________________
१३
સાધના કરનાર અજોડ સાધક, પરમ પૂજય ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ શિષ્યરત્ન અને લઘુબંધુ, મારા દાદાગુરુદેવ, પરમ પૂજ્ય સમતાસાગર પંન્યાસપ્રવરશ્રી પદ્યવિજયજી મહારાજાના નામ પરથી આ ટીકાનું નામ “પદ્મયા વૃત્તિ' રાખ્યું છે. પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર, ગીતાર્થગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા અને પરમપૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ, ગુરુદેવશ્રી આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ આ ગ્રન્થરત્નને પ્રકાશિત કરવાની અનુમતિ આપી તે બદલ તે પૂજ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કૃતજ્ઞભાવે તેમને
આ સંપૂર્ણ ટીકાનું સંશોધન સંશોધનની દુનિયામાં પ્રખ્યાત અમારા સમુદાયના એક વિદ્વદર્ય મહત્માએ કરેલ છે. પણ સંશોધક તરીકે પોતાનું નામ લખવાની તેમની ઈચ્છા ન હોવાથી અહીં તેમનું નામ લખ્યું નથી. તેમનો આભાર માનવા સાથે તેમને ધન્યવાદ આપું છું. આ ટીકા રચતાં રચતાં અને પ્રફો જોતાં જોતાં મને તો ખૂબ જ લાભ થયો છે. વાચકોને પણ સટીક આ ગ્રન્થના પારાયણ દ્વારા ખૂબ લાભ થશે એમાં બેમત નથી. સટીક આ ગ્રન્થ એકવાર વાંચીને પૂરો કરવા માટે નથી. પણ વારંવાર આ ગ્રન્થનું પઠન, ચિંતન, મનન કરીને એના પદાર્થો જીવનમાં ઉતારવાના છે. આ ગ્રન્થનો જો બરાબર અભ્યાસ કરવામાં આવે અને એને જીવનમાં ઉતારવામાં આવે તો જીવનપરિવર્તન થયા વિના ન રહે, બહારની દુનિયામાંથી નિવૃત્તિ લઈ અંદરની દુનિયામાં વિહરવાનું મન થાય, દોષો દૂર થાય અને ગુણો પ્રગટે, અંદરમાં રહેલા પરમાત્મા પ્રગટ થાય, તાત્ત્વિક ધર્મની આરાધના થાય, સમતા અને સત્ત્વ આત્મસાત્ થાય અને આત્માની વિશુદ્ધિ થાય. શક્તિશાળી આત્માઓએ તો આ મૂળગ્રંથ કંઠસ્થ કરી તેને આત્મસાત્ કરવા જેવો છે. સટીક આ ગ્રન્થનું વાંચન કર્યા પછી અનેકને એના વાંચન માટે પ્રેરણા કરવી.
ખરેખર, આ એક અવ્વલ કોટીનો ગ્રંથ છે. અધ્યાત્મ જગતના શિખરો સર કરવા માટે આ ગ્રન્થ પગથિયાનું કામ કરી આપણને ઊંચે ચઢાવશે. આ ગ્રન્થને ખૂબ ચાવીચાવીને વાંચવો, એટલે કે ખૂબ ચિંતન-મનનપૂર્વક વાંચવો.
સંસ્કૃત ભાષાને નહીં જાણનારા જીવો પણ આ મહાન ગ્રન્થના અભ્યાસથી વંચિત ન રહી જાય અને આ ગ્રન્થ આબાલ-ગોપાલ સર્વત્ર પ્રસિદ્ધ બને અને લોકભોગ્ય બને એ ઉદ્દેશ્યથી આ સટીક ગ્રંથનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ પણ મેં લખ્યો છે. ભાવાનુવાદમાં ટીકાની જ વાતો સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરી છે. તેથી બાળજીવો પણ આ ગ્રન્થના મર્મને સમજવા ભાગ્યશાળી બનશે.