________________
સોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના માર્ગદર્શન સંપાદન હેઠળ બે વાર પ્રસિદ્ધ થવા પામ્યો હતો, પરંતુ થોડા જ વર્ષોમાં એ અપ્રાપ્ત બની જતા, એનું પુનર્મુદ્રણ પ્રારંભાયું, પરંતુ આ પ્રારંભ પૂર્ણાહુતિ પામે, એ પૂર્વે જ શ્રી સોમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા સ્વર્ગવાસી બની જતા, તેઓશ્રીના પટ્ટધર પૂ. આચાર્યદેવ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના સંપાદનપૂર્વક આ ગ્રંથ પ્રસિદ્ધિ પામી રહ્યો છે. કેવો આ યોગાનુયોગ કે ગ્રંથરચયિતા શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ગુરુદેવનું નામ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી હતું અને આ ગુજરાતી અનુવાદના સંપાદકશ્રી પણ આ જ નામ ધરાવે છે !
શ્રાદ્ધવિધિ ગ્રંથ ૬ પ્રકાશનો વિસ્તાર ધરાવે છે પ્રથમ પ્રકાશમાં શ્રાવકના દિનકૃત્યો વિસ્તારથી વર્ણવાયા છે. આ વર્ણન શ્રાવકનું સ્વરૂપ, પાંચ તત્ત્વો, એનું ફળ, ચન્દ્ર-સૂર્ય નાડીમાં કરવા યોગ્ય કાર્યો, નવકાર જાપ-વિધિ, ભસ્યાભઢ્ય, ૧૪ નિયમ, અશનાદિ ૪ પ્રકારના આહાર, જિનપૂજા વિધિ, દાતણ આદિ કરવામાં રાખવા જેવી સાવચેતી, જિનમંદિરાદિના દ્રવ્યની વ્યવસ્થા, પૂજાના પ્રકારો, દેવ-ગુરુ સંબંધી આશાતનાઓ, દેવદ્રવ્ય-સાધારણ દ્રવ્ય આદિની સમજણ, ગુરુવંદનવિધિ, વેપાર આદિ ગૃહસ્થોચિત કાર્યોમાંય કરવા યોગ્ય વિવેક, શ્રાવક જીવનને શોભાવતી મર્યાદાઓ, ખાનપાન સંબંધી મહત્ત્વનું માર્ગદર્શન : આદિ અનેકવિધ વિચારણાઓથી ખૂબ જ પઠનીય/મનનીય બની જવા પામ્યું છે.
બીજા પ્રકાશમાં રાત્રિકૃત્ય અંગેની વિચારણા પ્રસ્તુત છે. જેમાં સામાયિક તથા દેવસી-રાઈ આદિ પ્રતિક્રમણોની વિધિ, ગુરુ-વેયાવચ્ચ, સ્વાધ્યાય, સ્વજનો આદિને ધર્મોપદેશ આપવાનું વિધાન, કામરાગ ને કષાયજય અંગે કરવાની વિચારણા અને ધર્મીના મનોરથો આદિ મુદ્દાઓ ખૂબ જ વિસ્તારથી વિવેચાયા છે.
ત્રીજા પ્રકાશમાં પર્વકૃત્યોની વિચારણા રજૂ થઈ છે. આમાં પર્વ દિવસો, અઠ્ઠાઈઓની વિચારણા, તિથિવિચારમાં ઉદયતિથિનું પ્રામાણ્ય, કલ્યાણક-આરાધનાનું મહત્ત્વ, પૌષધવ્રત આદિ વિષયો વિવેચાયા છે.
ચતુર્થ પ્રકાશમાં ચાતુર્માસિક કૃત્યોના વર્ણનમાં નિયમના પ્રકારો, ચાતુર્માસિક અભિગ્રહો, ચાતુર્માસિક કૃત્યો અંગે અજૈન શાસ્ત્રોની સાક્ષી વગેરેનું સુંદર વિવેચન છે.
પાંચમા પ્રકાશમાં વાર્ષિક કૃત્યો અંગે વિસ્તારથી સમજણ આપવામાં આવી છે. જેમાં સાધર્મિક વાત્સલ્ય આદિ કર્તવ્યો, આલોચના, આલોચનાના દાતા અને ગ્રાહકનું સ્વરૂપ આદિ વિષયો વિસ્તારપૂર્વક વર્ણવ્યા છે.
છઠો પ્રકાશ જન્મકૃત્યના વર્ણનથી સભર છે. આ પ્રકાશમાં ઘણી મહત્ત્વની વાતોનું વિવેચન છે. ગૃહસ્થનું નિવાસસ્થાન કેવું હોવું જોઈએ? વગેરે વિષયો એટલા ઊંડાણથી સમજાવવામાં આવ્યા છે કે, એના વાંચનથી શાસ્ત્રકારોએ સમ્યગદષ્ટિ-શ્રાવકની ધર્મારાધના ક્રમેક્રમે વૃદ્ધિગત થતી રહે, એ માટે કેટલી બધી કાળજી લીધી છે, એનો ખરો ખ્યાલ આવે. જીવન-વ્યવહારમાં ઉપયોગી અનેક બાબતો - ઉપરાંત શ્રાવકે જીવનમાં ઓછામાં ઓછા એકવાર તો અવશ્ય કરવા યોગ્ય જિનમંદિર નિર્માણ, જીર્ણોદ્ધાર, દિક્ષામહોત્સવ, પદસ્થાપના મહોત્સવ, ભાવશ્રાવકનું સ્વરૂપ આદિ વિષયોના વર્ણન સાથે શ્રાદ્ધવિધિ ગ્રંથ પૂરો થાય છે.