________________
સંવચ્છરી પ્રતિક્રમણ વિધિ - ૧૧
આટલી પૌરાણિક ઘટના કહીને મૂલ વાત ઉપર આવું. હવે બધે સ્થળે સાધુ મહારાજ પ્રતિક્રમણ કરાવે એ શક્ય નથી હોતું એટલે મને એમ થયું કે હું પ્રતિક્રમણમાં જે કહું છું તે વાત થોડી વિસ્તારીને તેને સંવચ્છરી વિધિના પુસ્તક રૂપે જો છપાવવામાં આવે તો શહેરો માટે ખરેખર આશીર્વાદરૂપ થઈ પડે. આ વિચારમાંથી આ પુસ્તકનું સર્જન થયું અને તેનું પ્રકાશન થયું. આ પુસ્તક જનતાને કેવું ગમ્યું તે વિગતો પ્રકાશકીય નિવેદનમાં જણાવી છે, એટલે હું તે અંગે વિશેષ નિર્દેશ ન કરતાં એટલું જ જણાવું કે આ પુસ્તકને અગત્યના ઉપયોગી પુસ્તક તરીકે બિરદાવી મને ખૂબ હાર્દિક ધન્યવાદ પાઠવ્યા. મુનિ યશોવિજય ક્ષમા શબ્દનો જાદુ અદ્ભુત છે અને ક્ષમાધર્મની શક્તિ અગાધ છે
તમામ ક્ષેત્રે વૈર-વિરોધ જન્મે નહિ, જન્મ્યા હોય તો તેનું શીઘ્ર નિવારણ થાય અને વૈર-વિરોધ, કલહ-કંકાસની વૃદ્ધિ ન થાય તે માટે સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીરે પોતાની જ્ઞાનદૃષ્ટિથી જે સદ્ગુણો જીવનમાં અપનાવવા જેવા કહ્યા તે ધર્મોમાં ક્ષમાને પ્રધાનસ્થાન આપ્યું છે. ગમે તેવો ભયંકર ગુનેગાર હોય, ખૂની હોય પણ તમો તેને પ્રેમથી જરૂર પૂરતી શિક્ષા આપીને એના ગુનાની તમે ક્ષમા આપો. તમારા ઘરની અંદર પણ એકબીજા સાથે અણબનાવ, અબોલા, રોષ, અપ્રીતિ, ગુસ્સો, તિરસ્કાર વૃત્તિ, અણગમાની લાગણી વગેરે થવા પામ્યું હોય અને એના કારણે તમારા જીવનમાં અશાંતિની આગ પેટાઈ હોય ત્યારે જો સૌ એકબીજાની હાથ જોડી ક્ષમા-માફી માગે તો જોતજોતામાં વાતાવરણ પ્રેમ અને લાગણીની સુવાસથી મહેંકી ઉઠશે માટે પર્યુષણપર્વના દિવસોમાં તમે સૌ હૃદયના સાચા ભાવથી વૈરની ગાંઠ ઉકેલી નાંખી, વેરઝેરના તાણાવાણાને તોડી નાંખી, અહંકાર અભિમાનને દફનાવી દો અને વિનમ્રભાવે ક્ષમા માગો તેમજ પર્યુષણપર્વના સાચા આરાધક બનો. આપણા પરમપિતા તીર્થંકરોનો આ આદેશ છે.