________________
અપૂર્વ અવસર માં જ છે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય. અંતરાય અને મોહનીય આવરણ કરતા નથી. અંતરાય કરવો એટલે આડસ ઊભી કરવી. તો આ આત્માના ચાર ઘાતકર્મો છે. એ ચારેયનો નાશ કરવાનો છે. આ ચારેનો નાશ થયે જીવને પૂર્ણ વીતરાગતા પ્રગટી કેવળજ્ઞાનની ઉપલબ્ધિ થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયે એની સ્થિતિ ‘દેહ છતાં નિર્વાણ’ની હોય છે. નિર્વાણ એટલે જે આત્માને ફરીથી દેહ ધારણ કરવાપણું નથી તે આત્માને જૈનદર્શનમાં નિર્વાણ કહેવામાં આવે છે. ‘નિર્વાણ’ એટલે પછી દેહ હોય તો પણ નિર્વાણ. આપણે જુદા જુદા શબ્દ પ્રયોગ કરીએ છીએ કે દિવાળી ને દિવસે ભગવાન મહાવીર નિર્વાણ પધાર્યા. ભગવાન મહાવીરે તો તે જ દિવસે નિર્વાણ પ્રાપ્ત કર્યું જે દિવસે-વૈશાખ સુદ-દશમના દિવસે ઋજુવાલિકા નદીને કિનારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બેતાલીસ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન પ્રગટ્યું ત્યારે જ ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું પછી તો દેહ અને કર્મનું મુક્ત થવું- જેને મોક્ષ થવો કહેવાય તે જ બાકી રહ્યું. જેમ સૂર્ય અને ચંદ્રને રાહુ ને કેતુનું ગ્રહણ લાગે તો પછી રાહુ અને કેતુ એના પ્રકાશમાંથી છૂટા પડી જાય તો આપણે એમ કહીએ કે આ ગ્રહણ ક્યારે શરૂ થશે? અને આ ગ્રહણનો ક્યારે મોક્ષ થશે? એમ આ રાહુ અને કેતુ એ કર્મ છે. એ કર્મો ઘાતી ને અઘાતી એ આત્મારૂપી સૂર્યને અથવા ચંદ્રને લાગ્યાં છે. અને એ જ્યારે સંપૂર્ણ હટી જાય, અને આત્માનો પ્રકાશ, આત્માની જ્યોતિ પૂર્ણપણે કોઈપણ પ્રકારના અવરોધ વિના પ્રકાશે ત્યારે એનો મોક્ષ થયો કહેવાય. એટલે દેહરૂપી જે વાદળો છે તે પણ હવે સમાપ્ત થયા છે. આત્મા સ્વયં જ્યોતિ છે. એ પૂર્ણ પ્રકાશિત થાય છે. એને કહેવાય છે મોક્ષ. એટલે જ્યારે દેહનો સંપૂર્ણપણે સદા સર્વથા અભાવ થાય છે.
‘દેહાદિક સંયોગનો આત્યાંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે -આ મોક્ષ પદ છે. તો મહાવીર પ્રભુના આત્માનો દિવાળીના દિવસે મોક્ષ થયો. એને હવે કોઈપણ પ્રકારનું કર્મ કોઈ સ્વરૂપની અંદર એની સાથે જોડાય એમ નથી. એનો આત્મા કર્મથી મુક્ત થયો. એને કહેવાય મોક્ષ. અને ઘાતકર્મનો સર્વથા નાશ થાય ત્યારે આત્માની જે અવસ્થા થાય તેને કહેવાય નિર્વાણ.
તો અહીં કહે છે આ ચારે કર્મોમાં બળવાન કર્મ છે તે છે મોહનીય. એટલે જ્ઞાની કહે છે મોહનીયનો જેણે નાશ કર્યો તેણે સર્વ ઘાતકર્મનો નાશ કર્યો. કૃપાળુદેવે
૧૩૦
અપૂર્વ અવસર આત્મસિદ્ધિમાં આ ક્રમ કીધો છે. અનંત પ્રકારના કર્મો. તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય. મોહનીયના પણ બે ભાગ પાડીને કહ્યું છે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. દર્શનમોહમાં જીવે પોતાના ડહાપણનો કંઈ પુરુષાર્થ કરવાનો નથી. કારણ કે, ‘અપૂર્વ એવું પોતાને પોતાથી પ્રાપ્ત થતું નથી. જીવ નિજ છંદે ચાલીને અનંતકાળ પુરુષાર્થ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામી શકે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.’ એટલે જ્યાં સુધી દર્શનમોહનો નાશ કરવાની સ્થિતિ છે ત્યાં સુધી સદ્ગુરુના શરણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સત્પુરુષના બોધ સિવાય બીજો કોઈ ઉપાય નથી. ગમે તેટલો નિમિત્તનો નકાર કરનારાં પણ કહે છે કે દેશનાલબ્ધિ વિના જીવનું કલ્યાણ ન થાય. તો દેશનાલબ્ધિ કોની? દેશના આપનાર કોઈ ગુરુ તો જોઈએ ને? પોતે પોતાને થોડી દેશના આપશે? વસ્તુસ્થિતિને સમજવી જોઈએ. એકાંતમાં જાય એટલે વસ્તુસ્થિતિ આખી વિપર્યય થઈ જાય છે. સાવ ભગવાને કીધું હોય એનાથી ઉલટું થઈ જાય છે. કૃપાળુદેવે કહ્યું,
‘બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત્. બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત, પાવે નહિ ગુરુગમ બિના, એહી અનાદિ સ્થિત પાયા કી એ બાત હૈ, નિજ છંદનકો છોડ; પિછે લાગ સપુરુષ કે, તો સબ બંધન તોડ.'
ડંકાની ટોચ ઉપર, ટંકાત્કિર્ણ વચનોથી કૃપાળુદેવે કહ્યું છે કે, દર્શનમોહ જે નાશ કરવા માટે અચૂક ઉપાયમાં કહ્યું છે કે, “બોધ.’ ‘હણે બોધ વીતરાગતા.” આ બોધ પોતાનો નહીં- પોતાનું ડહાપણ એ સ્વચ્છંદ છે. શાસ્ત્રો વાંચીને બોધ ન મળે. ગુરુગમ વિના, ગુરુના અનુગ્રહ વિના, ગુરુ પ્રત્યેની ભક્તિ વિના, ગુરુને સમર્પિત થયા વિના આ બોધની પ્રાપ્તિ ન થાય.પાછો પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ ગુરુનો વિકલ્પ ન કરવો. આપણી એજ્ઞાનદશા છે અને મોહનીય હજુ મોજુદ છે. એટલે આવા વિકલ્પ અવ્યા જ કરે. પૂર્ણ પુરુષનો બોધ મળ્યો છે અને ગુરુ સમાન માનજે. બીજા કોઈ ગુરુને શોધવા નીકળશો નહીં.
૧૩૧