________________
પાઠોના નંબરો આપ્યા છે. એ નંબર પ્રમાણે પાછળ શાસ્ત્રપાઠ જોવાથી એ પદાર્થ ક્યાંનો છે ? વગેરે સમજાઈ જશે.
ફરી યાદ કરાવું છું કે આ પુસ્તક વાંચ્યા બાદ નિયમો લેવાનું અને બતાવેલ સરનામે એ નિયમો લખીને મોકલવાનું ન ભુલશો.
“પુસ્તકમાં લખેલા આ બધા અભિગ્રહો હું પાળું છું.’ એવું કોઈ ન માનશો. “મારા બધા શિષ્યો આ બધા અભિગ્રહો પાળતા હશે.” એવું પણ કોઈ ન માનશો. આ પુસ્તક શાસ્ત્રના પદાર્થોની સ્પષ્ટ નિરૂપણા સ્વરૂપ છે. અને હું શાસ્ત્રાજ્ઞા ન પાળતો હોઉં તો પણ મારે સાચી શાસ્ત્રાજ્ઞા બતાવવી જોઈએ. એ જ મારું કર્તવ્ય છે. હું નથી પાળતો માટે એ વાત છૂપાવી દઉં તો હું મોટો દોષનો ભાગીદાર બનું છું. એટલે પુસ્તકના લેખક ઉપર ધ્યાન આપવાના બદલે પુસ્તકના પદાર્થોની શાસ્ત્રાનુસારિતા તરફ જ લક્ષ્ય આપવું.
આ પુસ્તકમાં શાસ્ત્રીય પદાર્થોની દૃષ્ટિએ કોઈ ક્ષતિ ન રહી જાય એ માટે વિદ્વાન પંન્યાસ અજીતશેખર વિજયજીને સંપૂર્ણ લખાણ જોઈ લેવા જણાવ્યું અને એમણે ખૂબ જ ઉત્સાહથી માત્ર ત્રણ-ચાર દિવસમાં જ સંપૂર્ણ લખાણ સૂક્ષ્મદૃષ્ટિથી જોઈ આપ્યું. એમનો આ નિમિત્તે આભાર માનું છું.
ખાસ સૂચન ઃ અલબત્ત વર્તમાનકાળની કેટલીક બાબતો એવી પણ છે કે જેનો નિર્દેશ શાસ્ત્રોમાં ન મળે. એવા કેટલાંક મુદ્દાઓ ઉપર બધા ગીતાર્થ-સંવિગ્ન મહાપુરુષોનો અભિપ્રાય એકસરખો જ હોય એવું શક્ય નથી. એટલે એવા મુદ્દાઓ ઉપર બીજા મહાત્માઓના આ પુસ્તકમાં જણાવ્યા કરતા બીજા અભિપ્રાય પણ હોઈ શકે છે. અને કદાચ એમની દૃષ્ટિથી એ સાચા પણ હોઈ શકે છે. છેવટે હું પણ છદ્મસ્થ છું. મારા ક્ષયોપશમ અને અનુભવ પ્રમાણે તે તે મુદ્દાઓ ઉપર મેં મારા અભિપ્રાયો દર્શાવ્યા છે. મને મારી દૃષ્ટિથી મારા અભિપ્રાયો યોગ્ય લાગ્યા છે. જો બીજા મહાત્માઓના એનાથી વિપરીત અભિપ્રાયો હોય તો તેઓ પોતાની દૃષ્ટિ દર્શાવવાપૂર્વક એ અભિપ્રાયો પણ મને જણાવે જેથી એ તરફ પણ દૃષ્ટિપાત થઈ શકે. અને આમ થાય તો જ છેવટે સાચા, હિતકારી નિર્ણયો લેવાય. “આ પુસ્તકમાં જે નિર્ણયો કર્યા છે, એ કદિ ન બદલવા’' એવો મારો લેશ પણ આગ્રહ નથી. “આત્માને અને શાસનને હિત થાય એવા જ નિર્ણયો લેવા’ એ મારો આગ્રહ ખરો. બીજાના વિચારો, અપેક્ષાઓ જાણ્યા બાદ ચોક્કસ આ પુસ્તકના નિર્ણયોમાં ફેરફાર પણ કરવો પડે.
હા ! જે પદાર્થો શાસ્ત્રોમાં સિધ્ધાન્ત તરીકે સ્થાપિત થઈ ચૂક્યા છે એ તો સૌ કોઈ મહાત્માઓ એક મતે સ્વીકા૨શે જ.
એટલે જે કંઈ સૂચનો ક૨વા હોય, અભિપ્રાયો અનુકૂળ કે પ્રતિકૂળ દર્શાવવા હોય તે ઉપરના સરનામે લખી મોકલવાની સૌ પ્રત્યે અપેક્ષા છે.
અંતે પરમપાવન, ત્રિલોકપૂજ્ય જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ ક્ષમાપના માંગીને વિરમું છું.
ફાગણ વદ ૧૫
વડોદરા.
-
- પં. ચન્દ્રશેખરવિજય