________________
સંપાદકીય આ કાળનું અભુત આશ્ચર્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમના પ્રાગટ્ય એક અકલ્પનીય આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ. આ કળિકાળમાં ધાર્મિક શાસ્ત્રોના સ્થળ અર્થ જ જ્યાં યથાર્થપણે સમજવા અઘરા હોય ત્યાં તેમાં સમાયેલા ગૂઢાર્થ ને તત્ત્વાર્થ તો કેવી રીતે સમજી શકાય ? અને એ જો ના સમજાય તો પછી ખરા અર્થમાં અધ્યાત્મને પામી પણ કેવી રીતે શકાય ?
પણ કુદરતની બલિહારી તો જુઓ ! કળિકાળમાં એવા પ્રખર જ્ઞાની પુરુષનો આવિષ્કાર થયો કે જેમના થકી સામાન્ય માણસ પણ સહેલાઈથી અધ્યાત્મને સમજી તો શકે જ છે, એટલું જ નહીં યથાર્થપણે સ્વાનુભૂત પણ કરી શકે છે. માત્ર એક કલાકના ભેદજ્ઞાન પ્રયોગે સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપવી એ શું કાંઈ જેવીતેવી સિદ્ધિ કહેવાય ? એવા સિદ્ધિવાન વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું નિરાળું હશે, ને એ સિદ્ધિ પ્રાપ્ત થવા પાછળ શું ભાવના કે પુરુષાર્થ હશે, એ જાણવાની ઉત્કંઠા આપણને થયા વગર રહે તો નહીં ને ?
| શિખર પર પહોંચવા તળેટીથી એ માર્ગ ઉપર પ્રયાણ કરી સહુ કોઈ પહોંચી શકે ત્યાં કુતૂહલતા ના ઉપજે એ સ્વાભાવિક છે પણ શિખરે પહોંચવા જ્યાં માર્ગ જ દૃષ્ટિગોચર ના થતો હોય ત્યાં, જ્યારે કોઈ શિખરે પહોંચી ચોગરદમનું વર્ણન કરે ત્યારે અહોભાવ સાથે આશ્ચર્ય થયા વગર રહે નહીં કે એ વ્યક્તિ ત્યાં કેવી રીતે, કઈ સમજે, કેવા પુરુષાર્થથી પહોંચી શકી હશે ! અને એ તો એ અનુભવી વ્યક્તિ પોતે જ એનું હૂબહૂ વર્ણન કરી શકે કે જે બુદ્ધિગમ્ય કે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક હોય !
જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ૧૯૫૮માં એકાએક આત્મજ્ઞાન તો થયું પણ એ પહેલાં જન્મથી તે ત્યાં સુધીની એમની જર્ની (યાત્રા) કેવી રીતે થઈ ? શું મુસીબત આવી ? કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી વિગેરે રહસ્યો જાણવાની આપણને પણ જિજ્ઞાસા ઊભી થાય એ સ્વાભાવિક છે. એ જ હેતુસર પરમ પૂજ્ય દાદાશ્રીને મહાત્માઓએ એમના જીવન વિશે અનેક પ્રશ્નો પૂછયા છે અને દાદાશ્રીએ તે સર્વેના જવાબ તેમના દર્શનમાં જોઈ યથાર્થપણે આપ્યા છે.
12