Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
( અંચલગચ્છના ઉદ્ભવની પૃષ્ઠભૂમિ “મેરૂતુંગીયા પટ્ટાવલી'માં આર્યરક્ષિતસૂરિ (વિજયચંદ્રસૂરિ)નાં વંશ, માતા-પિતા, જાતિ આદિનો પરિચય આપતાં લખ્યું છે કે આબુ પર્વતની પાસે દંગાણી નામના એક ગામમાં પોરવાડ જાતિનો દ્રોણ નામનો એક પ્રતિષ્ઠિત વેપારી રહેતો હતો. એની ધર્મપત્નીનું નામ દેઢી હતું. આ દંપતી ધર્મનિષ્ઠ અને ઉચ્ચકોટિના વિચારોવાળું હતું. દ્રોણ અને દેઢી બંનેનું યૌવન ઢળવા લાગ્યું, ત્યાં સુધી એમને કોઈ સંતાન ન થયું, એટલે દેઢી વિશેષ રૂપે ચિંતિત રહેતી હતી. એક વખત આચાર્ય જયસિંહ સુખપાલ(પાલખી)માં બેસીને આડંબરપૂર્વક વિચરણ કરતાં દંગાણી ગામમાં આવ્યા. એમનો આ પ્રકારનો શિથિલાચાર જોઈને શ્રેષ્ઠી દ્રોણ અને તેમની પત્ની દેઢી બંને એમને વંદન-નમન કરવા ઉપાશ્રયમાં ગયાં નહિ. આ વાત આચાર્ય જયસિંહસૂરિના મનમાં ઘર કરી ગઈ. રાત્રિના અંતિમ પ્રહરમાં એમણે એક સ્વપ્ન જોયું. સ્વપ્નમાં શાસનદેવીએ એમને કહ્યું કે - “આજથી સાતમા દિવસે એક પુણ્યશાળી જીવ સ્વર્ગથી ઊતરીને શ્રેષ્ઠીપત્ની દેઢીના ગર્ભમાં આવશે. એ બાલ્યાવસ્થાથી દીક્ષિત થશે અને વિધિમાર્ગની સ્થાપના કરી જિનશાસનની પ્રભાવના કરશે. તમે દેઢીને આ ભવિષ્યવાણી સંભળાવી એમની પાસેથી એ પુત્રની યાચના કરી લેજો.”
જયસિંહસૂરિ ખૂબ પ્રસન્ન થયા. બીજા દિવસે પ્રાતઃકાળે એમણે શ્રેષ્ઠી દંપતી દ્રોણ અને દેઢીને પોતાની પાસે ઉપાશ્રયમાં બોલાવ્યા. એ બંનેએ લોકવ્યવહારનું પાલન કરતાં ઉપાશ્રયમાં જઈને જયસિંહસૂરિને વંદન - નમસ્કાર કર્યા. જયસિંહસૂરિએ શ્રેષ્ઠી દંપતીને કહ્યું : “સંઘરથનો શિથિલાચારના દળ-દળમાંથી ઉદ્ધાર કરનાર આવા ભાવિ મહાપુરુષના સંદર્ભમાં શુભ સૂચના આપવાના હેતુથી મેં તમને બંનેને અહીં બોલાવ્યાં છે. આજથી સાતમા દિવસે મહાન પ્રતાપી જીવ તમારી કૂખમાં આવશે. સમય જતાં તે જિનશાસનનો મહાન પ્રભાવક આચાર્ય અને વિધિમાર્ગ અથવા આગમાનુસારી માર્ગનો સંસ્થાપક થશે. જિનશાસનના હિતને દૃષ્ટિમાં રાખતા હું અત્યારથી એ ભાવિ પુત્રની, તમારી બંને પાસે યાચના કરું છું.” જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ : (ભાગ-૪) 96969696969696969696969, ૧૮૧ |