________________
૮૨
કુટુંબસંસ્કૃતિનું નજરાણું: બાળસંસ્કરણ
મરીન ડ્રાઇવની દરિયાઇ પાળ પાસે એક ગાડી આવીને ઊભી રહી. એક સાથે બે બાજુના દરવાજા ખૂલ્યા અને બે ટાબરિયા નીચે ઊતર્યા. પછી કો'ક મુદ્દા પર ચડસાચડસી કરવા લાગ્યા. જોનારાને બીજું તો કાંઇ સમજાય તેવું ન હોતું, માત્ર એટલું સંભળાતું હતું : ‘ના, હું !...' ‘ના, હું !'
વાત એમ હતી કે દાદાજીને દર્શનાર્થે લઇ ગયા બાદ વળતાં થોડીવાર દરિયાકિનારાની ફુટપાથે બાકડા પર બેસાડવાના હતા. ગાડીમાંથી દાદાજીને ઉતારવા માટે બન્ને ભાઇઓ મીઠો ઝઘડો કરી રહ્યા હતા. છેવટે બન્નેના પપ્પાએ ન્યાય તોળ્યો : ‘એક કામ કરો. રવિને અત્યારે ચાન્સ આપો. પાછા ગાડીમાં બેસાડતી વખતે રાજનો વારો ! ખુશખુશાલ થઇ ગયેલા રવિએ બે હાથે દાદાજીને ગાડીમાંથી નીચે ઉતાર્યા. પછી હળવેથી દાદાજીને હાથમાં લાકડી પકડાવી અને રાજ તરફ આંખો નચાવતો તે દાદાજીને બાકડા સુધી દોરી ગયો અને બરાબર બેસાડી દીધા.
ઘરશાળા