________________
અપૂર્વ અવસર સ્વાધ્યાય
૮
પરમપદ પ્રાપ્તિનો નિશ્ચય - (ગાથા - ૨૦,૨૧)
પર્યુષણ પર્વની આરાધનાનો આ છેલ્લો દિવસ છે. સંવત્સરીના મહાપર્વને શ્રી તીર્થંકરોએ પણ પોતાની વાણીમાં ગાયો છે. એનો અચિંત્ય અને અપરંપાર મહિમા કહ્યો છે. કોઈ દિવસ પ્રકૃતિમાં પણ એવો આવે છે કે કાળ પણ પરમાર્થની સાધનામાં જીવને અનુકૂળ વર્તે છે. એવા આ દિવસો - અને એમાં પણ આ શ્રેષ્ઠ દિવસ એ સંવત્સરીનું મહાપર્વ. આ પર્વમાં, પરમાર્થ માર્ગના આરાધકને તો, જેને મુક્તિ સિવાય બીજું કોઈ લક્ષ નથી અને જ્ઞાની પુરુષોની અનંત અને અપાર કરુણા છે કે એમણે તો મુક્તિનો માર્ગ પ્રાપ્ત કર્યો અને જગતના જીવોને આપ્યો, એમણે મુક્તિની વિધિ સિદ્ધ કરી અને જગતના જીવોને એ વિધિ બતાવી. માર્ગને આલોકિત કરનાર, પથપ્રદર્શિત કરનાર, જગતના જીવોને માર્ગની સ્પષ્ટ પ્રરૂપણા કરનાર આવા જ્ઞાની પુરુષોનો ઉપકાર અનંતો છે. જીવનના એક એક આત્મવિકાસના જે તબક્કાઓ છે તે તબક્કાઓને પણ એક એક ક્રમશઃ કહેવાં એ પણ જ્ઞાની પુરુષની આપણા ઉપરની અદ્ભુત કૃપા છે. નહીં તો - માર્ગ જો કંડારી ન આપ્યો હોય તો આ જીવને શું ખબર પડે? સાધારણ બળ તો જગાવે. પણ જાય ક્યાં? પુરુષાર્થ તો દોડવાનો આવે, પણ કઈ દિશામાં દોડે? પગલાં ક્યાં માંડ? કે જે પ્રત્યેક કદમ એને સિદ્ધાલય પ્રત્યે લઈ જાય.
શ્રીમદ્ રાજચંદ્રજી - એવા પરમ જ્ઞાનીએ આ વાતને જગતના જીવો સમક્ષ ‘અપૂર્વ અવસર’ના પદની અંદર કંડારીત કરી આપી. મુનિશ્રી સંતબાલજી કહે છે કે ‘જેમ તાજમહેલ ઉત્કૃષ્ટ શિલ્પકૃતિનો નમુનો છે એ રીતે અધ્યાત્મની અંદર મુક્તિના માર્ગનો ઉત્કૃષ્ટ નમુનો એ ‘અપૂર્વ અવસર’નું પદ છે.’ એ માર્ગે કેટલાં કેવળીઓ ગયાં? કેટલા કેટલા જિનેશ્વરો ગયા? અનંતા તીર્થંકરો ગયા પણ આ માર્ગનું એક એક સોપાન જગતનાં જીવો સમજી શકે એ રીતે આપણી ભાષાની અંદર ‘અપૂર્વ અવસર’ના પદમાં કૃપાળુદેવે કંડારી આપ્યો. સિદ્ધાત્માની સ્થિતિ અંગે આપણે ગાથા નં. ૧૮-૧૯માં જોયું કે મુક્ત આત્માની અવસ્થા કેવી હોય? એ મુક્ત આત્માની અવસ્થામાં શુદ્ધ આત્માના ગુણો, લક્ષણો, ગતિ અને સ્થિતિ શું? તો કહે એક પણ પરમાણુનો સ્પર્શ નહીં, કર્મના કલંકથી રહિત એવો
૧૭૪
અપૂર્વ અવસર
નિષ્કલંક, અડોલ એવો નિષ્કપ, શુદ્ધ એટલે નિષ્કર્મ, નિરંજન, નિરિહ- ઇચ્છા વિનાનો, ચૈતન્યમૂર્તિ કહેતાં જ્ઞાન-ધન અને અનન્યમય કહેતાં, અજોડ, જેના જેવો બીજો કોઈ નહીં. અગુરુલઘુ - એમાં કર્મ સાપેક્ષ કહેતાં હળવો નહીં – ભારે નહીં, ઊંચો નહીં - નીચો નહીં અને સ્વભાવને સાપેક્ષ કહેતાં એનો એક પણ ગુણ કે એક પણ દ્રવ્ય બીજામાં એકાકાર પામે નહીં. પોતાના અસ્તિત્વને અખંડ, અક્ષય અને અભેદ રાખે એ અગુરુલઘુ ગુણનું સામર્થ્ય છે. અમૂર્ત કહેતાં નિરાકાર છે અને સહજપદ કહેતાં સચ્ચિદાનંદ છે. આવું જે મુક્તાત્માનું સ્વરૂપ તે ચૌદમા ગુણસ્થાનક ઉપર પણ જ્યારે અયોગી કેવળીના સ્વરૂપમાં પુરુષાર્થનું છેલ્લું સોપાન માંડે છે ત્યારે પૂર્વપ્રયોગથી મુક્ત આત્મા ઉર્ધ્વગમન સ્થિતિમાં આવે છે. અને એ ઉર્ધ્વગમન એટલું ઝડપી હોય છે કારણ કે જન્મોજન્મની સાધનાનું બળ ત્યાં કામ કરે છે. એ બળ કામ કરે છે એટલે ઉર્ધ્વગમન એ સ્વાભાવિક ગતિ છે છતાં એક સમયની અંદર જીવ લોકાંતે સિદ્ઘાલયમાં પહોંચે છે અને ત્યાં સુસ્થિત થાય છે. ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” છદ્મસ્થનું સમાધિ સુખ ઘડી
બે ઘડીનું કહ્યું. પરંતુ આવા સિદ્ધ પરમાત્માનું સમાધિ સુખ અનંત કહ્યું. પણ ‘સાદિ’ કહ્યું. કારણ કે એની શરૂઆત છે પણ એનો અંત નથી. જગતના જીવો અનંત સુખનું ધામ હોવા છતાં એને હજુ એ સુખની આદિ એટલે કે શરૂઆત થઈ નથી. સંસારમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી એને સુખાભાસ છે, સુખ નથી. પોતે સુખનું ધામ છે. સુખ સ્વરૂપ છે. છતાં એ સુખનો પોતાને અનુભવ નથી. કૃપાળુદેવે આ વાતને એટલી સરસ રીતે મૂકી છે કે એ સુખનું સ્વરૂપ છે, તેનો પ્રારંભ છે, તે અનાદિ નથી. તે સાદિ છે. પણ એ સુખ પાછું અનંત છે. એનો અંત નથી. હવે એ અંત વિનાનું સુખ છે. અવ્યાબાધ સુખ છે.
“અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો.’
હવે એને આત્માના અનંતજ્ઞાન અને અનંતદર્શનના જે ગુણ છે તેનો ઉપયોગ ચૈતન્યમાં અખંડ છે. ઉપયોગની ધારા અખંડ છે. કેવળ નિજસ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન’ અને જ્યારે જ્ઞાનની ધારા અખંડ છે ત્યારે આ આનંદ જે છે તે અવ્યાબાધ છે. અવ્યાબાધ છે એટલે હવે એની અંદર કોઈ પણ પ્રકારની બાધા ઉત્પન્ન થતી નથી. ખંડરહિતપણે છે. અસ્ખલિત, અવિચ્છિન્ન સુખની ધારા
૧૭૫