________________
અપૂર્વ અવસર કરે. જ્ઞાની પણ સબોધ શ્રવણ કરે. આ બધું હોવા છતાં શું ન જોઈએ? આપણે નકાર કરીએ છીએ પણ દ્રવ્યનો નકાર કરીએ છીએ. અહીં ભાવચારિત્રમાં કહે છે, ‘પંચવિષયમાં રાગ-દ્વેષમાં વિરહિતતા.’ આમા(વિષયમાં) અમને રાગદ્વેષ ન થાય. સંતબાલજીએ લખ્યું છે ‘સિદ્ધિના સોપાન'માં કે, ‘વિષયો પોતે દૂષિત નથી. પણ મનમાં રહેલી આસક્તિ જ વિષયોમાં દુષણ જન્માવે છે. અને ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરાવી જીવનમાં દુષણનો વધારો કરે છે.’ કૃપાળુદેવે લખ્યું છે. એક ભોગ ભોગવે છે છતાં કર્મ બાંધતો નથી, અને એક ભોગ નથી ભોગવતો છતાં અનંતાનુબંધીમાં ચાલ્યો જાય છે.” આ ખૂબ વિચારવા જેવું છે. આપણે આધ્યાત્મિક પુરુષાર્થ સમજવો છે. જીવનમાં ‘અપૂર્વ અવસર’ સમજવો છે. આવી અપૂર્વતા જીવનમાં ક્યારે આવે? પૂર્વાનુપૂર્વે, ગતાનુગતિએ, પરંપરાએ બહુ કર્યું. હવે કહે છે પંચવિષયમાંથી રાગ-દ્વેષને હટાવી લેવાના છે. રાગ-દ્વેષનું સર્વથા રહિતપણું. એનું નામ વિરહિતતા. વિષયો થાય તો પણ જીવ વિષયોમાં બંધાય નહીં. કેવી અદ્ભુત વાત છે. અરે ! જીવ એક એક વિષયમાં બંધાય તો એની સ્થિતિ શું થાય એનું એક સરસ મજાનું પદ છે.
‘વનમાં શિકારી જાય છે, ને મધુર ગીતો ગાય છે, હરિણ તે શબ્દો સુણી, લોભાઈ તંભી જાય છે; મારે શિકારી બાણ ત્યારે હરિણ રંક મરાય છે;
માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” એક કર્ણનો વિષય- શબ્દો તો આપણે પણ સાંભળીએ છીએ પણ હરણ એ શિકારીના સંગીતમાં લુબ્ધ થઈ ગયું. અને ખંભિત થઈ ગયું. એના શરીરની ગતિ રોકાઈ ગઈ. ઊભું રહી ગયું એટલે શિકારીએ બાણ મારીને એનો વધ કર્યો. હે માનવી! એક વિષયની લુબ્ધતા શું કરે છે એને તું વિચારી જજે.
‘લોભાઈ મધુકર ગંધમાં, ગ્રહવા કમળ પર બેસી રહે,
સાંજે બીડાયે કમળ તોયે, નીકળવા તે ના ચહે; હસ્તી આવી ખાય કમળ, ત્યાં ભ્રમર અરે! ભક્ષાય છે;
માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” એક ગંધનો વિષય-ભમરાને સુગંધ બહુ ગમે. બાકી ઇન્દ્રિયોના વિષયોમાં
અપૂર્વ અવસર તો વાંધો નહી, પણ ગંધના વિષયમાં ભમરો લાચાર બની જાય છે. એટલે કમળ ઉપર ગંધ લેવા બેસેલો ભમરો, સાંજ થાય છે, કમળ બીડાય છે તો પણ ગંધ છોડી નીકળી શક્તો નથી. રાત્રી પુરી થતાં સવારે હાથી આવી કમળને ઉખેડી એનું ભક્ષણ કરે છે સાથે ભમરાનું પણ ભક્ષણ થાય છે. ભમરાની તાકાત એવી છે કે ગમે તેવું લાકડું કોતરીને પણ બહાર નીકળે પણ ગંધની લોલુપતાને લીધે કમળમાંથી બહાર નીકળી શક્તો નથી. અને બીજે દિવસે હાથી દ્વારા એનું ભક્ષણ થાય છે. એક જ વિષયની એની આધીનતા એને કઈ સ્થિતિમાં મૂકી દે છે એ સમજાવે છે.
‘દરિયા કિનારે માછીઓ, કાંટે લગાડી ભક્ષ કંઈ, નાખે પછી જળમાં, બિચારું, મછછ છળથી અન્ન હોય;
ખાવાં જતાં રસથી મરે, કાંટો મુખે ખેંચાય છે,
માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” દરિયા કિનારે, નદી કિનારે, ડેમમાં, તળાવમાં, માછીમાર કાંટો લઈને જાય છે. કાંટામાં આહાર મુકે છે. આ આહારની લુબ્ધતા મત્સયેન્દ્ર જીવોની હોવાના કારણે એ માછલી આહાર લેવા ત્યાં જાય છે અને વિંધાઈ જાય છે. આહારની સાથે રહેલો કાંટો એના તાળવે ચોંટી જાય છે, અને માછીમાર એનાથી એને પકડતો જાય છે. એક સ્વાદના વિષયની લુબ્ધતાથી એ જીવ પોતાનો જાન ગુમાવે છે. હે માનવી! વિચારો! આ વિષયની લુબ્ધતા જીવને કયાં લઈ જાય છે.
દીવા તણું અતિ રૂપ જોઈ, પતંગનું મનડું ભમે!
હાથે લઈ દીવો કહો, કોને કુવે પડવું ગમે? જાણે છતાં દીવે બળી, વિષયી પતંગ મરાય છે;
માટે વિચારો માનવી! કે વિષયથી શું થાય છે?” પતંગિયાને રૂપનો, વર્ણનો મોહ ઘણો છે. દીવાનું રૂપ, પ્રકાશ, તેજનો અંબાર જોઈને પતંગિયું લોભાય જાય છે. અને લોભાય છે એટલે ત્યાં જઈને પડે છે અને બળી મરે છે. અરે! દીવો લઈને કોઈ કુવે પડે? અરે! એ એના અજ્ઞાનનો અંધકાર તો જુઓ કે ત્યાં પ્રકાશમાં જ એ મરે છે. માટે હે માનવી! વિચારો, કે આ માત્ર એક વિષયથી શું થાય છે.