્વ ધરાવનારા) મુક્તિને પામેલા અનંતા જીવો વર્તે છે. ચોરાશી લાખરૂપ સંસારની રખડપટ્ટીમાં કારણભૂત એવાં કર્મોનો સર્વથા ક્ષય કરી સર્વગુણસંપન્ન બની કૃતકૃત્ય થયેલા આત્માઓ જ આ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે.
કારણ નષ્ટ થતાં કાર્ય સંભવી જ ન શકે એટલે આત્મપ્રદેશો સાથે અનંતાકાળથી વળગેલાં કર્મોને અહિંસા, સંયમ, તપ વગેરેની મહાસાધના દ્વારા છૂટાં પાડી દીધાં હોવાથી સંસાર પરિભ્રમણરૂપ કાર્ય હવે તેઓને રહ્યું નહીં, સંસાર નથી તો જન્મ-મરણને ફરી અવકાશ જ નથી. એ નથી એટલે આધિ, વ્યાધિ, ઉપાધિનાં દુઃખો ભોગવવાનાં રહેતાં નથી, એટલે મોક્ષે ગયેલા પરમ આત્માઓ અજર, અમર, અવિનાશી, નિરંજન, નિરાકાર વિશેષણોથી ઓળખાવાય છે, અને તે આત્માઓને અનન્ત અવ્યાબાધ સુખને પ્રાપ્ત થયા છે.
આવું મોક્ષ સ્થાન પ્રાપ્ત કરવું એ જીવમાત્રનું અંતિમ અને પરમધ્યેય છે, અંતિમ સાધ્ય છે. પૂર્વોક્ત સુખના અભિલાષીઓને આજે કે કાલે આ સાધ્ય સ્વીકારે જ છૂટકો છે.
૧. ત્રસ એટલે શું? તો ત્રસ એટલે ગતિ પ્રાપ્ત જીવો, આ જીવો ચૌદરાજવર્તી વિશ્વના કેન્દ્રમાં આવેલી ૧ રાજ લાંબી, પહોળી અને ચૌદરાજલોક ઊંચી એવી સમચોરસ જગ્યામાં જ હોય છે. ત્રસ જીવો એથી બહાર હોતા જ નથી. તેથી ત્રસ જીવ પ્રધાન જગ્યાને ‘નાડી' સંબોધન લગાડી ત્રસનાડી કહેવામાં આવે છે.
૨. કર્મ એટલે શું? કર્મ બે પ્રકારનાં છે. એક દ્રવ્યકર્મ અને બીજું ભાવકર્મ. દ્રવ્યકર્મ એટલે જગતમાં સર્વત્ર વર્તતા કાર્મણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ. જેમાં વ્યક્તિના સારા--નરસા વિચારોનાં કારણે શુભાશુભ ફળ આપવાની શક્તિ પેદા થાય છે. અને પછી એ શક્તિ જીવને સુખ-દુઃખ કે સારા-નરસાનો અનુભવ કરાવે છે, અને આત્માનો શુભાશુભ વિચાર--પરિણામ તે ભાવકર્મ છે.