________________
10
અનાદિકાલીન આપણો સંસાર કર્મ-સર્જિત છે, એને વિસર્જિત કરવો હોય, તો ધર્મની શરણાગતિ-આરાધના સ્વીકારવી જોઈએ. અને ધર્મની આરાધના માટે ત્રણ ચીજો આવશ્યક ગણાય. શાસ્ત્રોની આજ્ઞા, જ્ઞાનિની નિશ્રા અને વિધિપૂર્વકની ધર્મપ્રવૃત્તિ ! આની સાથંત જાણકારી આપનારા ગ્રંથોમાં શ્રાદ્ધવિધિ' શ્રેષ્ઠ ગ્રંથ છે. આના વાંચનથી એક વાત તો ફલિત થાય જ છે કે, ધર્મ મોક્ષદાતા હોવા છતાં યોગ્યધર્મ, યોગ્ય રીતે યોગ્યતા મેળવવા કે મેળવીને, યોગ્યની પાસેથી ગ્રહણ થાય, તો જ ધર્મનું પરમ/ચરમ ફળ મોક્ષ પામી શકાય. આજે અશ્રદ્ધા ને અવિધિ વધી રહ્યા છે, એ તો ચિંતાનો વિષય તો છે જ. પણ એથી ય વધુ ચિંતાનો વિષય તો એ છે કે, શ્રદ્ધા અને વિધિ તરફના પ્રેમ અને પક્ષપાતમાં પણ મોટી ઓટ આવી ગઈ છે. આ ઓટ ટળી જાય અને શ્રદ્ધાવિધિના આપણે પક્ષપાતી બની જઈએ, તોય આપણો બેડો પાર થઈ જાય. અને આવા પક્ષપાતી બનવા માટે આ ગ્રંથનું વાંચન ખૂબ જ ઉપયોગી/ઉપકારી બની રહેશે, એ નિઃશંક છે.
સંઘ અને સમાજ હોય, ત્યાં સમસ્યા અને સવાલોનું અસ્તિત્વ કંઈ બહુ આશ્ચર્યકારી ન ગણાય ! પણ એનો ઉકેલ દર્શાવનારા શાસ્ત્રો અને શાસ્ત્રાનુસારી માર્ગદર્શન આપનારા ગુરુ ભગવંતો વિદ્યમાન હોવા છતાં એ સવાલો/સમસ્યાઓ ઊભી જ રહે, એને તો આશ્ચર્યોનું આશ્ચર્ય ગણાવી શકાય આજના વાતાવરણમાં આવા આશ્ચર્યો ઓછાવત્તા પ્રમાણમાં ઘણે સ્થાને જોવા મળે છે. દેવદ્રવ્ય કોને કહેવાય? આરતી આદિના ચડાવાઓની ઉપજ કયા ખાતે જાય? ગૃહમંદિર રાખનારે શી શી કાળજી રાખવી જોઈએ? સ્વદ્રવ્યથી પૂજા કરવાની ભાવના-ભક્તિ હોવા છતાં શક્તિ ન હોય, તો પ્રભુ પૂજાનું કર્તવ્ય કઈ રીતે અદા કરવું જોઈએ? સપ્ત ક્ષેત્રની વ્યવસ્થા કેવી હોવી જોઈએ? પૂજારી કેવો હોવો જોઈએ અને એના જીવનનિર્વાહની વ્યવસ્થા કયા દ્રવ્યમાંથી કરવી જોઈએ ? આવા બધા સવાલોનું સ્પષ્ટ માર્ગદર્શન આપતા આ ગ્રંથના ત્રીજા પ્રકાશમાં વર્ણિત પર્વકૃત્ય' વિભાગનું બરાબર વાંચન કરવામાં આવે, તો આજના બહુ ચર્ચિત તિથિ પ્રશ્નનો ઉકેલ પણ હાથવેંતમાં જ જણાય. તિથિની વધઘટ આવે ત્યારે કઈ તિથિને પ્રમાણ ગણવી? આરાધના આદિમાં ઉદયતિથિનું પ્રામાણ્ય શા માટે ગણવું? આની સચોટ અને સુંદર માહિતી આપવામાં આવી છે.
આમ, શ્રાદ્ધવિધિ ખરેખર એક અનુપમ ગ્રંથ છે. શ્રાવક જીવનને શોભાવી શકવાની ક્ષમતા આ ગ્રંથમાં છે. શ્રાવકનું ધ્યેય સર્વવિરતિ-સંયમ જ હોય, પણ અશક્તિના કારણે એ સર્વવિરતિ સ્વીકારી ન શકે, તો સર્વ વિરતિના સ્વીકારની શક્તિ કેળવવાના મુદ્રાલેખપૂર્વક એ ધર્મારાધના કઈ રીતે કરે ? આટલું જ નહિ, એ પોતાનો ઘરસંસાર પણ કઈ રીતે ચલાવે? એનું માર્ગદર્શન આ ગ્રંથના ૪૦૦ પૃષ્ઠોમાં ઠેર ઠેર જોવા મળે છે. એથી આ ગ્રંથનું પ્રકાશન ખરેખર ઉપયોગી અને ઉપકારી થઈ પડશે. શ્રાદ્ધવિધિ’ના વાંચન-મનનથી જૈન સંઘમાં શ્રદ્ધાનું વાતાવરણ વધુ વેગીલું બને, આવું વાતાવરણ શ્રાદ્ધોને જન્મ આપે અને એની ધર્મક્રિયાઓ વિધિયુક્ત' બને, એવી કલ્યાણ કામના સાથે શ્રાદ્ધવિધિ ના પ્રકાશનનું સહર્ષ સ્વાગત આરાધના ભવન, પાછિયાની પોળ,
આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ રીલીફ રોડ, અમદાવાદ-૧.