________________
સાધુને જેટલાં પણ ભવ કરવા પડશે તે દેખતી વ્યક્તિની ભોગક્રિયા જેવા બની જશે.
તેને મોક્ષ સુધીના તમામ ભવોમાં ભોગ સામગ્રી પણ પરિપૂર્ણ મળશે, તેની ભોગક્રિયા અંધ જેવી એટલા માટે નહીં રહે કે તેને આ ભોગક્રિયા દરમિયાન પણ ચિત્તમાં વિષયજનિત ક્લેશ નહીં રહે.
અંધને ભોગસુખો ભોગવતા મનનો ત્રાસ ઘણો રહે છે કેમકે તે ભોગસાધનને દેખી શકતો નથી, જ્યારે દેખતી વ્યક્તિને તેવો મનનો ત્રાસ હોતો નથી કારણ કે તે ભોગસાધનને જુએ છે.
બસ, તે જ રીતે અશુભ કર્મોના અનુબંધથી પીડાનારને ભોગ સામગ્રીઓથી વિષયજનિત ક્લેશ થાય છે તેથી તે અંધવત છે જયારે આવા ઉત્તમ સંયમીને ભવાંતરમાં જે ભોગો મળે તેથી પણ લઘુકર્મીપણાના કારણે વિષયજન્ય ક્લેશ થતો નથી તેથી તે દેખતો છે. એટલું જ નહીં, આવા ઉત્તમ યોગીની ભોગક્રિયા હવે અન્યને પીડન કરનારી બનતી નથી કારણ કે તેને પ્રાપ્ત થયેલ વિષય ભોગો પણ શુભ અનુબંધથી યુક્ત છે તેથી વિષય લંપટતા વિગેરે પેદા કરાવી પુષ્કળ હિંસા કરાવનાર તે બનતાં નથી.
ખરેખર, આવા જીવોની ભોગક્રિયા જ સંપૂર્ણ છે અને તેથી અન્ય એટલે કે ભારેકર્મી જીવોની ભોગક્રિયા અપરિપૂર્ણ છે કેમકે ભારેકર્મી જીવોની ભોગક્રિયામાં સંક્લેશ રૂપ તત્ત્વ રહેલું હોય છે. જે આ લોક અને પરલોક, બંનેમાં ભોગક્રિયાના પૂર્ણ સ્વરૂપનું જ ખંડન કરી દે છે, જ્યારે ઉત્તમ યોગી જીવોએ સંક્લેશ રૂપ તત્ત્વનું જ ખંડન કરી દીધું હોવાથી તેમને આલોક-પરલોકમાં પરિપૂર્ણ ભોગની સંપ્રાપ્તિ થાય છે.
155
चतुर्थं प्रव्रज्यापरिपालनासूत्रम् ।