________________
૨૪
આજે કાર્તિકી પૂનમ હોવાથી સખત ગીરદી હતી. અમારો વારો આવ્યો ત્યારે આનંદનો કોઈ પાર ન હતો. જય તળેટીએ વાસક્ષેપ પૂજા કરી શ્રીફળ મૂકયું અને ગિરિરાજને ચોખાથી વધાવ્યો. પછી જયતળેટીએ મસ્તક નમાવ્યું ત્યારે અમારા આનંદની સીમાએ માઝા મૂકી દીધી હતી. આંખોમાં ભાવોલ્લાસના અશ્રુ ઉમટી આવ્યાં.
જયતળેટીએ અમને મૂક આશીર્વાદ આપ્યા. જાણે બે હાથ ફેલાવી અમને ભેટવા તલસાટ મચાવ્યો, અમે તે આશીર્વાદ અંતરના ઊંડાણમાં ઝીલી લીધા. અમે જયતળેટીએ ચૈત્યવંદન કર્યું.
ગિરિરાજના પગથીયાંને નતમસ્તકે સ્પર્શ કર્યો. “જય આદીનાથ' “જય ગિરિરાજ બોલી, બાબુના દેરાસરે દર્શન કરવા પગ ઊપાડ્યા. બાબુના દેરાસરે આદીનાથ દાદાના દર્શન કરી પુંડરીકસ્વામીના દર્શન કરી અમે ભમતીમાં કાઉસ્સગ્ગ મુદ્રામાં બિરાજમાન ભીડભંજન પાર્શ્વનાથના દર્શન કર્યા અને અમારી નવ્વાણું યાત્રા સફળતાપૂર્વક થાય તેવા આશીર્વાદ માંગ્યા. અમે ભમતીમાંથી બહાર આવ્યા. બાબુના દેરાસરની સામે સમવસરણના ચૌમુખજીના દર્શન કરી અમારી જાતને ધન્ય કરવા બદલ દાદાનો આભાર માની ઉપર તરફ ડગ ભર્યા.
ધીરે ધીરે પવિત્ર ગિરિરાજના પગથીયાં ચઢવા લાગ્યા. ડોળીવાળા ભાઇઓ અમારી સાથે હતા. એક પછી એક વિસામો આવતો હતો. ચઢાણ ધીરે ધીરે આકરું લાગવા માંડયું. શ્વાસ પણ થોડો વધુ થવા લાગ્યો. પરસેવાથી રેબઝેબ થતાં થતાં યાત્રાનો આનંદ માણતા માણતા ચઢાણ ચાલુ રાખ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org