Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
વીખરાઈ ગયા, પરંતુ બાળક છગન બેસી રહ્યો. એના અંતરમાં એટલો બધો કોલાહલ જાગ્યો હતો કે એની વાણી મૌન બની ગઈ.
પૂજ્ય આત્મારામજી મહારાજે ધાર્યું કે બાળક કોઈ આર્થિક મૂંઝવણથી અકળાયેલો હશે. એમણે છગનને સાંત્વના આપતાં કહ્યું કે, તું સ્વસ્થ થા. તારા અંતરનું દુઃખ કહે. તને ધનનો ખપ લાગે છે. અમે તો ધન રાખતા નથી, પરંતુ કોઈ શ્રાવક આવે તો મદદ કરવાની પ્રેરણા જરૂર આપીશ. પરંતુ બાળક છગનને કોઈ ભૌતિક ધનની નહીં, બલકે આત્મિક ધનની ખેવના હતી. પૂ. આત્મારામજી મહારાજનાં પ્રવચનોએ એમનાં અંતરની આરત જગાડી હતી. પછી તો દીક્ષા ધારણ કરીને દાદાગુરુના ચરણમાં વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ અને ચરિત્રગ્રંથોનો અભ્યાસ કર્યો, વળી સાથોસાથ અહર્નિશ એકનિષ્ઠાથી ગુરુસેવા કરી.
આમ જીવનના આરંભકાળમાં જ માતાની શિખામણ અને ગુરુના માર્ગદર્શનથી આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીએ તપશ્ચર્યાથી આત્મપથ પર પ્રયાણ આદર્યું.
પોતાની આસપાસના સમાજમાં એમણે કારમી ગરીબી જોઈ. એ સમયે એક ઉક્તિ પ્રચલિત હતી કે, ‘પેટમાં ખાડો ને વરઘોડો જુઓ.’ મૃત્યુ પછીના સ્વર્ગલોકને ઊજળું કરવા માટે પૃથ્વી પરના જીવનને અધમ બનાવવામાં આવતું હતું. એમાં પણ ગરીબ અને મધ્યમવર્ગની હાલત કફોડી હતી, જ્યારે બીજી બાજુ કેટલાક આત્મકલ્યાણને બહાને સમાજહિતની ઉપેક્ષા કરતા હતા. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું,
ધનિક વર્ગ લહેર કરે અને આપણા સહધર્મી ભાઈઓ ભૂખે મરે એ સામાજિક ન્યાય નહીં, પણ અન્યાય છે.’
ગરીબ અને મધ્યમ વર્ગના ઉત્કર્ષ માટે જેટલી આર્થિક સુવિધાઓની જરૂ૨ હતી, એટલી જ જરૂર એમને કેળવણી આપીને પ્રગતિને પંથે વાળવાની હતી. યુગદ્રષ્ટા આચાર્યશ્રીએ કેળવણીની અનેક સંસ્થાઓ સ્થાપવાની પ્રેરણા આપી. કન્યા છાત્રાલય, બોર્ડિંગ, કૉલેજ, વિદ્યાલય અને જૈન વિદ્યાપીઠની સ્થાપના
૧૨
વિજયવંત તુજ નામ !
કરી. એમની કલ્પના તો જૈન વિશ્વવિદ્યાલયની સ્થાપનાની હતી. આચાર્યશ્રીની ઉદાર ભાવનાને કારણે માત્ર જૈનોએ જ નહીં, બલકે વૈષ્ણવોએ પણ એમના કેળવણીના કાર્યમાં સારી એવી સખાવત આપી. વેપારી સમાજને કેળવણીના માર્ગે વાળવા માટે આચાર્યશ્રીએ કહ્યું,
‘હૃદયમંદિરમાં સરસ્વતીની જ્યોત પ્રગટાવો એટલે અંતરમાં પ્રગતિની ઝંખના પ્રગટ્યા વગર નહીં રહે.’
લક્ષ્મીમંદિરમાં રાચનારા લોકોને એમણે સરસ્વતીમંદિર સ્થાપવાની પ્રેરણા આપી. ગુજરાતની વિદ્યા પહેલીવાર ગુજરાતની અને દેશની બહાર કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજના ગ્રંથ રૂપે ગઈ હતી, પરંતુ એ પછી વિદ્યાપ્રેમ અને જ્ઞાનપ્રસારનાં તેજ ઝાંખાં પડવા લાગ્યાં. ચોપડી કરતાં ચોપડામાં વધુ રસ પડવા લાગ્યો.
આવે સમયે નામ વિનાની પત્રિકાઓ છાપીને બદબોઈ કરવામાં કુશળ એવા સમાજના એક ભાગે આજથી એકસો વર્ષ પહેલાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સર્જન સમયે પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને માટે કેટકેટલી મુશ્કેલીઓ સર્જી હશે ? આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ તો સ્પષ્ટપણે કહેતા કે કેળવણી વિના આપણો આરો નથી. તેઓ ઇચ્છતા કે આ કેળવણી ધાર્મિક સંસ્કાર અને શ્રદ્ધાથી સુવાસિત હોય. તેમણે કેળવણીની બાબતમાં નિદ્રા સેવતા સમાજને જગાડતાં કહ્યું, ‘કેળવાયેલા જ જૈનશાસનની રક્ષા કરશે.’
પ્રભાવક યુગપુરુષ પૂજ્ય આત્મારામજી મહારાજે પોતાના પટ્ટધર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને પોતાના અંતિમ આદેશ અને સંદેશમાં સરસ્વતીમંદિરો સ્થાપવાનું કહ્યું હતું. આચાર્યશ્રી વિજયવલ્લભસુરીશ્વરજીએ પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં અનેક સરસ્વતીમંદિરોની સ્થાપના કરી. પોતાના દાદાગુરુની આજ્ઞાનું પાલન કરવા માટે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી અભિગ્રહ (પ્રતિજ્ઞા) લેતા હતા.
જેમ કે તેઓ પ્રતિજ્ઞા કરતા કે પંજાબમાં જ્યાં સુધી જૈન કૉલેજ ન સ્થપાય ત્યાં સુધી ઉપવાસ, મૌન અથવા નગરમાં સાદગીભર્યો પ્રવેશ કરીશ. એમની