________________
અપૂર્વ અવસર ‘ત્યાગ, વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન.
અટકે ત્યાગ, વિરાગમાં, તો ભૂલે નિજ ભાન.' આ.સિ.-(૭)
વૈરાગ્યએ ધર્મનું સ્વરૂપ છે ભાવના બોધના પ્રારંભમાં કૃપાળુદેવે લખ્યું છે કે, “જેમ રૂધિરનો ડાઘ રૂધિરથી જતો નથી. નિર્મળ એવા જળથી રૂધિરનો ડાધ જાય. એમ સંસારનો રોગ લાગ્યો હોય તો શૃંગારથી એ રોગ મટે નહીં એને માટે વૈરાગ્ય જોઈએ.' ભર્તૃહરિ મહારાજે કહ્યું છે કે આ સંસારની બધી જ વસ્તુ, બધી જ અવસ્થા, બધા જ ભાવ – એમાં ભય કહ્યો છે. કામ, મદ, રૂપ,ગર્વ-વગેરે બધા જ ભાવોમાં ભય કહ્યો છે. સંસારમાં એક કેવળ વૈરાગ્ય જ અભય છે. ‘વૈરાગ્ય એ જ જીવને મોક્ષમાં લઈ જનાર, અનંત સુખના માર્ગે લઈ જનાર ભોમિયો છે.’ તો પરમાર્થ માર્ગની યાત્રાનો પ્રારંભ વૈરાગ્ય વિના થતો નથી. વૈરાગ્યની વ્યાખ્યા તો ઘણી છે પણ કૃપાળુદેવે પત્રાંક - ૫૦૬ની અંદર એક ટુંકી વૈરાગ્યની વ્યાખ્યા આપી છે. કે ‘ગૃકુટુંબાદિ ભાવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય.’ ગૃહ - એટલે ઘર અને ઘર એટલે એમાં રહેલી બધી જ વસ્તુઓ ઘરવખરી પણ આવી જાય. બીજું કુટુંબ – એટલે બધા જ સાથે રહીએ છીએ તે. કુટુંબ આદિ ભાવને વિશે અનાસક્ત બુદ્ધિ થવી. એના પ્રત્યે લેશ માત્ર પણ આસક્તિ નહીં. આવો જ્યારે વૈરાગ્ય આવે અને એ વૈરાગ્ય જ્યારે દૃઢ થાય ત્યારે જ ઉદાસીનતા આવે છે. જેને પોતાના ઘર અને કુટુંબ પ્રત્યે અનાસક્ત બુદ્ધિ હોય એને સંસાર પ્રત્યે અનાસક્ત ભાવ જ હોય. માટે કહ્યું, ‘સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી.’ વૈરાગ્ય આવ્યા વિના સર્વ ભાવથી ઉદાસીનતા આવી શકે નહી. કૃપાળુદેવ લખે છે ‘આધ્યાત્મ કી જનની અકેલી ઉદાસીનતા’ એક પત્રમાં લખ્યું છે ‘ઉદાસીનતા’નો અર્થ અમે ‘સમપણું’ કહીએ છીએ. જ્યાં ક્લેશ અને સંક્લેશથી મંદતા યુક્ત બુદ્ધિ વર્તે છે એને અમે ઉદાસીનતા કહીએ છીએ. ઉદાસીનતા શબ્દનો અર્થ સમપણુ છે. પોતાના સિવાય અન્ય કોઈ પદાર્થ કે વસ્તુમાં અહંભાવ કે મમત્વભાવથી મુક્ત, રાગદ્વેષ રહિતપણું - એ ઉદાસીનતાનું સ્વરૂપ છે અને એ ઉદાસીનતા આધ્યાત્મની જનની છે. પત્રાંક ૩૯૮માં કૃપાળુદેવે ‘ઉદાસીનતા’ સમજાવી છે. અને એ ઉદાસીનતા જીવનમાં આવે અને ત્યાર પછી તેનો ભાવ જીવનમાં દૃઢ થાય ત્યારે જીવનમાં વીતરાગતા આવે. જીવ ચોથા ગુણસ્થાનકથી ઉપડે તો ઉદાસીનતાના જોરે સાતમા
૧૮
અપૂર્વ અવસર
ગુણસ્થાનક સુધી પહોંચી જાય અને ઉદાસીનતા જોર કરે એટલે વીતરાગભાવનું જોર આવે, અપૂર્વકરણનું. એ વીતરાગતા પછી અખંડ ઉપયોગની ધારા રહે છે. કૃપાળુદેવ કહે છે, વીતરાગતા એટલે આત્મ-સ્થિરતાના કારણે કર્મબંધના અભાવની સ્થિતિ છે. એ વીતરાગતા કેવી હોય તે ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’માં કહ્યું છે. “વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ;
ઉદય થાય ચારિત્રનો, વીતરાગ પદ વાસ.' આ.સિ.-(૧૧૨)
સમકિત વર્ધમાન થાય, ચારિત્રનો ઉદય થાય, જગતના સર્વ પદાર્થ પ્રત્યેની ઉદાસીનતા વધતી જાય, જગતનો સંગ-પ્રસંગ, સંજોગ, સંયોગ, કારણ - આ બધાથી જીવ નિર્પેક્ષ થતો જાય. માધ્યસ્થવૃત્તિમાં એ આવે. સમદર્શિતા એને વર્તે, આવો જીવ આગળ વધતાં વધતાં વીતરાગતામાં આવે. એને ચારિત્રનો ઉદય થાય અને વીતરાગ પદમાં એ વાસ કરે છે.
આ ઉદાસીનતાનું લક્ષણ કૃપાળુદેવે પત્ર-૮૩૨માં બહુ સરસ રીતે મુક્યું છે. ‘સર્વ, જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે.’ કંઈ ને કંઈ મેળવવું એટલે શરીરની સુખાકારીથી માંડીને સર્વ પદાર્થોની પ્રાપ્તિ. મને કંઈક મળવું જોઈએ. સારો પ્રસંગ મળવો જોઈએ, સારો સંબંધ મળવો જોઈએ, આની ઓળખાણ મને થવી જોઈએ. આ પદાર્થ મને મળવો જોઈએ. ભોગ-ઉપભોગના જેટલાં સાધન જગતમાં વિદ્યમાન છે એ મને મળે. અને એ મને મળે તો મને સુખ અને આનંદ મળે. કૃપાળુદેવ કહે છે, ‘પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો.' જ્ઞાનીઓએ નિર્ણય આપી દીધો. કોર્ટની જેમ જજમેન્ટ આપી દીધું કે ‘કિંચિત્માત્ર પણ ગ્રહણ કરવું એ જ સુખનો નાશ છે’ તો સુખ મેળવવામાં નથી, પણ છોડવામાં સુખ છે. ઉપનિષદમાં એના માટે એક વાક્ય મુક્યું છે. મંત્ર છે, ‘તેના ત્યક્તન ભંજિતાઃ’ તેનો ત્યાગ કરીને (પછી) તું ભોગવ. ત્યાગ કરીને એટલે મનથી, ભાવથી, વૃત્તિથી, આસક્તિપણાથી પહેલા એને છોડી દો. પછી ઉદયગત જે કંઈ હશે તેનો ભોગવટો તું કરજે. એટલે કહે છે કે દેહમાં પણ આસક્તિનો ભાવ ન રહે. માટે કહ્યું કે, ‘માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો.’
સંયમની સાધના ન થતી હોય તો દેહની પણ આવશ્યકતા નથી.
૧૯