________________
આરોગ્યનો તેને અહેસાસ થાય છે તેથી વૈદ્ય દ્વારા હવે તેની શિરાઓનો વેધ કરવો, શરીર પર ક્ષારના વિલેપન કરવા, વ્રણમાં ક્ષાર ભરવો વિગેરે જે ક્રિયા કરવામાં આવે છે તે તત્કાળ તો કાળી વેદના કરાવનાર છે છતાં તેના વડે જ રોગની શાંતિ થશે તેવા જ્ઞાન વાળો આ દર્દી તેને સહન કરે છે, આકુળ-વ્યાકુળ થતો નથી.
શિરાવેધ - ક્ષારપાત વિગેરે ક્રિયાથી કંટાળતો નથી અને વૈદ્ય પ્રત્યે પણ બહુમાનને ધારણ કરે છે, “મને મહાઅપાયથી ઉગારનાર આ વૈદ્ય છે' એવું માને છે...
આ દષ્ટાંત થયું. હવે તેનો ઉપનય ઘટાવે છે.
બસ ! એ જ રીતે આપણો આત્મા પણ કર્મરૂપી અસાધ્ય મહારોગથી ઘેરાયેલો છે, સતત જન્મ-મરણની વેદનાને અનુભવે છે અને જન્મ પરંપરાની એકાંત દુઃખરૂપતાને પણ હવે જાણી લીધી છે કેમકે સુગુરુ રૂપ વૈદ્યનો ઉપદેશ અને તેમના ઉપદેશ અનુસારના અનુષ્ઠાનની તેને પ્રાપ્તિ થઈ છે.
એથી તે હવે કર્મરૂપ રોગ અને તેથી પેદા થયેલી જન્મપરંપરાથી કંટાળ્યો છે, તે બંનેથી નિવૃત્તિ મેળવવા માટે તેણે પંચસૂત્રના ત્રીજા સૂત્રમાં ઉપદેશાવેલી વિધિ અનુસાર કર્મરોગની ચિકિત્સા સમાન પ્રવ્રજ્યા રૂપી સુક્રિયા અંગીકાર કરી છે, સુગુરુરૂપ વૈદ્યના વચનને અનુસરીને તે સંયમમાં પણ પ્રમાદને આધીન નથી બનતો, ૪૨ દોષ રહિત ભિક્ષા ગ્રહણ કરે છે. આ પ્રમાણે સંયમરૂપ સુક્રિયાના કારણે હવે આત્માનો કર્મવ્યાધિ પાછો હટવા લાગ્યો. રોગની મંદતા થઈ એટલે તેના કારણે ઉત્પન્ન થતાં સંયોગ અને વિયોગના સંવેદનો પણ મંદ પડવા લાગ્યાં.
143
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।