________________
સંશોધકની કલમે....
નિયમ દર્પણમાં આપણું પ્રતિબિંબ કેવું ?
એક ઠેકાણે સુંદર ચિત્રોનું પ્રદર્શન ભરાયું હતું. પોતાને કુશળ વિવેચક માનતા એક ભાઈ એ પ્રદર્શન જોવા ગયા. આશય હતો – તે – તે ચિત્રમાંથી ભૂલ કાઢવાનો. પણ એક એક ચિત્ર એવા અદ્ભુત હતા કે પોતાનો આશય સફળ ન થયો. પણ છેવટનું ચિત્ર જોતાં જ બરાડી ઊઠ્યો - આ ચિત્ર કેટલું કદ્દમ છે ? ચહેરો કેટલો ભદ્દો છે ? ત્યાં જ ત્યાંના સુપરવાઈઝરે કહ્યું - મિત્ર ! આ ચિત્ર નથી, અરીસો છે.
જેમની ધગધગતી શાસનદાઝ પ્રાયઃ દરેક જૈનને સુપેરે પરિચિત છે, અને જેમના માટે શાસન એટલે માત્ર સ્થાવર તીર્થો નહીં, માત્ર શ્રાવકો નહીં, માત્ર પોતાનું ગૃપ નહીં, પણ પ્રભુ વીરને પોતાના ભગવાન માનતા દરેકમાં શાસન છે, અને તેથી જ જેમના હૈયે શાસનના આ દરેક અંગની ઉજ્જવળતા, ઉત્કૃષ્ટતા, રક્ષા સજ્જડ વસી ગઈ છે એવા પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી ગણિવર મહારાજે (કે જેમના માટે પૂજ્ય ‘પંન્યાસજી મહારાજ' કે આજના યુવાનના મુખેથી નીકળતો ‘ગુરુદેવ’ આટલો શબ્દ જ ઓળખાણ માટે પર્યાપ્ત છે.) વર્તમાનકાલીન સાધુ-સાધ્વી ભગવંતો વર્તમાનકાળની અપેક્ષાએ શક્ય એટલું ઉત્તમ ચારિત્રજીવન-જીવી આત્મકલ્યાણ કરે, સંઘની ઉન્નતિ કરે અને અન્યોમાં પણ શાસનપ્રભાવના કરે એ હેતુથી શાસ્ત્રપાઠોના આધારે કેટલાક નિયમો તૈયા૨ કર્યાછે અને એ દરેક નિયમની મહત્તા સૂચવતું સુંદર વિવેચન કર્યુંછે. નિયમોની આવશ્યકતા-ઉપાદેયતા પણ બતાવી છે. આ નિયમોના સંકલનનું મેટર મારે જોવામાં આવ્યું, ત્યારે મને ઉપરોક્ત ટુચકો યાદ આવી ગયો. પેલા પોતાને વિવેચક તરીકે માનતા ભાઈના સ્થાને મારી જાત દેખાઈ. બીજા સાધુ-સાધ્વીઓ રૂપી સુંદર ચિત્રોમાંથી કઈ ભૂલ હું કાઢી શકું ? છેવટે મને એક ઠેકાણે બંધી ભૂલો દેખાઈ. પણ રે ! એ તો અરીસો હતો. એમાં તો મારો જ ચહેરો દેખાતો હતો. આ નિયમો વાંચ્યા પછી મને ખબર પડી કે મારી જાત કેટલી બધી નિઃસત્ત્વ છે કે આમાં ઘણા સાવ સરળ દેખાતા નિયમોની પણ મૂડી મારી પાસે નથી.
ખરેખર આ નિયમો એટલા કંઈ અઘરા નથી. એવા પણ મહાન સાધુ-સાધ્વી ભગવંતો વર્તમાનમાં પણ હશે જ કે જે માત્ર આ નિયમો નહીં, આથી પણ વધુ વિશિષ્ટ નિયમોવાળું જીવન જીવતા હશે.
આ પુસ્તક નૂતનથી માંડી ચિરદીક્ષિત સુધી બધાએ વાંચવા, વિચારવા-અપનાવવા યોગ્ય છે. એક કામ થઈ શકે. દરેક ગૃપવાળા પોતાના ગૃપમાં આ નિયમાવલી વાંચી, કેટલાક નિયમો તો આખું ગૃપ જ કોમનરૂપે લઈ લે. તેથી કેટલાક આચારમાં એકવાક્યતા રહે, તો શાસનશોભા ય વધે, પરસ્પર પાલનમાં અનુકૂળતા ય રહે, ને ચૂકે ત્યાં સાવધાની પણ અપાય. હા, જે કેટલાક વ્યક્તિગત નિયમ છે, તે વ્યક્તિગત લેવાવા જોઈએ.
એક આશ્વાસનની વાત એ છે કે સાધુ-સાધ્વીના સુંદર ચારિત્રની ખેવના કરનારા મહાપુરુષો આજે પણ છે કે જેમના કારણે આ પડતા કાળમાં ય કાંઈક સુંદર આલંબન રહે છે.
વિશેષ, શ્રી સંઘના આપણા પરના ઉપકારોનું વર્ણન (૫૨મોપકારી શ્રીસંઘ ઉપર અપકાર શી રીતે કરાય ?’ એ વિષયનું વર્ણન) તો આપણે દરેક સાધુ-સાધ્વીએ વારંવાર વાંચવા જેવું છે. આ વાંચ્યા પછી આપણો શ્રીસંઘ પ્રત્યેનો અભિગમ ચોક્કસ બદલાઈ જશે એવું મને લાગે છે.
અંતે મને આવા સુંદર સ્વાધ્યાયનો, આત્મનિરીક્ષણનો, નિયમોના દર્પણમાં જાતને જોવાનો મોકો આપવા બદલ પૂજ્યશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ નિયમો શ્રમણવર્ગમાં પ્રચલિત થાય ને એની મારાથી થાય એવી પ્રભુને પ્રાર્થના !
શરૂઆત
- અજિતશેખર વિજય
ચૈ.વ. પાંચમ સં. ૨૦૬૧
♦❖❖❖❖❖❖❖000