Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
છે. ત્યાંના નાગરિકોમાં, ધૂત-મધપાન-પરદારાસેવન-ચોરી-માંસભક્ષણમૃગયા-વેશ્યાગમન, એ જે સાત વ્યસનો કહેવાય છે તે લેશમાત્ર પણ હતાં નહીં. ત્યાં બ્રહ્મદત્ત નામનો શ્રેષ્ઠ, સાર્વભૌમ રાજા રાજ્ય કરતો હતો. એની પાસે મનવાંછિત પૂરનારા નવ દ્રવ્યભંડાર હતા. એણે અનેક મુગટબંધી રાજાઓને પણ નમાવ્યા હતા. રૂપમાં દેવાંગનાઓનો પણ પરાભવ કરનારી એના અંતઃપુરની સ્ત્રીઓ હતી એમની સાથે એ એક સ્ત્રીને જ ભોગવતો હોય નહીં એમ, નિત્ય સુખવિલાસ કરતો.
એકદા આ બ્રહ્મદત્ત ચક્રવર્તી વાયુ કરતાં પણ અધિક વેગવાળા કોઈ અશ્વ પર આરૂઢ થઈને અનેક રાજાઓની સંગાથે બહાર ફરવા નીકળ્યો. કારણકે પૃથ્વીના પતિ એવા રાજાઓને ‘અશ્વની સવારી' એ એક જાતનું કૌતુક છે. દુષ્ટ સ્વભાવવાળા અશ્વે વેગમાં દોડતાં દોડતાં બ્રહ્મદત્તને કોઈ મહાન અટવીને વિષે લાવી મૂક્યો; પાપીજનોને એમનાં પાપ કુગતિને વિષે લઈ જાય છે તેમ. પાછળ એનું સકળ સૈન્ય હતું એ એને અશ્વ ક્યાં લઈ ગયો.' એ ચિંતામાં ઘણે વખતે એની પાસે આવી પહોંચ્યું. અથવા તો (કહ્યું છે કે) એક પણ તુંબડા વિનાના અનેક રેંટ હોય એથી કાર્યસિદ્ધિ થતી નથી. પછી તો બ્રહ્મદત્ત પોતાના સર્વ મંડલિકોની સંગાથે નગર ભણી પાછો આવ્યો. અને દિવસ સંબંધી જે કાર્યો કરવાનાં હતાં તે કરીને, દિવસ પૂરો થયે, સૂર્ય જેમ સમુદ્રને વિષે પ્રવેશ કરે છે તેમ એણે પોતાના અંતઃપુરને વિષે પ્રવેશ કર્યો. ત્યાં શયનને વિષે રાણીએ એને પ્રશ્ન કર્યો-હે નાથ ! એ દુષ્ટ અશ્વ તમને લઈ ગયો ત્યાં તમે કશી પણ આશ્ચર્યકારક ઘટના જોઈ હોય તો તે કહો. કારણ કે આ પૃથ્વી સેંકડો કૌતુકોથી ભરેલી છે.
રાજા-ચક્રવર્તીએ ઉત્તર આપ્યો-હે પ્રિયે ! મેં એક નવીન કૌતુક ત્યાં જોયું છે તે તું એકચિત્તે સાંભળ.
૧. પાણી કાઢવાના રેંટ અનેક તૈયાર હોય, પણ જેમાં પાણી ભરાઈને ભહાર આવે એવું એક તુંબડું કે ઘટ આદિ ન હોય તો બધું નકામું, તેમ અનેક મંડળિક રાજાઓ હાજર છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તી વિના બધું શૂન્યકાર.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
ξ