________________
અપૂર્વ અવસર જેમ મુસાફરીમાં જતાં માલ મિલક્ત ભેગાં ને ભેગાં જ છાતીએ વળગાડીને રાખીએ છીએ તેમ ઇચ્છા હોય કે ન હોય શુભાશુભ કર્મો ભેગાં ને ભેગાં જ રહેશે છૂટશે નહીં. જ્ઞાની કહે છે ઉપયોગની જાગૃતિને કારણે ઉદયાધિન આવી યોગ પ્રવૃત્તિ જ્ઞાનીને ઘણી સંક્ષિપ્ત પણે વર્તે છે. નિવૃત્તિ, અસંગતા, સર્વ ભાવથી ઔદાસીપણું આ બધાં નિગ્રંથદશાના લક્ષણો કેવી રીતે પ્રાપ્ત થાય એનું રહસ્ય શ્રીમદ્ રાજચંદ્રજી બતાવે છે. આપણને ક્યાંયથી પ્રાપ્ત ન થાય એવી વાતો “અપૂર્વ અવસર'ના પદમાં લખી છે. સમ્યફદૃષ્ટિ આત્માને જ્ઞાન થયું છે તેથી ઉપયોગની જાગૃતિના કારણે, મન-વચન-કાયાની પ્રવૃત્તિ સંક્ષેપપણાને ભજે છે. આ ક્રિયાઓ એવી સંક્ષેપ થાય કે બહારની રચના ગમે તેવી હોય, એમાં જીવ જોડાતો નથી. તેની સ્થિરતાનો ભંગ થતો નથી.
કેવળજ્ઞાન થતાં સુધી આત્મસ્થિરતાનું સાતત્ય જળવાતું નથી. તો પણ જ્યાં સુધી દેહની વિદ્યમાનતા છે ત્યાં સુધી ઘોર પરીષહ અને ઉપસર્ગ તથા તેના ભય છતાં તે સ્થિરતાનો અંત ન આવે તે માટે જ્ઞાની આત્મજાગૃતિનો સખત અને સતત પુરુષાર્થ કરે છે.' આત્મસ્થિરતાનો આ પુરુષાર્થ એ જ સત્ય પુરુષાર્થ. એ જ મોક્ષ પુરુષાર્થ. અહીં હવે શ્રીમદ્ રાજચંદ્ર દેવ સમજાવે છે કે કર્મ ભોગવ્યા સિવાય તો નિવૃત થતા નથી. એટલે નિગ્રંથદશામાં બળવાનપણે કર્મ વેદવાનો પુરષાર્થ ઉપાડવાનો છે. બળવાનપણે વેદે એટલે આ ભવનાં-ઓલા ભવનાં-કાંઈ કેટલાંય કર્મો ઉતાવળે ઉતાવળે નિવૃત્ત થવા માટે દોડતાં આવે છે. તે સમયે આ જ્ઞાની અહીંયા અપેક્ષા કરે છે કે મારી આત્મસ્થિરતા, ઉપયોગની જાગૃતિ એવી હોય કે જેથી અમારા મન-વચન-કાયાના યોગની સ્થિરતા પ્રાપ્ત થાય અને એ સ્થિરતા એવી હોય, એ પુરુષાર્થ એવો હોય કે, “ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો.’
હવે આ જીવે સંસાર તો છોડ્યો છે. અને નિગ્રંથપદની ભાવનામાં જાય છે. એટલે નિગ્રંથનું અહીં ભાવ ચારિત્ર બતાવે છે. અને ભાવચારિત્રમાં કેવી સ્થિરતા? તો કહે ઘોર પરીષહ- ઘોર- એટલે ભગવાન મહાવીરને કેવા પરીષહ થયાં? કેવા ઉપસર્ગ થયાં? સંગમ દેવનો ઉપસર્ગ, ચંડકૌશિકનો ઉપસર્ગ અને પરીષહ કેવાં? અનાજ ન મળે, મુનિ વહોરવા નીકળે ગોચરીનો યોગ ન થાય.
અપૂર્વ અવસર પાણીનો યોગ ન થાય. શીત પરીષહ, ઉષ્ણ પરીષહ, તૃષા પરીષહ, દંશક પરીષહ, ગ્રીષ્મ પરીષહ, કેટલી પ્રકારના ઘોર પરીષહ થાય. અને મુનિ એવા એવા ક્ષેત્રમાં જ જાય કે જ્યાં એના આત્મચારિત્રનું બરાબરનું પારખું થાય, કસોટી થાય. એટલે પોતાના જાણીતા ક્ષેત્રમાં ન વિચરે. જ્યાં પોતાને કોઈ ઓળખતું ન હોય, જ્યાં પોતાની આ દશાનો કોઈને ખ્યાલ ન હોય તેવાં ક્ષેત્રમાં મુનિ વિચરે. ભગવાન મહાવીર વિચરતાં વિચરતાં લાટ પ્રદેશમાં ગયા. અનાર્ય ક્ષેત્રમાં ગયા. કોઈ ખાવાનું આપે નહીં પણ માર મારે અને પાછળ કૂતરા દોડાવે જે બચકાં ભરે. ચોર સમજીને એના ઉપર અનેક પ્રકારના અત્યાચાર કરે. જંગલમાં કોણ આપણી વ્યવસ્થા કરે? આવા ઘોર પરીષહ પ્રાપ્ત થાય અને ઉપસર્ગ થાય. કેવા કેવા ઉપસર્ગ- જેવા ગજસુકુમારને થયાં, જેવા મેતારજ મુનિને થયાં, જેવા સુકોશલ મુનિને થયાં એવા ભયંકર ઉપસર્ગ થાય. મહત્પરુષોનાં ચરિત્રોમાં ઉપસર્ગ અને પરીષહ સિવાય બીજું શું હોય છે? એ આત્માની મહત્તાના ગાણાં ગાય છે. તો આત્માની મહત્તાની કસોટી પણ હોય જ.
ભગવાન મહાવીરે તો નવો માર્ગ પણ બતાવ્યો કે ક્યારેક આત્મશક્તિનું પારખું કરવું હોય તો અભિગ્રહ પણ લેવો. ભગવાન મહાવીર નિગ્રંથ અવસ્થામાં છે અને પાંચ પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ સહિત ભગવાન વિચરે છે. આ સિદ્ધાંત, જો દેહ ટકવાનો હશે તો આહાર મળી રહેશે અને જો દેહ ટકવાનો નહીં હોય તો ભર્યો ભાણે પણ મરી જઈશ. કોળીયો હાથમાં રહી જાય અને દેહ છૂટી જાય એવું પણ બને. એટલે ખાધા વગર મરી જવાય એવું કંઈ નથી. જ્ઞાનીઓ પોતાના દેહના કર્મો કેટલા બાકી છે એની કસોટી કરવા અભિગ્રહ લે છે. અભિગ્રહ એટલે- આવા આવા પ્રકારની ઘટના બને કે સંજોગો થાય તો જ આહાર-પાણી વાપરવાં નહીંતર ન વાપરવાં અને અભિગ્રહ પણ કેવો? કોઈ રાજકુમારી હોય, એને માથે મુંડન કરાવ્યું હોય, પગમાં બેડી નાખી હોય, આંખમાં આંસુની ધાર હોય, અડદના બાકુડા રાખ્યા હોય અને ત્રણ દિવસની ભૂખી હોય- અને આ અભિગ્રહ પુરો થાય ત્યાં સુધીમાં ભગવાનને પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ થાય છે. આવા અભિગ્રહ જ્ઞાનીઓ ધારણ કરે છે. એ ધીર પુરુષોની કસોટીનો માપદંડ તો જુઓ. ‘અભિગ્રહ’ શબ્દ જૈનદર્શન
૩૮
૩૯