________________
તા. ૧૬-૩-૯૭
P
પ્રબુદ્ધ જીવન
ઇ. સ. ૧૯૦૮માં અમદાવાદના શ્રી ગિરધરભાઇ હીરાભાઇ શાહે પોતાના દાદા શ્રી પુંજાસા પીતાંબરદાસ કે જેઓ શ્રી વીરવિજયજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા તેમની પાસેથી સાંભળેલી અને બીજાઓ દ્વારા જાણેલી માહિતીના આધારે શ્રી વીરવિજયજી વિશે ‘ટૂંકો પ્રબંધ' લખ્યો છે. તેમાં બે-ત્રણ વિગતો એવી આવે છે કે જેનો અન્યત્ર ક્યાંય ઉલ્લેખ થયો નથી. તેમણે શ્રી મગનલાલ વખતચંદ પાસેથી એ વાતો સાંભળી હતી. એક વાર કોઇકે મહારાજશ્રીને એવી વાત કરી કે અમુક ગામના કોઇ શ્રાવક ભાઇ આનંદઘનજીનાં પદોનો અર્થ બરાબર શ્રી આનંદધનજીના હેતુ અને આશય પ્રમાણે કરી શકે છે. ‘મહારાજશ્રીએ કહ્યું, ‘પદ કે સ્તવનના અર્થ પોતાની વિદ્વતા પ્રમાણે કોઇ કરી શકે, પણ કવિના હેતુ કે આશય પ્રમાણે જ તે બરાબર કરી શકે છે એવું હંમેશાં દરેક વખતે ન કહેવાય, કારણ કે કવિનો આશય કેટલીક વાર ઘણો ગૂઢ હોય છે.’ ત્યારપછી બીજે દિવસે એ શ્રાવક ભાઇ મહારાજશ્રીને મળવા આવ્યા. તે વખતે મહારાજશ્રીએ એમને શંખેશ્વર પર્શ્વનાથ વિશેનું પોતાનું એક સ્તવન આપ્યું કે, જેની પ્રથમ પંક્તિ હતી ‘સહજાનંદી શીતળ સુખભોગી'. એ સ્તવનના અર્થ તે ભાઇ કરી ન શક્યા એટલું જ નહિ, સ્તવન કયા ભગવાનનું છે તે પણ જંણાવી ન શક્યા. એટલે મહારાજશ્રીએ એમને કહયું કે ‘કાવ્યના શબ્દાર્થ કરી બતાવવા એ એક વાત છે અને કાવ્યના રચનારનો આશય બરાબર કરી બતાવવો એ બીજી વાત છે. આશય ન જ કહી શકાય એવું નથી, પણ તેવો દાવો કરી ન શકાય.’
મહારાજશ્રી કવિ દલપતરામ ડાહ્યાભાઇના સમકાલીન હતા. દલપતરામ અમદાવાદમાં રહેતા હતા અને ગુજરાતી કવિતામાં એમનું નામ એ જમાનામાં અગ્રગણ્ય હતું. એ જમાનામાં સંસ્કૃતવૃત્તમેળ છંદોને બદલે માત્રામેળ છંદોમાં અને દેશીઓમાં ગુજરાતી કવિતાની રચના. થતી હતી. કવિતા ગેય પ્રકારની જ હોય એવો મત પ્રચલિત હતો. મહારાજશ્રીની કવિતાની ભાષા, લઢણ વગેરે કેટલેક અંશે દલપતરામની કવિતાને મળતી આવે છે, પરંતુ દલપતરામની કવિતાનો પ્રભાવ મહારાજશ્રીની કવિતા ઉપર પડ્યો હોય એવું જણાતું નથી. તેઓ બંને પરસ્પર મળ્યા હોય એવો પણ ક્યાંય નિર્દેશ મળતો નથી. પરંતુ મહારાજશ્રીએ ‘સ્થૂલિભદ્રની શિયળવેલ'ની જે રચના કરી તેના મૌલિક કવિત્વથી દલપતરામ બહુ પ્રભાવિત થયા હતા અને એમણે આ કાવ્યકૃતિની પ્રશંસા કરી હતી એવું ગિરધરભાઇ હીરાભાઇએ મહારાજશ્રીના વિદ્વાન ભક્ત શ્રી મગનલાલ વખતચંદ પાસેથી સાંભળીને નોંધ્યું છે.
વિ. સં. ૧૯૦૮માં શ્રી વીરવિજયજી મહારાજ ૭૮ વર્ષના થઇ ગયા હતા. એમના દીક્ષાપર્યાયને ૬૧ વર્ષ થવા આવ્યાં હતાં. એમની વૃદ્ધાવસ્થા ચાલતી હતી. એવામાં શ્રાવણ મહિનામાં એમની તબિયત લથડી. ઔષધોપચાર કરવામાં આવ્યા, પણ ખાસ કંઇ ફરક પડ્યો નહિ. પર્યુષણના દિવસો આવ્યા અને ગયા, પણ શરીર અસ્વસ્થ રહ્યા
જે કર્યું, એટલું જ નહિ, વધારે અશક્ત થવા લાગ્યું. એમ કરતાં કરતાં વિ.સં. ૧૯૦૯ના ભાદરવા વદ ત્રીજના રોજ પાછલા પહોરે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. સંઘના બધા મોટા મોટા આગેવાનો તરત દોડી આવ્યા. શિબિકા તૈયાર કરવામાં આવી. એમનાં અંતિમ દર્શન કરવા માટે ભઠ્ઠીની પોળમાં હજારો માણસોની લાઇન લાગી. જૈન જૈનેતર એમ અઢારે વરણ'ના લોકો આવ્યા. એ દિવસે બજારોમાં હડતાલ પડી. એમની શિબિકાને જ્યારે લઇ જવામાં આવી ત્યારે એ જોવાને માટે અંગ્રેજ સાહેબો પણ પોતાની કચેરી બરખાસ્ત કરી રસ્તા પર આવી પહોંચ્યા. શ્રી
રંગવિજયજી લખે છેઃ
સાહેબ જોવાં આવિયા રે રાજ, કરી કચેરી બરકાશ રે. વેપાર ન કરે વાણિયા રે, મલિયા વરણ અઢાર રે. આમ શ્રી વીરવિજયજીના અંતિમ દર્શન માટે ઊભે રસ્તે બંને બાજુ હજારો માણસો એકત્ર થયા હતા. એમની પાલખી નગ૨ દ૨વાજા બહાર આવી અને સાબરમતી નદીમાં દૂધેશ્વરના આરે ચંદન કાષ્ઠની રચેલી
ચિતામાં એમની શિબિકાને પધરાવવામાં આવી, એને અગ્નિદાહ દેવા માટે ઉછામણી બોલાવવામાં આવી. આ રીતે શ્રી વીરવિજયજીના પાર્થિવ દેહનો અંત આવ્યો. એમના મુખ્ય શિષ્ય રંગવિજયજી પોતાની વિરહની સંવેદના વ્યક્ત કરતાં રાસમાં લખે છે :
બાલપણાથી સાહેબે રે, ઉછેરી મોટો કીધ રે; માય તાત તેણી પરે રે, મુજને કર્યો ઉપગાર રે.
રંગ કહીને કુણ બોલાવશે રે, કોને પૂછીસ્યુ વાત રે; ગહન અરથ ગુરુજી કહે રે, સાંભળી સંશય જાય રે શ્રી વીરવિજયજીના કાળધર્મ પછી એમની પાટે એમના શિષ્ય શ્રી રંગવિજયજીને વિ. સં. ૧૯૦૮ના આસો માસની વિજયાદશમીને દિવસે ગુરુવારે સ્થાપવામાં આવ્યા હતા. આ શ્રી રંગવિજયજીએ પોતાના ગુરુવર્ય શ્રી વિરવિજયજી વિશે ‘નિર્વાણ રાસ'ની રચના વિ. સં. ૧૯૧૧ના ચૈત્ર સુદ પૂનમના દિવસે પૂરી કરી હતી.
ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં મહારાજશ્રીના કાળધર્મની દર માસિક તિથિએ ઘણાં શ્રાવક-શ્રાવિકા પોસહ કરતાં હતાં. વળી એ તિથિએ માણેક ચોકમાં હડતાલ પડતી હતી. એક વર્ષ પછી દર વાર્ષિક તિથિએ એ રીતે ભક્તો પૌષધ કરતા રહેતા હતા. આ પરંપરા ઘણાં વર્ષ સુધી ચાલુ રહી હતી.
કાળધર્મના લગભગ છ મહિના પછી વિ. સં. ૧૯૦૯માં ભઠ્ઠીની પોળના ઉપાશ્રયની વાડીમાં એક ‘શુભ’ બંધાવવામાં આવ્યું અને તેમાં મહારાજશ્રીના પગલાંની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. એ વખતે પંદર દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ પગલાંના દર્શન આજે પણ લોકો ભાવથી કરે છે. ભઠ્ઠીની પોળનો એ ઉપાશ્રય હવે વીરવિજયજીના ઉપાશ્રય તરીકે - વીરના ઉપાશ્રય તરીકે ઓળખાય છે.
શ્રી વીરવિજયજી મહારાજને શંખેશ્વર પાર્શ્વનાથમાં તથા શ્રી પદ્માવતી દેવીમાં ઘણી શ્રદ્ધા હતી. એમણે પોતે લખ્યું છે તે પ્રમાણે ધ્યાનથી માસ દસ દોય વીત્યા'. આમ એક વર્ષ એમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ધ્યાન સતત ધર્યું હતું. એમની શ્રી પદ્માવતી દેવીની આરાધના પણ સતત ચાલુ જ રહેતી. એમ કહેવાય છે કે શ્રી પદ્માવતીદેવી એમના પર પ્રસન્ન હતાં અને એમને સહાય કરતાં. શ્રી પદ્માવતીદેવીની જે પ્રતિમા તેઓ પોતાની સન્મુખ રાખીને આરાધના કરતા એ પ્રતિમાનાં દર્શન ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં આજે પણ કરી શકાય છે.
શ્રી વીરવિજયજી મહારાજનો દીક્ષાપર્યાય ૬૧ વર્ષ જેટલો હતો.
એમણે પહેલી કૃતિની રચના લગભગ પચીસ વર્ષની ઉંમરે કરી હતી. લગભગ સાડા પાંચ દાયકા જેટલા પોતાના કવનકાળમાં એમણે વિવિધ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમાં રાસ જેવી સુદીર્ઘ કૃતિઓ છે અને સ્તવન જેવી નાની રચનાઓ પણ છે. એમણે પૂજાઓ, ઢાળિયા, બારમાસ, વિવાહલો, વેલી, લાવણી, ગહુંલી, હરિયાળી, છત્રીસી, કરી છે. રાસ કૃતિઓમાં એમણે સુરસુંદરી રાસ, ધમ્મિલ રાસ અને દૂહા, સ્તવનો, સજ્ઝાય, ચૈત્યવંદન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ ચંદ્રશેખર રાસની રચના કરી છે. પૂજાઓમાં એમણે અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવ્વાણુ પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા અને પંચકલ્યાણકની પૂજા રચી છે. એમણે રચેલી સ્નાત્રપૂજા આજે પણ રોજે રોજ જિનમંદિરોમાં ગવાય છે. તદુપરાંત એમણે ‘સ્થૂલિભદ્રની શિયળવેલ' હિતશિક્ષા છત્રીસીની રચના કરી છે અને વિવિધ પ્રસંગોત્સવનાં ઢાળિયાંની રચના કરી છે. એમની મનોહર પ્રાસસંકલનાવાળી, લયબદ્ધ પંક્તિઓવાળી રચના સુગેય અને તરત જીભે ચડી જાય અને હૈયે વસી જાય એવી છે. આથી જ શ્રી વીરવિજયજી મહા૨ાજની પૂજાઓ રોજરોજ ક્યાંક ને ક્યાંક ગવાતી રહે છે.
આમ, ઓગણીસમા શતકના કવિઓમાં અને વિશેષતઃ જૈન ગૂર્જર કવિઓમાં પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે.