________________
શોધ-ખોળની પગદંડી પર કુશ ૧૬ અતિથિ ૧૭ તે પછીના વિશ રાજા ૧૮ (પદ્ય ૧-૩૪) સુદર્શન ૧૮ (પદ્ય ૩૫-૫૩) અગ્નિવર્ણ ૧૯.
આ પ્રમાણે પહેલા સત્તર સર્ગ માત્ર સાત રાજાઓનો વૃતાંત નિરૂપે છે, તો અઢારમા સર્ગનો આગલો ભાગ વીશનો વૃતાંત, પાછલો ભાગ એકનો અને છેવટનો સર્ગ એકનો. “રઘુવંશ'ના જે રાજાઓ વિશ્રુત હતા અને તેથી જેમના ચરિત્રને લગતી વધતી-ઓછી વિગતો કાલિદાસને પૌરાણિક પરંપરામાંથી અને અનુકૃતિઓમાંથી ઉપલબ્ધ હતી, તથા જેમની ચરિત્રસામગ્રીમાં કાવ્યત્વની દૃષ્ટિએ ક્ષમતા લાગી, તેમનું ચરિત્રાંકન કાલિદાસે સવિસ્તર કર્યું. પણ તે સિવાયના રાજાઓના નામનિર્દેશ કરવા ઉપરાંત વિશેષ શું થઈ શકે ? કોઈ પણ શું કરી શકે ?
(૪) નામોની સૂચિવાળા એ અઢારમા સર્ગના પૂર્વભાગને આપણી અર્વાચીન અભિરુચિએ કાવ્યત્વ વગરનો ગણ્યો છે. આ માટે એક જ વિદ્વાનનો અભિપ્રાય ટાંકવો બસ થશેઃ “આ સર્ગમાં અતિથિ પછીના એકવીશ રાજાઓની નામાવલિ ઉપરાંત બીજું કશું જ નથી. તેમાં ભાગ્યે જ કશી હૃઘતા કે કવિતા પ્રતીત થાય છે, એ રાજવીઓની માત્ર સ્મરણિકા છે.” આ મૂલ્યાંકન દેખીતાં જ “રઘુવંશના અન્ય સર્ગોમાં પ્રતીત થતા કવિત્વના સંદર્ભે કરેલું છે. આપણે એની ચકાસણી કરીએ.
નામાવલિને જ્યારે એક મહાકાવ્યમાં સામેલ કરવાની હોય ત્યારે જે કવિજીવ હોય તેને પુરાણોની જેમ યંત્રવત્ નામોની લુખ્ખી યાદી આપવાનું કેમ રૂચે? કાવ્યના ભાગ રૂપે જે આવે તેમાં દર્શનનો અને વર્ણનનો થોડોક પણ પુટ તો જોઈએ જ ને? એટલે કાલિદાસે રાજાઓની નામાવલિને રુચિર બનાવવા બે પરંપરાગત વર્ણનયુક્તિનો આશરો લીધો છે.
(૫) એક યુક્તિ તે નામની વ્યુત્પત્તિ આપીને તે અન્વર્થ હોવાનું દર્શાવવું, તે “ગૌણ” એટલે કે ગુણદર્શક હોવાનું બતાવવું. એ વ્યક્તિ “યથા નામ તથા ગુણા” હોવાનું કહેવું. અને એમ કરતાં ઘણે સ્થળે શ્લેષ અલંકાર પણ કાલિદાસે સાંકળી લીધો છે. નીચે રાજાના નામ સાથે તેની અન્વર્થતા દર્શાવતા શબ્દો આપ્યા છે (નામની બાજુમાં પડ્યાંક આપ્યો છે) :
નિષધ (૧) : નિષધગિરિ સમો બળિયો નિષિદ્ધ-શત્રુ. નલ (૫) : અનલ સમો તેજસ્વી, નલિન સમા વદનવાળો.