________________
અપૂર્વ અવસર આવે તો એ ભારે થાય અને ભારે થાય એટલે ડૂબી જાય. ‘કલ્યાણમંદિર સ્તોત્ર'ની અંદર શ્રી સિદ્ધસેન દિવાકરજીએ કહ્યું છે કે, “હે પરમાત્મા! જગતના નિયમથી આ વાત વિપરીત કેમ? લોકો તને હૃદયમાં ધારણ કરે છે અને એનાથી તો તરી જાય છે. હકીક્તમાં તને ધારણ કરવાથી તો ભાર થાય તો લોકો ડૂબી જવા જોઈએ ને? આપણા આ મુનિવરો અદ્ભુત વાત મૂકે છે. એક એક સ્તોત્રમાં નવું નવું લઈ આવે છે. ‘તારક તમે જિનરાજ કેવી રીતે સંસારીના, તમને હૃદયમાં ધારી ઉલટા તરતા સંસારીઆ.” પછી આચાર્ય મહારાજ પોતે જ જવાબ આપે છે કે એ તો સાચું ઠરે કે જેમ મસકમાં હવા ભરે તો મસક પાણીમાં તરે. તેમ જીવ પ્રભુને હૃદયમાં ધારણ કરીને ઊંચો આવે.
‘આશ્ચર્ય છે પણ ચર્મ કેરી મસકથી સાચું ઠરે. અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે.”
પ્રભુને ધારણ કરે અને જીવ એનાથી ઊંચો આવે. આ જ્ઞાની પુરૂષોએ કેવી કલ્પનાઓ કરી છે! કેવી અદ્ભુત ઉપમાઓ આપીને આપણને બધું સમજાવ્યું છે. તો અહિંયા કહે છે, “મોહ સ્વયંભુરમણ સમુદ્ર તરી કરી’ આત્માના ઉપયોગની જાગૃતિ સાથે, આત્માની સભાનતા, એની અખંડતા અને એની એકાગ્રતા સાથે આ આત્મા એવો અંદર ઝંપલાવે છે એ આખો સમુદ્ર તરી જાય છે. ‘તરી કરી’ શબ્દ છે. તરી જાય છે અને પછી ‘સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો.’ અને આ સમુદ્રને પાર કરવાથી પોતે ત્યાં મેરુ પર્વત પર પહોંચે છે. માર્ગ મોકળો થાય છે. આ સાધક કહે છે કે જેવો મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી ગયો કે ક્યાં પહોંચ્યો? ‘સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાન જો.” બારમા ગુણસ્થાનકના અંતમાં પહોંચ્યો. આ આપણે વિચાર કરીએ તો પણ થોડો ખ્યાલ આવે કે કષાયનો, મોહનો સમુદ્ર પાર કરીને સામે કાંઠે પહોંચ્યો તો ત્યાં કેવી સ્થિતિ છે? ‘ક્ષીણમોહ ગુણસ્થાન જો.’ જ્યાં મોહનો કણિયો પણ નથી. તો હવે ત્યાં મોહ નથી શું રહ્યું? ‘અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ. હવે અંત સમયમાં પહોંચ્યો. ક્ષપક શ્રેણી પર આરૂઢ થઈને જ્યારે આ અશ્વમેઘનો ઘોડો આ કિનારેથી ઓલા કિનારે ગયો. અહીં સંસારનો કિનારો હતો. ત્યાં મોક્ષનો કિનારો છે. વચ્ચે મહામોહનો મહાસમુદ્ર છે. પણ મારામાં બેહદ શક્તિ
૧૧૮
અપૂર્વ અવસર છે. એ શક્તિને જાગૃત કરીને હું તરીશ કેમકે હું સમુદ્ર કરતાં વધારે સમર્થ છું. મોહના સમુદ્ર કરતાં પણ મારી જ્ઞાન શક્તિ વધારે છે. એટલે મોહના સમુદ્ર કરતાં આત્માનું જ્ઞાન વધારે છે. એવા વિશ્વાસ સાથે, એવી ઉપયોગની જાગૃતિ સાથે, એવા આત્માની સમર્થાઈ સાથે આરૂઢ થયેલો જીવ હવે ક્યાંય અટક્તો નથી. આઠમાં ગુણસ્થાનકમાં, પછી નવમામાં, દસમામાં અને અગિયારમાને બાજુ પર રાખીને બારમામાં પહોંચે છે. આ ક્ષપકશ્રેણીમાં અગિયારમાનો સમાવેશ થતો નથી. જુઓ જૈન દર્શનમાં ગુણસ્થાનકના આરોહણ ક્રમ-૧૪ (ચૌદ) છે. પણ અગિયારમું એવું કે એને સ્પર્શ કરવો પડે નહીં. અપૂર્વકરણ છે. ક્યારેક મોડુ થતું હોય બે પગથિયાં એક સાથે લેવા પડે. આ ખ્યાલ આવે છે? ત્યારે બધી જ તાકાત લગાવી છે. કારણ કે એક એક સમયની કિંમત છે. અહીં કાળ પુરૂષની ઘડિયાળ ચાલે છે. જેમ Time Watch મુકી દીધી હોય તો ખેલાડીને એની કેટલી કિંમત હોય? પળેપળની. તેમ આ સાધક અગિયારમાને બાજુમાં રાખીને ફડાક દઈને બારમામાં ચડી જાય છે. ‘અંત સમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવળ જ્ઞાન નિધાન જો.’
જીવ, જેવો આ કાંઠેથી નીકળ્યો, મોહસ્વયંભૂરમણ સમુદ્રને પાર કર્યો, આત્માનો પુરૂષાર્થ જેવો ક્ષપક શ્રેણી ઉપર લીધો અને ત્યાં પહોંચ્યો ત્યાં ‘ક્ષીણમોહ ગુણસ્થાન જો.’ જ્યાં મોહનીય કર્મનો અંશ માત્ર નથી. ક્ષીણમોહમોહ જ્યાં ક્ષીણ થઈ ગયો છે. પ્રક્ષીણ થઈ ગયો છે ત્યાં પહંચ્યો. તો ત્યાં તો પૂર્ણ વીતરાગતા સિવાય કાંઈ નથી. એના જેવો પૂર્ણ વીતરાગ થયો કે જ્ઞાની પુરૂષો કહે છે, મોહનીય કર્મનો સંપૂર્ણ નાશ થયેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ અંતર્મુહૂર્ત પણ ટકી શકે એવી સ્થિતિ ધરાવતા નથી. એનો સમુહ ગમે તેટલો હોય પણ ક્ષય થઈ જાય છે. આ એક મોહનીય કર્મ જાય છે કે બાકીના ત્રણે ભાગી જાય. તમાચો એક વિદ્યાર્થીને લાગેને આખો કલાસ શાંત થઈ જાય એમ.
અહીં આત્માનું સ્વરૂપ બતાવ્યું કે પોતાના પુરૂષાર્થથી એક મોહનીય કર્મ ક્ષય થઈ જાય, મોહ વ્યંભૂરમણ સમુદ્ર તરી જાય, ક્ષપક શ્રેણી પણ આરૂઢિત થાય તો બાકીના ત્રણે કર્મો ભાગી જાય છે. એટલે
૧૧૯