________________
૩૦
પ્રતિક્રમણસૂત્ર વિવેચન-૨
(૧) શૂર :- જેમ સિંહ એકલો પણ મોટામોટા હાથીઓથી જરા પણ ગભરાયા વિના તેઓની સામે શૌર્ય દાખવે છે. સિંહની ગર્જના માત્ર પણ હાથીઓને થથરાવી દે છે. તે રીતે ભગવંત પણ કર્મરૂપી શત્રુઓ સામે શૂર હોય છે.
(૨) ક્રૂર :- સિંહ જે રીતે હાથીઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર હોય છે, તે પ્રમાણે પ્રભુ કર્મ શત્રુઓનો ઉચ્છેદ કરવામાં ભારે ક્રૂર હોય છે. કર્મોનો ખાત્મો કરવામાં કઠોર મનવાળા અને બાહ્ય અત્યંતર તપમાં મગ્ન રહેનારા હોય છે.
(૩) અસહિષ્ણુ :- જેમ સિંહ ગમે તેવા દુશમનને પણ સહી શકતો નથી, પોતાની ગુફામાં કે નજરમાં તેઓનું અવસ્થાન ચલાવી લેતો નથી. તેમ અરિહંતો ક્રોધ, માન, માયા, લોભને સહી શકતા નથી. કષાયોનું લેશમાત્ર અસ્તિત્વ સહી શકતા નથી.
(૪) વીર્યવાનું :- અરિહંતો રાગાદિ પ્રત્યે અથાગ વીર્ય પ્રગટાવવામાં સિંહ જેવા છે. જેમ સિંહ મોટા હાથીઓની સામે જરાપણ પાછીપાની કર્યા વિના પરાક્રમથી લડીને તેમનો નાશ કરી દે છે. તેમ પ્રભુ રાગદ્વેષાદિને ભગીરથ વીર્યથી આક્રમી તેનો ધ્વંસ કરી દે છે.
(૫) વીર :- જેમ સિંહ વનવાસ, વન પર્યટન આદિ એકલો અને વીરતાથી કરે છે, તેમ અરિહંત પણ વિહાર, તપક્રિયા, પ્રતિમા ધ્યાન આદિ, કોઈની પણ સહાય વિના અને વીરતાથી કરે છે.
(૬) અવજ્ઞાવાળા - જેમ સિંહ શિકારી માનવો કે જંતુગણને શુદ્ર ગણીને અવજ્ઞા દૃષ્ટિથી જોતો બેપરવાહ ચાલે છે, તેમ અરિહંતો પણ સુધા, તૃષા, ટાઢ, તડકો, ડાંસ, અપમાન આદિ પરીષહોને શુદ્ર ગણીને અવગણે છે.
(૭) નિર્ભય :- જેમ સિંહ એકલો હોય તો પણ મદોન્મત્ત હાથીઓના મોટા ટોળાથી પણ ભય પામતો નથી, મરણ પર્યન્ત તેમનો સામનો કર્યે જાય છે. એવી રીતે અરિહંત પરમાત્મા દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધી ગમે તેવા ભયંકર ઉપસર્ગોમાં લેશ માત્ર ભયભીત થતા નથી, ગમે તેવા કષ્ટમાં નિર્ભયપણે તેની સામે સમભાવથી અણનમ ઉભા રહે છે.
(૮) નિશ્ચિત્ત :- જેમ સિંહ પોતાના આહારાદિ કે અન્ય વિષયોમાં નિશ્ચિત હોય છે. તેમની પ્રાપ્તિ કે ટકવા વિશે કોઈ ચિંતા કરતા નથી, તેમ અરિહંતો પણ રુચિકર કે અરુચિકર આહાર, સ્થાન આદિ વિશે નિશ્ચિત્ત હોય છે.
(૯) અખિન્ન :- જેમ સિંહ પોતાના માર્ગ અને કાર્યમાં ખેદ-કંટાળો લાવતો નથી, ભાગ્યે જ એ ઉદ્વિગ્ન હોય છે, તેમ અરિહંત પરમાત્મા પણ સંયમ માર્ગની સાધનાને જ પોતાનું કાર્ય બનાવેલ હોય, તેમાં કદી ખેદ, કંટાળો, ઉદ્વેગ ન પામે.
(૧૦) નિષ્કપ :- જેમ સિંહ પોતાના ઇષ્ટ કાર્યમાં ચંચળ નહીં પણ સ્થિર હોય છે, તેમ અરિહંત પરમાત્મા પણ ધ્યાનમાં અત્યંત સ્થિર રહે છે. તેમાં લેશમાત્ર ચંચળતા કે સહેજ પણ સ્કૂલના પામતા નથી. માટે તે સિંહ સમાન છે.
૦ પુરિવરકુંડલા :- પુરુષોમાં શ્રેષ્ઠ પુંડરીક સમાન છે તેઓને.