________________
X
રસ્તો આમ શાંત હતો. અમુક અંતરે ચાલ્યા પછી પંડિતજી કહે, હવે ડાબી બાજુ વળો.’ અમે ડાબી બાજુના રસ્તે ચાલ્યા. પંડિતજી પછી કહે, ‘આપણે અનાજ-કરિયાણાની દુકાન છે ત્યાં જઈએ.' પંડિતજી જોઈ શકતા નહિ, પણ કેટલું અંતર કપાયું છે અને ક્યાં પહોંચ્યા છીએ તેની તેમની સૂઝ ચોકસાઈ ભરેલી હતી. એ દુકાને અમે ગયા. એમના કોઈ સગાની એ દુકાન હતી. પંડિતજીએ બદામ, કાજુ, દ્રાક્ષ, એમ ચાર-પાંચ પડીકાં બંધાવ્યાં; પછી મારા હાથમાં આપીને કહે, રમણભાઈ, આ તમારા માટે બંધાવ્યાં છે. પૈસા આપવાના નથી. આપણી ઘરની જ દુકાન છે.' પંડિતજીએ શા માટે નવરંગપુરા બાજુ ફરવા જવાનું સૂચન કર્યું હતું તે સમજાયું. એમના આગ્રહને છેવટે વશ થવું પડ્યું. એમના વાત્સલ્યના સ્પર્શથી મારું હૃદય આર્દ્રભાવે નમી રહ્યું.
પંડિતજીના અવસાનના છએક મહિના પહેલાં મારાં પત્ની સાથે હું મળવા ગયો હતો. વર્ષોજૂના મુંબઈનાં સ્મરણો તાજાં કર્યાં, આટલી ઉંમરે પણ એમની સ્મૃતિ સતેજ હતી. અલબત્ત, વાત કરતાં કરતાં ચિત્ત થાકી જતું તો થોડી વાર શાંત રહેતા. અમારાં બંને સંતાનોને યાદ કર્યાં અને ફરી અમદાવાદ જઈએ તો સંતાનોને લઈ એમને ત્યાં અમારે જવું અને ત્યાં જ જમવાનું રાખવું એવો આગ્રહ કર્યો. કહે, “અહીં જમવાની બધી વ્યવસ્થા થઈ શકે એમ છે, માટે એ ચિંતા કરશો નહિ.’
પંડિતજીએ અમદાવાદને પોતાનું નિવૃત્તિસ્થાન, નિવાસસ્થાન બનાવ્યું તે પછી અમદાવાદ બહાર ખાસ તેઓ ગયા નથી. ‘સરિતકુંજમાંથી મુનિ જિનવિજ્યજીના મકાનમાં, અનેકાંત વિહાર'માં રહેવા ગયા પછીથી તો ઘરની બહાર પણ ખાસ જતા નહિ. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તો અલબત્ત, તબિયતને કારણે પણ તેઓ બહાર નીકળતા નહિ.
પંડિતજીનું જીવન એટલે આજીવન વિદ્યોપાસના અને આજીવન બ્રહ્મચર્યની પણ ઉપાસના. અલ્પપરિગ્રહી, નિસ્વાર્થ, તપોમય એમનું જીવન હતું. પંડિતજી એટલે જંગમ તીર્થ. ૧૯૫૬માં હું અમદાવાદ છોડી મુંબઈ પાછો આવ્યો ત્યારથી તે તેઓ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી જ્યારે જ્યારે અમદાવાદ જાઉં ત્યારે પંડિતજીને મળવા જવાનું, વંદનાર્થે જવાનું તો અચૂક રાખ્યું હતું. છેલ્લે એમના અવસાનના ચારેક મહિના પહેલાં એક વખત મળવા ગયેલો ત્યારે મુનિ જિનવિજ્યજી ત્યાં આવીને રહ્યા હતા. પંડિતજીએ મને કહ્યું, ‘મુનિજીને કેન્સર થયું છે. ડૉક્ટર કહે છે કે હવે એ મહિનાથી વધુ નહિ કાઢે. બહાર સૂતા છે. તમે મળો ત્યારે કેન્સરની વાત કરતા નહિ' હું મુનિજી પાસે ગયો. મુનિજી પ્રસન્ન હતા. ગૂજરાત વિદ્યાપીઠનાં કેટલાંક સંસ્મરણો મને કહ્યાં. સાથે સાથે કહ્યું, “બસ હવે તૈયારી થઈ ગઈ છે. કેન્સર છે. થોડા દિવસનો જ મહેમાન છું. મૃત્યુદેવના આગમનની ઉત્સુક્તાપૂર્વક રાહ જોઉં છું, કેન્સર અને મૃત્યુની વાતે કદાચ મુનિજી અસ્વસ્થ બને એવી પંડિતજીને ભીતિ હતી, પરંતુ મૃત્યુની વાત મુનિજીએ પોતે જ કાઢી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org