________________
ભાવાર્થ સામાન્ય રીતે અનેક જીવોને ઉપઘાત કરનાર, સ્વાભાવિક રીતે જ નિંદા કરવા લાયક, કાર્ય કરતાં પણ ઘણો કલેશ આપનાર, અને પરભવમાં દુર્ગતિ આદિકની પીડા કરનાર અને અધર્મ પમાડનાર એવા અંગાર-કર્માદિક આરંભો (કર્માદાનો) વર્જવા. તથા પરને પીડા ઊપજે એવો વિચાર પણ કરવો નહીં. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ ન થવાથી દીનતા કરવી નહીં. પ્રાપ્તિ થવાથી હર્ષ કરવો નહીં તથા અતત્ત્વના અધ્યવસાયરૂપ કદાગ્રહ સેવવો નહીં - અતત્ત્વનો આગ્રહ કરવો નહીં પરંતુ પોતે જે વચન કહ્યું હોય તેને અનુસારે મનની પ્રવૃત્તિવાળા થવું. તથા અભ્યાખ્યાનાદિક આળ આપવા રૂપ અસત્ય, કઠોર, પિશુનતાવાળું અને વિકથાદિક અસંબંધવાળું વચન બોલવું નહીં. પરંતુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અન્ય જીવને હિતકારક તથા પ્રમાણોપેત વચન બોલનાર થવું, એ જ પ્રમાણે પ્રાણીઓની હિંસા ન કરવી, અદત્ત ગ્રહણ ન કરવું, પરસ્ત્રી સામે રાગથી જોવું નહીં અને અનર્થદંડ કરવો નહીં, પરંતુ શુભ કાયયોગ (આચરણ)વાળા થવું.
श्री पञ्चसूत्रम्