Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ આ સાંભળી આચાર્યશ્રીએ કહ્યું, ‘મને તો ખુદાની બંદગી અને ભગવાનની સ્તુતિમાં કોઈ ભેદ દેખાતો નથી.’
અને પછી શ્રાવકોને બીજા ધર્મને આદર આપવાની વાત સમજાવી. એને પરિણામે શ્રાવકોએ મુસલમાનોને આવવા-જવાના રસ્તા માટે હર્ષભેર જમીન આપી.
આચાર્યશ્રીનો રાષ્ટ્રપ્રેમ પણ ઉદાહરણીય હતો. એમણે જીવનભર ખાદી પહેરી હતી. રેશમી વસ્ત્રોનો અવિરત વિરોધ કર્યો. આચાર્ય પદવી બાબતે પણ નવસ્મરણના પાઠ સાથેની પંડિત હીરાલાલ શર્માએ જાતે કાંતીને તૈયાર કરેલી ખાદીની ચાદર ઓઢી હતી. રાષ્ટ્રના અગ્રણીઓ આચાર્યશ્રીના દર્શને આવતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ.સા.એ શ્રી મોતીલાલ નહેરુની તમાકુની ટેવ છોડાવી હતી. અંબાલા શહેરની જાહેર સભામાં આનો એકરાર કરતાં શ્રી મોતીલાલ નહેરુએ કહ્યું,
‘હું મારી અક્કલ ગુમાવી બેઠો હતો, તે આ જૈન મુનિએ ઠેકાણે આણી.’
આવી જ રીતે ૫. મદનમોહન માલવિયા પણ એમનાં પ્રવચનો સાંભળવા આવતા અને પોતાના કાર્યમાં આશીર્વાદ માગતા હતા.
પદવી કે પ્રસિદ્ધિથી આચાર્યશ્રી હંમેશાં અળગા જ રહ્યા. ફાલનાની કૉન્ફરન્સ વખતે શ્રીસંઘે એમને વિનંતી કરી કે શ્રીસંઘ તેઓને ‘સુરિસમ્રાટ'ની પદવીથી વિભૂષિત કરવા માગે છે. આ સમયે આચાર્યશ્રીએ કહ્યું,
‘મારે પદવીની જરૂર નથી. મારે તો શ્રીસંઘની સેવા કરવી છે. મારા પર સૂરિનો ભાર છે તે પણ હું મૂકી દેવા માગું છું.’
એમના હૃદયની વ્યાપકતા એમનાં જીવન અને વાણી બંનેમાં પ્રગટ થાય છે. એમના આ શબ્દોની મહત્તા પિછાનવા માટે કેટલું વિશાળ હૃદય જોઈએ ! તેઓ કહે છે,
| ‘ન જૈન છું, ન બૌદ્ધ, ન વૈષ્ણવ, ન શૈવ, ન હિંદુ કે ન મુસલમાન. હું તો વીતરાગ પરમાત્માને શોધવાના માર્ગે વિચરવાવાળો એક માનવી છું. એક યાત્રાળુ છું.'
વિજયવંત તુજ નામ ! વિચારની કેવી ભવ્યતા અને પોતાની કેટલી લધુતા ! મહાવીરની વીરતા એ સિંહની વીરતા છે. અહિંસા દાખવવાનું સિંહને હોય, સસલાને નહીં. એવી અહિંસક વીરતાનું જવલંત ઉદાહરણ છે કાંતદ્રષ્ટા આચાર્યશ્રીના જીવનમાં બનેલી પાકિસ્તાનમાં આવેલા ગુજરાનવાલાની ઘટના. ૧૯૪૫થી ૧૯૪૭ સુધીનો હિંદુસ્તાનનો એ સમય અંધાધૂંધી અને ઊથલપાથલોથી ભરેલો હતો. આવે સમયે આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા. પંજાબ(પાકિસ્તાન)માં ગયા અને અઢી-ત્રણ વર્ષ સુધી શાસન કાર્યો કરતાં કરતાં એક વીર સાધુની પેઠે રહ્યા.
આ સમયે આચાર્યશ્રીની ઉંમર ૭૫ વર્ષની હતી. એમણે ગુજરાનવાલામાં ચોમાસું કર્યું. ભારત-પાકિસ્તાનના ભાગલાના એ સમયમાં એમના ઉપાશ્રયમાં ચાર બૉબ મુકાયા હતા. આચાર્યશ્રીને દેશભરમાંથી વિનંતી કરવામાં આવી કે આપ તત્કાળ ભારતમાં પાછા આવો. આચાર્યશ્રી એ બાબતમાં મક્કમ હતા કે શ્રીસંઘની એકેએક વ્યક્તિ સલામત રીતે વિદાય થાય એ પછી જ હું અહીંથી જવાનો છું. ગુજરાનવાલાથી અમૃતસરની આચાર્યશ્રીની એ વીરતાની કથા યાત્રા સમાન છે.
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ પોતાના જીવનમાં ત્રણ આદર્શ રાખ્યા હતા. આત્મસંન્યાસ, જ્ઞાનપ્રસાર અને શ્રાવક-શ્રાવિકાનો ઉત્કર્ષ. એમણે ૬૮ વર્ષની સંયમસાધનામાં આ ત્રણેય આદર્શોની સિદ્ધિ માટે સતત પ્રયાસ કર્યો. સમાજને વર્તમાનમાં જીવવાની, રાષ્ટ્રીય પ્રવાહોને ઓળખવાની, જ્ઞાનપ્રચારની, અહિંસક વીરતાની, આત્મસાધનાની, સર્વધર્મ સમભાવની અને ગતાનુગતિકતાને બદલે સમયજ્ઞતાની - પોતાની વાણી અને જીવનથી ઝાંખી કરાવીને એમણે આવતીકાલનો માર્ગ કંડારી આપ્યો.
વિજયવંત તુજ નામ, અમોને અખૂટ પ્રેરણા આપો ! તારી પ્રેમ-સુવાસ સદાયે ઘટઘટ માંહે વ્યાપો !