________________
४०८
પ્રવચન ક્રમાંક - ૩૬, ગાથા ક્રમાંક - ૪૧, ૪૨ છે. એ સાધનામાં સાધક શું કરે? એ બોધ પ્રાપ્ત થયા પછી એ શાંત બની, સ્થિર બની, એકાંતમાં બેસીને, સૂક્ષ્મપણે, ઊંડાણમાં જઈને ગંભીરતાથી પોતાના આત્માનો કલાકો સુધી વિચાર કરે. આ સાધના ચાલુ થઈ. ધારો કે તમે એક કલાક પ્રવચનમાં ગયા, તો બે કલાક બોલવાનું બંધ કરવું જોઈએ. આ માત્ર સાંભળવાની ચીજ નથી, આ કથા વાર્તા નથી, વિચાર કરી અંદર ઘૂંટવાનું છે. અંદર પરિણમનની વ્યવસ્થા કરવાની છે. પહેલાં શાંત થઈ, બીજું સ્થિર થઈ, ત્રીજું કોઈ પણ જાતના હેતુ વગર, ચોથું આત્માર્થે વિચાર કરે, સૂક્ષ્મપણે વિચાર કરે. આ ચારે પરિબળોને સાથે રાખીને જે વિચાર થાય તેને કહેવાય છે સુવિચાર. “તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય” અને ૪૧મી ગાથામાં જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન.” આની લીંક છે. આ અવસ્થા અંદર ઘટી, પ્રાપ્ત થઈ. આવી સુવિચારણા જ્યારે વારંવાર થતી જાય ત્યારે અવરોધો દૂર થતાં જાય છે.
જેમ કરવતથી વારંવાર લાકડું કાપવામાં આવે છે, કૂવાનાં પત્થર ઉપર દોરીનો વારંવાર ઘસારો પડે છે, તેમ એકાંતમાં બેસીને વારંવાર, વારંવાર અને વારંવાર આ સબોધનો વિચાર કરે છે. જેમ કૂવો ખોદવા ડ્રીલીંગનું કામ કરવું પડે છે તેમ વિચાર ડ્રીલીંગનું કામ કરે છે. જેમ જેમ ડ્રીલીંગ થાય, તેમ વચમાં આવતાં અવરોધો દૂર થતાં જાય છે, તેવી જ રીતે વારંવાર વિચાર કરવાથી, પોતાના દોષો દૂર કરતાં જવાથી, આત્મા ઉપરના અવરોધો દૂર થતાં જાય છે, એટલે તેને ઝાંખી થાય છે કે “આ આત્મા છે. આ ઝાંખી શબ્દ વાપર્યો, સંપૂર્ણ દર્શન નહીં પણ ઝાંખી, એ અણસાર મળ્યો. જેમ ઘરમાં તમે દાખલ થાવ અને સુગંધ આવે એટલે ખબર પડી જાય કે શીરો બની રહ્યો છે. સુગંધથી ખબર પડી, અણસાર મળ્યો, તેવી જ રીતે અહીં પણ સંદેશ મળે કે આવું એક અતીન્દ્રિય તત્ત્વ છે, જેને શાસ્ત્રોએ આત્મા કહી વર્ણવ્યો છે.
આ ઘટના અંદર ઘટે છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે ખરેખરું સુખ અંદર છે. એ સુખની અનુભૂતિ થાય એટલે બહારના સુખની આસક્તિ ટળી જાય. એ જે આસકિત આપોઆપ ટળી, તે સાહજિક ટળી, ઓલું કહેવું પડે કે “અલ્યા ! સંસારમાં સુખ નથી, સંસાર ક્ષણિક છે, ક્ષણ ભંગુર છે, પરાધીન છે, પરતંત્ર છે, કંઈ રહેવાનું નથી, એને છોડવું જ પડશે.” તમે આ વાત કબૂલ કરશો, છતાં આસક્તિ નહીં જાય, રસ નહીં તૂટે, તીવ્રતા નહીં જાય. જેવી આત્માની ઝાંખી થશે, આત્માના સુખની ઝાંખી થશે કે તરત રસ છૂટી જશે. આ રસ છૂટી જાય, તે વખતે જે અવસ્થા હોય તેને કહે છે વૈરાગ્ય. મોટું ચડે તેને વૈરાગ્ય ન માનશો. આ તો અંદરનો રસ છૂટી જવાથી સુખ મળ્યું, હાથમાં હીરો આવ્યો. હવે પરખ થઈ ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org