Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
બંને દ્વિજ કુમારોની મુખાકૃતિ, આંખોની ચમક અને સામુદ્રિક લક્ષણોથી યુક્ત ભવ્ય વ્યક્તિત્વને જોઈને વર્ધમાનસૂરિએ અનુભવ કર્યો કે - આ બંને કિશોરો આત્મ-વિજયની સાથે સાથે પર-વિજય કરવામાં પણ સર્વથા સક્ષમ રહેશે.'
વર્ધમાનસૂરિનો ઉપદેશ સાંભળી શ્રીપતિ અને શ્રીધરને સંસારના સર્વ કાર્યકલાપો અને સંબંધોથી વિરક્તિ થઈ ગઈ. શ્રેષ્ઠી લક્ષ્મીપતિની અનુજ્ઞા - પ્રાર્થનાથી વર્ધમાનસૂરિએ શ્રીપતિ અને શ્રીધર બંને દ્વિજ કુમારોને શ્રમણધર્મમાં દીક્ષિત કર્યા. દીક્ષા બાદ બંને ભ્રાતા મુનિઓના નામ ક્રમશઃ જિનેશ્વર અને બુદ્ધિસાગર રાખવામાં આવ્યા. અમુક સમય પછી બંને ભાઈઓનાં બહેન કલ્યાણમતિએ વર્ધમાનસૂરિની છત્રછાયામાં શ્રમણીધર્મની દીક્ષા ગ્રહણ કરી.
શ્રીપતિ અને શ્રીધરે શ્રમણધર્મમાં દીક્ષિત થયા પછી ગુરુ વર્ધમાનસૂરિની સેવામાં રહીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને ટૂંકાગાળામાં જૈન સિદ્ધાંતોનો તલઃસ્પર્શી અભ્યાસ કર્યો.
પાટણમાં ચાલુક્ય રાજા દુર્લભરાજની રાજસભામાં જિનેશ્વરસૂરિએ ચોર્યાશી ગચ્છોના ચૈત્યવાસી આચાર્યોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી સુવિહિત પરંપરાની પુનઃ પ્રતિષ્ઠા કરી.
વર્ધમાનસૂરિએ જિનેશ્વરસૂરિને આચાર્યપદ પ્રદાન કરી પોતાના પટ્ટધર તરીકે નિયુક્ત કર્યા. બુદ્ધિસાગરસૂરિને પણ એમણે દ્વિતીય આચાર્યના પદે અધિષ્ઠિત કર્યા. આ બંને ભાઈઓની સહોદરા સાધ્વી કલ્યાણમતિને વર્ધમાનસૂરિએ મહત્તરા-પદ પ્રદાન કર્યું.
જિનેશ્વરસૂરિએ જિનચંદ્રસૂરિ અને અભયદેવસૂરિને આચાર્યપદ પ્રદાન કર્યું. ‘પ્રભાવક ચરિત્ર' અનુસાર જિનેશ્વરસૂરિએ પોતાના ગુરુ વર્ધમાનસૂરિના આદેશથી અભયદેવસૂરિને આચાર્યપદ પ્રદાન કર્યું.
જિનેશ્વરસૂરિની અદ્ભુત રચનાશક્તિ અને સંસ્કૃત ભાષા પર પૂર્ણ અધિકાર હતો. એમણે ડિયાણા નગરમાં ચાતુર્માસના પ્રારંભે ‘કથાનક કોશ' નામના વિશાળ ગ્રંથની રચનાનો પ્રારંભ કર્યો અને ચાર માસમાં રચના સંપન્ન કરી દીધી. બુદ્ધિસાગરસૂરિએ પોતાના જ નામ-શીર્ષકથી સાત હજાર શ્લોકના ‘બુદ્ધિસાગર વ્યાકરણ’ની રચના કરી. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) ઊ ૭૭૭૭૭ ૩૫