Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સ્ત્રીભવમાં જ મોક્ષ મેળવશે. મારી આ વાત માત્ર યુક્તિપૂર્વકની નથી પણ સમ્યક રીતે શાસ્ત્રસંમત અને પરિપુષ્ટ છે.”
દિગંબસચાર્ય કુમુદચંદ્ર પોતાના પ્રતિપક્ષી દેવસૂરિ દ્વારા રજૂ થયેલ વિચારને મિથ્યા સિદ્ધ કરવાની કોઈ સબળ યુકિત ન સૂઝતા તેમણે રાજસભા સમક્ષ પ્રશ્ન કર્યો: “શું કહ્યું, શું કહ્યું?”
મહાવાદી દેવસૂરિએ બીજી વખત ફરીને પોતાની વાત એ રીતે જ રજૂ કરી. તે છતાં દિગંબરાચાર્યએ ફરી પ્રશ્ન કર્યો : “શું કહ્યું? શું કહ્યું?”
આ વખતે દેવસૂરિએ સિંહગર્જનાની જેમ ઊંચા અવાજે પોતાના પક્ષને ત્રીજી વખત રાજસભા સમક્ષ રજૂ કર્યો.
ત્રીજી વખત દેવસૂરિ દ્વારા રજૂઆત થવા છતાં એનો યોગ્ય પ્રત્યુત્તર મસ્તિષ્કમાં ન આવતા કિંકર્તવ્યમૂઢની જેમ કુમુદચંદ્રએ કહ્યું : “મારા પ્રતિવાદીના કથનને લિખિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવે.”
આ વાત પર પ્રમુખ નિર્ણાયકે મહારાજા સિદ્ધરાજને અભિવાદન કરીને સભાસદોને સંબોધિત કરતાં નિર્ણાયક સ્વરે કહ્યું : “દિગંબરાચાર્ય કુમુદચંદ્રની વાણી મુદ્રિત અર્થાતુ ગૂંગી થઈ ગયેલી જણાય છે. શ્વેતાંબરાચાર્ય દેવસૂરિએ દિગંબરાચાર્ય કુમુદચંદ્ર પર શાસ્ત્રાર્થમાં વિજય પ્રાપ્ત કરી લીધો છે.”
મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહે પ્રમુખ નિર્ણાયકના કથનનું અનુમોદન કરતાં તત્કાળ દેવસૂરિને વિજયી ઘોષિત કર્યા અને જયપત્ર લખવાનો આદેશ આપ્યો. ચાલુક્યરાજના આદેશનું તત્કાળ પાલન કરવામાં આવ્યું અને સિદ્ધરાજ જયસિંહે સ્વયં પોતાના હાથે એ જયપત્ર દેવસૂરિને અર્પણ કર્યો. બંને મહાન આચાર્યોની વચ્ચે થયેલા એ શાસ્ત્રાર્થ વખતે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પણ ઉપસ્થિત હતા.
દેવસૂરિની અદ્ભુત વાદશક્તિ, એમના તર્કકૌશલ અને પ્રકાંડ પાંડિત્ય પર અપાર હર્ષ પ્રગટ કરતાં સિદ્ધરાજ જયસિંહે એક લાખ સુવર્ણ મુદ્રાઓ દેવસૂરિને ભેટ આપવાની ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ દેવસૂરિએ તેનો અસ્વીકાર કરતાં કહ્યું : “રાજનું ! અમો નિઃસ્પૃહ સાધુઓ માટે દ્રવ્યનો સ્પર્શ કરવાનો પણ નિષેધ છે. ” જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૪) 999999999999 ૧૦૧]