________________
ગીતાનું અર્થપૂર્ણ વિધાન અહીં ટાંકવાનું મન થાય એવું છે : "शुचीनाम् श्रीमताम् गेहे योगभ्रष्टोऽभिजायते."
પોતાના ઉદરમાં ગર્ભ રૂપે બાળક અવતરતાની સાથે, માતૃત્વની મહાન પદવીના પ્રાંગણમાં ઊભેલી ધન્ય નારીને એ વાતની તો ખાત્રી જ હોય છે,
મારા ઉદરમાં અવતરેલો આ આત્મા કોઇ સામાન્ય જીવ નથી, અસાધારણ છે.. . તે ભોગભ્રષ્ટ ન હોઇ શકે, યોગભ્રષ્ટ છે..
તે તુચ્છકક્ષાનો નહિ પણ જાણે કોઇ ભૂલો પડેલો અવધૂત છે. તે ઉકરડામાં ફેંકી દેવા જેવું અશુચિમય જીવન જીવવા અહીં નથી આવ્યો. તે અસ્તિત્વના જંગમાં હોમી દેવા જેવું માત્ર પેટીયું રળવા અહીં નથી આવ્યો. તે તો ઉમદા અને આદર્શ વ્યક્તિત્વનું નિર્માણ કરીને અંજલિ જેવું ભવ્ય જીવન જીવવા આવ્યો છે.
આ બાળક તો... હેમચંદ્રાચાર્ય કે હરિભદ્રાચાર્યનું... કુમારપાળ, શ્રીપાળ કે વસ્તુપાળનું.. જગડુશા કે ભામાશાનું વિક્રમ કે વિવેકાનંદનું સુલસા કે રેવતીનું... રૉ મટીરિયલ છે ! આ માત્ર કોઇ કાયપિંડ નથી. ઉચ્ચસ્તરનો સંસ્કારપિંડ છે. આ માત્ર કોઇ ભવમાં ભમતો રખડું રોમિયો નથી... અનંતની યાત્રાએ નીકળેલો એક પવિત્ર યાત્રિક છે. આ માત્ર ગતાનુગતિક ચાલી જનારું કોઇ ગાડર નથી... અનેક માટે આલંબનરૂપ બનનાર કોઇ પથદર્શક છે.
ઘરશાળા