Book Title: Prernani Pavan Murti Sadhvi Mrugavatishreeji
Author(s): Kumarpal Desai, Malti Shah
Publisher: B L Institute of Indology
View full book text
________________
પ્રેરણાની પાવનમૂર્તિ
પ્રતિજ્ઞાનું બળ પ્રજાકીય પુરુષાર્થનું પ્રેરક બનતું. એને પરિણામે તેઓની પ્રેરણાથી સમાજ કલ્યાણનાં અનેક કાર્યો થયાં.
ઈ. સ. ૧૯૧૩માં મુંબઈમાં ચાતુર્માસ સમયે વિદ્યાનું એક વાતાવરણ સર્જાયું અને એમાંથી ઈ. સ. ૧૯૧૪માં સમાજના યુવકોના વિદ્યાભ્યાસ માટે નિવાસ આપતા શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ. આ સમયે સંસ્થાના નામકરણનો પ્રશ્ન આવતાં કોઈએ આચાર્યશ્રીને એમના દાદાગુરુનું કે એમનું નામ સાંકળવા વિનંતી કરી ત્યારે પૂ. આ. વિજયવલ્લભસૂરીશ્વરજીએ કહ્યું કે આ સંસ્થાનું નામ કોઈ વ્યક્તિવિશેષને બદલે તારક તીર્થકર ભગવાન મહાવીરના નામ સાથે જોડવામાં આવે અને આ રીતે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું નામકરણ થયું.
વિદ્યાલયનો પ્રારંભ તો એક નાના બીજરૂપે થયો, પરંતુ થોડા જ વર્ષોમાં એક વિશાળ ભવન ખરીદવામાં આવ્યું અને ઈ. સ. ૧૯૨૫માં એ ભવનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો કારોબાર ચાલવા લાગ્યો. આ જ્ઞાનના વડલાની વડવાઈઓ ફેલાવા લાગી. અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભવિદ્યાનગર, ભાવનગર, ઉદેપુર, અંધેરી (મુંબઈ)માં વિદ્યાર્થીઓ માટે તથા અમદાવાદ, વલ્લભવિદ્યાનગર, પૂનામાં કન્યાઓ માટે એની શાખાઓ વિકસી, પરંતુ આ સંસ્થાનું સૌથી મોટું પ્રદાન તો એમણે આપેલા તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ છે, જે આજે દુનિયાભરના દેશોમાં ઉત્તમ કામગીરી બજાવી રહ્યાં છે. આ સંસ્થા વિશે આચાર્યશ્રીએ કેવું વિરાટ દર્શન કર્યું હતું ! એમણે કહ્યું,
મહાવીર જૈન વિદ્યાલય એ જૈન સમાજનું ગૌરવ છે, પ્રગતિની પારાશીશી છે, શ્રમની સિદ્ધિ છે અને આદર્શની ઇમારત છે.’
આજે પણ આવી સંસ્થાઓની જરૂર છે, કારણ કે જ્ઞાનપ્રસારના અભાવે કોઈપણ ધર્મ કે સમાજ ગઈકાલની અંધશ્રદ્ધા અને આવતીકાલની અસંસ્કારિતામાં ડૂબી જાય છે.
એક બાજુ ક્રાંતદ્રષ્ટા આચાર્યશ્રીએ સમાજની આર્થિક અને માનસિક ગરીબી ફેડવાની પ્રેરણા આપી, તો બીજી બાજુ નાના નાના વાદવિવાદ અને
વિજયવંત તુજ નામ ! મતમતાંતરમાં ગૂંચવાયેલા સમાજને એકતાનો સંદેશો આપ્યો. પંખી અને માનવીમાં ભેદ એટલો છે કે પંખી નીચે લડે, પણ ઊંચે જાય તો કદી ન લડે. જ્યારે માનવી થોડો ‘ઊંચો જાય કે લડવાનું શરૂ થાય. શ્રીસંઘની એકતા માટે એમણે ‘સવિ જીવ કરું શાસનરસી'ની ભાવના વ્યક્ત કરી. આસપાસ ચાલતા ઝઘડા, મતમતાંતરો, એકબીજાને હલકા દેખાડવાની વૃત્તિ આ બધાથી તેઓ ઘણો વ્યથિત હતા. મુંબઈના ચાતુર્માસ દરમિયાન એમણે કહ્યું,
‘તમે બધા જાણો છો કે આજકાલનો જમાનો જુદો છે, લોકો એકતા ચાહે છે. પોતાના હકોને માટે પ્રયત્ન કરે છે. હિંદુ-મુસલમાન એક થઈ રહ્યા છે. અંગ્રેજ , પારસી, હિંદુ અને મુસલમાન બધા એક જ ધ્યેય માટે સંગઠિત થઈ રહ્યા છે. આ રીતે દુનિયા તો આગળ વધી રહી છે. ખેદની સાથે કહેવું પડે છે કે આવા સમયમાં પણ કેટલાક વિચિત્ર સ્વભાવના મનુષ્યો - આપણા જ ભાઈઓ દસ કદમ પાછળ હઠવાનો પ્રયાસ કરે છે. આજે તો બધાએ એક થઈ સમાજ , ધર્મ અને રાષ્ટ્રના કલ્યાણનું કાર્ય કરવું જોઈએ.’
સમાજની એકતા માટે તેઓએ જીવનભર પ્રયાસ કર્યો. એમનો સમાજ એટલે કોઈ સાંપ્રદાયિકતાના સીમાડામાં બંધાયેલો સમાજ નહોતો. સાંપ્રદાયિકતાથી ઉપર ઊઠે એ જ સંત. એમણે ગુરુદ્વારામાં ઉપદેશ આપ્યો હતો તેમજ એના જીર્ણોદ્ધાર માટે આર્થિક સહાયની પ્રેરણા પણ આપી હતી. મેઘવાળો (દલિત કોમ) માટે સૂવાનો ખંડ એમના ઉપદેશથી તૈયાર થયો હતો.
પપનાખા (અત્યારે પાકિસ્તાનમાં) ગામમાં મુસલમાનોને મસ્જિદમાં જવાઆવવાની મુશ્કેલી પડતી હતી. એને માટે રસ્તાની જમીન આપવાની શ્રાવકો ના પાડતા હતા. આચાર્યશ્રીને મુસલમાનોએ વિનંતી કરી ત્યારે આચાર્યશ્રીએ વ્યાખ્યાનમાં શ્રાવકોને પૂછ્યું, ‘આ મુસલમાનો મસ્જિદમાં શું કરે છે ?”
અગ્રણી શ્રાવકે કહ્યું, ‘સાહેબ ! તેઓ ખુદાની બંદગી કરે છે.' આચાર્યશ્રીએ વળતો સવાલ કર્યો, ‘તમે મંદિરમાં શું કરો છો ?' ‘ભગવાનની સ્તુતિ.’ જવાબ મળ્યો.