________________
ગાથા-૯૧
૪૧૭ આવ્યા છે એવું નથી. પોતાની પર્યાયથી ત્યાં આવ્યા છે. પોતાની પર્યાયથી ત્યાં રહ્યા છે. અને
જ્યાં સૂર્ય ઊગે કે ત્યાં ચાલ્યા જાય છે, તો એ પોતાની પર્યાયથી ( ત્યાં) ચાલ્યા જાય છે. સૂર્ય ઊગ્યો માટે એને ચાલવું (ઊડવું) પડયું એવું છે નહીં. આરે આરે આવું છે. કઈ જાતની આ વાત!? વીતરાગના ઘરની વાત છે પ્રભુ! દરેક દ્રવ્ય-દરેક પદાર્થ પોત-પોતાની વર્તમાન અવસ્થા કરવામાં સ્વતંત્ર છે. એને બીજો, એની પર્યાય કરે એવું ત્રણકાળમાં બનતું નથી. (શ્રોતા – શેઠનું કામ, નોકર તો કામ કરે ને !) કંઈ ધૂળેય કરે નહીં, કોણ કરે? નોકરનું!
આ આત્મા એની ઈચ્છાને કરે ને ઈચ્છાને કરે છતાં, એ હાથ કે પગની ક્રિયા કરી શકે નહીં. (શ્રોતા – એટલે તો નોકર રાખે!) કોણ નોકર રાખે છે, કોઈ નોકર કોણ કોના નોકર ? એનો આત્મા ભિન્ન, આનો આત્મા શરીર ભિન્ન શેઠિયાનો આત્મા ભિન્ન-શરીર ભિન્ન, એનું (નોકરનું) શરીર–આત્મા ભિન્ન! બહું કામ વીતરાગનું તત્ત્વ ! પ્રત્યેક પદાર્થ પોતાનાથી સ્વતંત્ર છે! કોઇને આધિન કોઇ નથી. કોઈ કોણ રાખે છે, ધૂળેય રાખતો નથી. કોઈ કોઈને આધિન છે જ નહીં. (શ્રોતા-પૈસાને તો એ રાખે છે!) એ ધૂળેય અજ્ઞાની રાગને કરે કે હું પૈસાને અહીંયા રાખું પણ પૈસા રહે ત્યાં એ પોતાની પર્યાયથી પર્યાયની યોગ્યતાથી ત્યાં રહે છે. (શ્રોતા:શેઠિયા માને કે હું રાખું છું ) બીજા બધા કોણ? શેઠિયાને ભારેય કયાં છે? એ...ય શાંતિભાઈ ? આ બધા શેઠિયાને ! શું ઉઠાડે છે તમને બધાને, કહો મધુભાઈ? (શ્રોતા- પૈસા આવ્યા માટે રાગ કર્યો) રાગ પોતે કર્યો, પોતાના અજ્ઞાનભાવે, પૈસા પૈસાને કારણે આવ્યા ને ગયા, સ્વતંત્ર દ્રવ્ય છે ને! સમજાણું કાંઈ? ( શ્રોતા- પૈસા કમાવાની મહેનત કરેને?) કોણ કરે છે? પણ પૈસા રાગ કરાવે છે? પૈસા આવ્યા ને ગયા એ જડને કારણે અને રાગ (ઇચ્છા) કરે એનો દેવાનો ભાવ કર્યો, માટે પૈસા ત્યાં જાય છે, એવી ચીજ છે જ નહીં, આહાહાહા ! વિપરિત માન્યતા છે હું પૈસા પરને દઉં છું અને હું પૈસા લઉં છું એ વિપરીત (માન્યતા) છે. એ જડની પર્યાયનો કર્તા થાય છે, જડની પર્યાય જડથી થાય છે ને કર્તા પોતે (અજ્ઞાની) થાય છે, મિથ્યાભાવે ! આહાહાહા ! (શ્રોતા – કોઇની પાસેથી પૈસા ઉછીના લઈ આવીએ અને આવે ત્યારે પાછા આપી દઇ) પણ લઈ આવે કયાંથી, એ પૈસા આવવાના છે તો આવે છે. એણે રાગ કર્યો માટે આ પૈસા આવ્યા એવું છે નહીં. (શ્રોતા- આવી વાત ઝટ ગળે ઊતરે એવી નથી!) ગળે ન ઊતરે તો ઊતારવી પડશે, બાબુભાઈ ? બાપુ માર્ગ તો આ છે નાથ!
પરમાત્મા ભગવાને (તીર્થકરદેવે) અનંત દ્રવ્યો જોયા છે તીર્થંકર પરમેશ્વર સર્વશદેવ એને અનંત દ્રવ્યો અનંત પરમાણુંઓ, અનંત આત્માઓ (છ દ્રવ્યો) જોયાં, તો અનંત આત્મા અનંતપણે અને અનંતપરમાણું અનંતપણે કયારે રહે? કે પોત-પોતાની પર્યાયના કર્તા છે તો એ રીતે ( અનંતપણે) રહે. પણ પરની પર્યાયના કર્તા હોય તો પર તો પર્યાય વિનાનું (થયું) પરચીજ તો ન રહી, પરની પર્યાય આ પર (બીજું દ્રવ્ય) કરે તો પર પર્યાય વિના નાશ થઈ જાય, ન્યાયથી કરી, પણ કઠણ વાત છે. અત્યારે તો (આ વાત ) ચાલતી નથી. અત્યારે તો દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો-મરી જાવ, મરી જાવ, એય ચીમનભાઈ? કરો ને મરો- અહીં કર્તબુદ્ધિ છે એ મરવાની બુદ્ધિ છે એ રાગની ક્રિયા હું કરું, એ “કરના એ મરના” છે, ખબર નહીં બાપુ શું થાય !