________________
ઉચ્ચ ભોજન દ્રવ્યો લગભગ પીરસાતા નથી. હલકો અને નબળો માણસ લગભગ રાજસિંહાસન પર સ્થાન પામતો નથી. તેમ ઉત્તમ જીવોનું અવતરણ પણ ઉચ્ચ કુળોમાં થાય છે.
ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ એટલે સર્વોચ્ચ કક્ષાની રાજપાટ ! તીર્થકરો એટલે સર્વોચ્ચ કક્ષાની ધર્મપાટ ! વિશિષ્ટ પુણ્ય અને અપ્રતિમ સાધનાનું સામર્થ્ય લઇને અવતરતા જીવો તેને સમુચિત સ્થળે જ સ્થાન ગ્રહણ કરે છે. આના પરથી એક વાતનો અંદાજ માંડી શકાય
- જે કુળમાં આસ્તિકતા અને આર્યત્વના આદર્શો રહેલા હોય. - જે કુળમાં સગુણો, મૂલ્યો અને સંસ્કારિતાનો આદર કરાતો હોય.
તેવા કુળમાં આવનાર બાળકની કક્ષા પણ સાવ કંગાળ તો ન જ હોઇ શકે. - એક કરોડનો ફલેટ, પચ્ચીસ લાખનું ઇન્ટિરિયર અને પંદર લાખની ગાડી ખરીદનારા સજ્જનની આર્થિક સ્થિતિ સાધારણ ન જ હોય તે સમજી શકાય છે. મેડિકલ કોલેજમાં મેરિટ્સ પર એડમિશન મેળવી લેનાર વિદ્યાર્થીનું બૌદ્ધિક સ્તર નીચું ન જ હોઇ શકે. તેમ ઉત્તમકુળમાં જન્મ ધારણ કરનાર વ્યક્તિ કોઈ અતિપુણ્યવાન આત્મા જ હોય તે સહજ છે.
પુષ્કળ પુણ્યરાશિનો ચેક વટાવીને તે આવા કુળમાં આવ્યો હોય છે. એટલી પુણ્યની મૂડી વટાવતા પૂર્વે તેણે તે કમાઇ હશે અને તે માટે તેણે અગાઉના ભવોમાં સત્કાર્યોની શ્રેણી અને સદ્ગણોની શૃંખલા ઊભી કરી હશે. તેની આ કાર્યવાહીમાં ક્યાંક સમયનો પૂરવઠો ખૂટી પડતા તે ત્યાં અધૂરો રહ્યો. અહીં આવ્યો છે, તે અધૂરું કાર્ય પૂર્ણ કરવા, તે ન ભૂલવું જોઇએ.
ટેસ્ટ-મેચના બીજે દિવસે સવારે કોઇ બેટ્સમેન ૧૮૪ના વ્યક્તિગત સ્કોરથી પોતાની ઇનિંગ્સ આગળ ધપાવે ત્યારે તેના આગલા દિવસની સતત અને સખત રમત, જે દિવસ પૂરો થઈ જવાના કારણે અધૂરી રહેલી, તેને પૂરો નિખાર મળે તેવી ઇચ્છા અને આશા કોને ન હોય ? તેમ ઉત્તમકુળમાં આવનાર સંતાન એક રીતે પૂર્વનો કોઇ સાધક હોય છે.
ઘરશાળા