________________
કર્મની વિચિત્રતાના કારણે ધર્મનો પ્રતિબોધ નહીં પામેલાં મા-બાપ પુત્ર વિગેરેને સંયમની સંમતિ આપતાં નથી હોતા. આવી સ્થિતિમાં મૂકાયેલાં દીક્ષાર્થીએ સંયમની ઇચ્છા ત્યજી ન દેવી પરંતુ મા-બાપ વિગેરે સ્વજનોને એવો પ્રતિબોધ આપવો કે તમે અમને સંયમ માટે કેમ ના કહો છો ? અમારા પ્રત્યે તમને મોહ છે, અમે સંયમ લેશું તો તમને અમારો વિયોગ થશે, એ વિયોગ તમને અમારો લાગે છે, માટે જ ને ?
તો એક કામ કરો : તમે પણ પ્રતિબોધ પામો અને સંયમ લેવા માટે કટિબદ્ધ બનો. આપણે સાથે-સાથે સંયમ લઈશું. સંયમ લેવાથી તમારો અને અમારો આલોક તેમજ પરલોક; બંને સફળ બનશે. વર્તમાન જિંદગી પ્રશસ્તકારી ગણાશે.
વળી, સાથે સંયમ લેશું અને સાથે પાળીશું તો પુનર્જન્મમાં પણ આપણે ફરીવાર એકઠા થઈશું, ભેગા મળીને ફરી સંયમ લઈશું કેમકે સામુદાયિક રૂપે કરેલાં શુભ કે અશુભ કાર્યોના ફળ સામુદાયિક રૂપે જ ભોગવવાના આવે છે.
આમ થવાથી, અમારો વિયોગ જે તમને આ ભવના ઉત્તરકાળમાં અકારો લાગે છે તે આ જન્મમાં તો નહીં જ થાય, આવતાં ભવમાં પણ નહીં થાય. આમ, દીર્ઘકાળ સુધી પરસ્પર અવિયોગ સર્જાશે.
આ રીતે જો નહીં કરીએ તો વર્તમાન જન્મમાં થયેલો આપણો સંયોગ ઘેઘૂર વૃક્ષ પર એક રાત પૂરતાં ભેગા વસેલાં જુદાં-જુદાં પંખીઓ જેવો જ બની જશે. વિશેષ કશું નહીં.
93
तृतीयं प्रव्रज्याग्रहणविधिसूत्रम् ।