________________
ઉવસગ્ગહરં સ્તોત્ર-વિશેષ કથન
૮૩
વરાહમિહિરે રાજપુત્રનું આયુષ્ય કુંડલી બનાવીને ૧૦૦ વર્ષનું જાહેર કર્યું હતું. રાજાએ જ્યારે ભદ્રબાહુ સ્વામીજીને પૂછાવ્યું કે રાજમાં પુત્રનો જન્મ થયો
ત્યારે તમે કેમ ન આવ્યા ? ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ ઉત્તર મોકલ્યો કે નકામું બે વખત શા માટે જવું? આ પુત્ર તો આજથી સાતમે દિવસે બિલાડીના મુખેથી મરણ પામવાનો છે. વરાહમિહિરના રાજપુત્રના ૧૦૦ વર્ષ જીવવાના ફળકથનથી હર્ષિત થયેલો રાજા આ સાંભળીને શંકિત થયો. તેણે નગરની બધી જ બિલાડીને દૂર મોકલાવી દીધી. પુત્રની રક્ષા માટે ચોકી પહેરો ગોઠવી દીધો.
સાતમા દિવસે એવું બન્યું કે, ધાવમાતા બારણામાં બેઠા બેઠા તે પુત્રને સ્તનપાન કરાવતા હતા, તેવામાં અકસ્માત્ જ બારણાની ઉપરનો ઉલાળીયો પડ્યો. તે બાળકના મસ્તક ઉપર પડતાં જ બાળક મરણ પામ્યો. વરાહમિહિર તો આ બનાવથી ઘણો જ વિલખો પડી ગયો. તે વખતે ભદ્રબાહુ સ્વામી રાજાને મળવા અને આશ્વાસન આપવા ગયા. સંસારનું સ્વરૂપ સમજાવી રાજાને સાંત્વના આપી. રાજાએ તેમના જ્યોતિષ જ્ઞાનની પ્રશંસા કરી કેમકે પૂર્વે પણ આ રીતે બીજા બનાવો વખતે વરાહમિહિર ખોટો પડેલ હતો અને ભદ્રબાહુ સ્વામીજી સાચા ઠર્યા હતા. પછી રાજાએ પૂછયું કે, બાળકનું મરણ થશે, તે વાત તો સાચી પણ બિલાડીથી મરણ થશે તે વાત સાચી કેમ ન પડી ? ત્યારે આચાર્ય ભગવંતે બારણાનો લાકડાનો ઉલાળીયે મંગાવ્યો. તેના છેડા પર બિલાડીનું મુખ હતું.
આ પ્રસંગે પછી વરાહ મિહિરની ઘણી જ અપભ્રાજના અને નિંદા થવા લાગી. લોકોનો તિરસ્કાર જોઈ, તે જંગલમાં ચાલ્યો ગયો. તેને મનમાં ઘણો જ દ્વેષ વધી ગયો. તે મૃત્યુ પામ્યો. પણ બાળતપના કારણે તે મરીને વ્યંતર દેવ થયો. ત્યારપછી તેણે જૈન સંઘમાં, નગરમાં મહામારીનો રોગ ફેલાવ્યો. માણસો ટપોટપ મરવા લાગ્યા. ત્યારે ભદ્રબાહુસ્વામીજીએ “ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી. સંઘને મુખ-પાઠ કરવા કહ્યું. આ ઉપસર્ગહર સ્તોત્રનો પાઠ કરવાથી મહામારીનો ઉપદ્રવ દૂર થયો ત્યારથી આ ઉપસર્ગહર એવું ૩વસાફર સ્તોત્ર પ્રચલિત થયું.
(૨) આ સ્તોત્રનું મહત્ત્વ પ્રતિપાદિત કરતી કથા :(પ્રિયંકર રાજાની મૂળકથા તો મોટી છે, અહીં તેનો સંક્ષેપ રજૂ કર્યો છે.)
મગધ દેશમાં અશોકપુર નામે નગર હતું. ત્યાં અશોકચંદ્ર રાજા હતો. તેને અશોકમાલા નામે પટ્ટરાણી હતી. તેમને અરિચૂર, રણજૂર, દાનશૂર નામના ત્રણ પુત્રો હતા. અરિશ્રના વિવાહ મહોત્સવ નિમિત્તે રાજાએ સૂત્રધાર, ચિત્રકાર, સુવર્ણકારોને બોલાવ્યા. પાટલિપુત્રથી આવેલા સુવર્ણકારોને એવું દેવતાઈ વરદાન હતું કે, તેમના ઘડેલા આભુષણો જે પહેરે તે જો રાજ્યને યોગ્ય હોય તો તેને રાજ્ય મળે, જો રાજ્ય યોગ્ય ન હોય તો તેનું માહાસ્ય વધે. જો પહેરનાર રાજા હોય તો તે રાજાઓનો મહારાજા બને. રાજાએ તેમની વાતથી ખુશ થઈને તેમને અપૂર્વ હાર બનાવવા આજ્ઞા કરી.