________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૨૯
જડચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત; કયું જાણું કર્યું બની આવશે. જગતના પદાર્થો જડ અને નાશવંત છે. તે અનેક આત્માઓએ ભોગવેલા પદાર્થો છે. જ્ઞાની પુરુષ કહે છે કે જમણવારનો એંઠવાડ ખાવા તું તૈયાર નથી પણ આખા જગતના જીવોએ જે પુદ્ગલો ભોગવ્યા છે, ભોગવીને છોડ્યા છે, તે જગતના જડ પદાર્થોનો એંઠવાડ ખાવા તું તૈયાર છો.
જ્યાં ઇચ્છા છે ત્યાં મોહ છે અને જ્યાં મોહ છે ત્યાં ઇચ્છા છે. ઘણાં લોકો કંટાળીને, નિરાશ થઈને કે ઘરમાં ઝઘડાં થયા હોય તો કહેતા હોય છે કે અમને કંઈ મોહ રહ્યો નથી. પોતાનું ધાર્યું થયું ન હોય, ઘરમાંથી એકડો નીકળી ગયો હોય અને કોઈ ગણકારતું ન હોય ત્યારે આવું થઈ જાય છે કે અમને હવે સંસારનો મોહ નથી. ધીરે રહીને પૂછીએ કે શું થયું? પછી કહેશે ‘ઘરવાળી માનતી નથી, છોકરો માનતો નથી.' જગતના જે પદાર્થો અને સંયોગો છે તે શ્રેષ્ઠ કોટિના મળેલ હોવા છતાં પણ જેને ઇચ્છા થતી નથી તે મોહથી રહિત છે. ઇચ્છા એ મોહનું ચિન્હ છે. મોહ છે કે ગયો તેવો દાવો આપણે કરતા હોઈએ કે સાધુ અને સંન્યાસી કરતાં હોય તો એટલું જોવાનું કે કોઈ જાતની ઇચ્છા છે ? ઇચ્છા હોય તો સમજી લેજો કે મોહ છે.
जहा य अंडप्पभवा बलागा, अंडं बलागप्पभवं जहा य । अमेव मोहाययणं खु तण्हा, मोहं च तण्हाययणं वयंति । (३२ / ६)
ભગવાન મહાવીરે અંતિમ દેશના જે આપી તેનો સંગ્રહ ઉત્તરાધ્યયન સૂત્રમાં થયો છે. તેમાં ૩૬ અધ્યયનો છે. તેમાં ૩૨મા અધ્યાયની આ છઠ્ઠી ગાથા છે. તેમાં ભગવાન મહાવીર એમ કહે છે, “જેમ ઇંડામાંથી મરઘી થાય છે અને મરઘીમાંથી ઇંડું આવે છે તે પ્રમાણે મોહમાંથી ઇચ્છા જન્મે છે અને ઇચ્છામાંથી મોહ જન્મે છે.'' મોહને જન્મ આપનાર ઇચ્છા જેમનામાં નથી, પરભાવની ઇચ્છા કે પુદ્ગલની ઇચ્છા જેનામાં નથી, આશંસા જેનામાં નથી, આકાંક્ષા નથી, માન, પ્રતિષ્ઠા, મોભો, લોકસંજ્ઞા, લોકેષણા, ધનની ઇચ્છા, પુત્રની ઇચ્છા, સંપત્તિની ઇચ્છા-આ બધી ઇચ્છાઓ રહિત જેઓ થયા છે અને આત્મજ્ઞાનમાં જેમની સ્થિતિ છે તે સદ્ગુરુ. બે મુદ્દા અહીં છે, પોઝીટિવ વિધેયાત્મક એ કે આત્મજ્ઞાનમાં જેની સ્થિતિ છે અને નેગેટીવ અર્થાત્ નકારાત્મક પરભાવની ઇચ્છાથી જે રહિત છે તે. બંને મળીને એક લક્ષણ જેને કહેવાય છે તે આત્મજ્ઞાન, આત્મબોધ.
આત્મજ્ઞાન-આત્મબોધ જ્યારે થાય ત્યારે અંદરમાં એક અવસ્થા આવે છે તેને કહેવાય છે શમ. આ શમ શબ્દ બહુ મહત્ત્વનો છે. એનામાં કોઈ વિષમતા હવે રહી નથી. જગતમાં અનંત જીવો છે અને અનંત જીવો અનંત અવસ્થામાં હોવા છતાં પણ તેને એમ લાગે છે કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org