Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ સાંભળીને રાજપુરોહિતે પોતાના ભવનમાં એક ભાગમાં એમને નિવાસ કરવાની અનુમતિ આપી. વર્ધમાનસૂરિ પોતાના શિષ્યો સાથે રાજપુરોહિતના ભવનમાં એક ભાગમાં રોકાયા. પુરોહિતના સેવકોએ સાધુઓને બ્રાહ્મણોનાં ઘર બતાવ્યાં, જ્યાંથી તેમને આવશ્યકતા અનુસાર ભિક્ષા પ્રાપ્ત થઈ. એ સમયે આખા નગરમાં એ વાત ફેલાઈ ગઈ કે - ‘પાટણમાં વસતિવાસી સાધુઓ આવ્યા છે.’ ચૈત્યવાસીઓએ વસતિવાસી સાધુઓનાં આગમનની વાત સાંભળતાં જ એમને ત્યાંથી હાંકી કાઢવાના ષયંત્રની શરૂઆત કરી દીધી. આખા નગરમાં, રાજભવન અને રાજસભા સુધી ચૈત્યવાસીઓએ એવી અફવા ફેલાવી દીધી કે - ‘દુર્લભરાજના રાજ્યને પચાવી પાડવાની ઇચ્છાથી મુનિવેશમાં કોઈ શત્રુરાજાના ગુપ્તચર અણહિલપુરપાટણમાં આવી ચૂક્યા છે.' જ્યારે દુર્લભરાજના કાન સુધી આ વાત પહોંચી તો તેમણે પોતાના રાજપુરુષોને પૂછ્યું કે - ‘પેલા ગુપ્તચરો ક્યાં છે ?’ રાજપુરુષોએ કહ્યું : “દેવ ! એ લોકો આપના રાજપુરોહિતના ઘરમાં રોકાયા છે.’’
મહારાજ દુર્લભરાજે તત્કાળ રાજપુરોહિતને બોલાવીને કહ્યું : “નગરમાં ઘરે-ઘરે એવી વાત ફેલાઈ છે કે શત્રુરાજાના ગુપ્તચર મુનિવેશમાં અહીં આવ્યા છે. અગર તેઓ વાસ્તવમાં ગુપ્તચર છે, તો એમને આપના ઘરમાં નિવાસની વ્યવસ્થા શા હેતુથી આપી છે ?”
રાજપુરોહિતે દુર્લભરાજને જણાવ્યું : “દેવ ! એ લોકો પર આ પ્રકારનો દુષ્ટતાપૂર્ણ આરોપ કોણે લગાવ્યો છે ? હું લાખ મુદ્રાઓ દાવ પર લગાવું છું કે આવી વાત કરનાર કોઈ પણ વ્યક્તિ અગર એ સાધુઓમાં એક પણ દૂષણ સિદ્ધ કરવાની ક્ષમતા ધરાવતો હોય તો સામે આવે અને પોતાની વાત સિદ્ધ કરે.’
રાજપુરોહિતની વાતથી રાજસભામાં સશાટો છવાઈ ગયો. રાજપુરોહિતનો પડકાર સ્વીકાર કરનાર કોઈ પણ વ્યક્તિ ત્યાં હાજર ન હતી. આ પડકાર સ્વીકારવા જ્યારે કોઈ પણ વ્યક્તિ સામે ન આવી ત્યારે રાજપુરોહિતે કહ્યું : “રાજન્ ! એ સર્વ સાધુઓ સદેહે ધર્મનું સ્વરૂપ છે. એમનામાં કોઈ પણ પ્રકારના દોષો નથી.’
૨૨
છ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)