Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
નવાંગી વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિ
જૈન ઇતિહાસમાં નવાંગી વૃત્તિકારના બિરુદથી વિભૂષિત અભયદેવસૂરિ વીર નિર્વાણની સોળમી-સત્તરમી શતાબ્દીના આગમ-મર્મજ્ઞ મહાન ટીકાકાર અને પ્રભાવક આચાર્ય હતા. એમણે આચારંગ અને સૂત્રકૃતાંગ સિવાય બાકીનાં નવ અંગો પર વૃત્તિઓની રચના કરી જિન-શાસનની મહાન સેવા કરી છે, જેના માટે જૈનજગત એમનું સદાસર્વદા કૃતજ્ઞ રહેશે.
અભયદેવનો જન્મ વિ. સં. ૧૦૭૨માં માલવ પ્રદેશની ઇતિહાસપ્રસિદ્ધ ધારાનગરીના સમૃદ્ધ શ્રેષ્ઠી મહીધરની ધર્મપત્ની ધનદેવીની કૂખે થયો. તેઓ મહાન ક્રિયોદ્ધારક અને સંવિગ્ન પરંપરાના સૂત્રધાર આચાર્ય વર્ધમાનસૂરિના પ્રશિષ્ય અને જિનેશ્વરસૂરિના શિષ્ય હતા. એમના જીવન બાબતે પ્રભાવક ચરિત્રકારે લખ્યું છે કે એક વખત જિનેશ્વરસૂરિ વિહારક્રમથી ધારાનગરીમાં પધાર્યા. એમનો ઉપદેશ સાંભળી બાળક અભયકુમારને સંસારની અસારતા અને ક્ષણભંગુરતાનો બોધ થયો, વૈરાગ્ય ભાવના જન્મી. વૈરાગી પુત્રએ માતાપિતા પાસેથી દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા માંગી. આ વાતથી માતાપિતા ઉદાસ થઈ ગયાં. એમણે શ્રમણજીવનની મુશ્કેલીઓથી પોતાના પુત્રને અવગત કરાવી સમજાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો, પણ તે દીક્ષિત થવાના પોતાના નિર્ણય પર અટલ રહ્યા. માતા-પિતા જાણતાં હતાં કે અભયકુમારે એક વખત જે નિશ્ચય કર્યો, એમાંથી એને કોઈ ડગાવી નહિ શકે. અંતે એમણે અશ્રુસભર નયનોથી દીક્ષિત
થવાની આજ્ઞા આપી.
-
શ્રમણધર્મની દીક્ષા પ્રદાન બાદ ગુરુ દ્વારા અભયકુમારનું નામ અભયદેવ રાખવામાં આવ્યું. મુનિ અભયદેવે ગુરુના સાંનિધ્યમાં રહી નિષ્ઠાપૂર્વક સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓનું અધ્યયન કર્યું. આગમોનો પણ તલઃસ્પર્શી અભ્યાસ કર્યો. થોડા જ સમયમાં બહુભાષાવિદ્ અને આગમમર્મજ્ઞ બની તેમણે વિદ્વદ્ સમાજને આશ્ચર્યચકિત કરી દીધો. દરેક વિદ્યાઓમાં નિપુણતા અને આગમોના ગૂઢતમ જ્ઞાનના જ્ઞાતા થઈ જવાના કારણે અભયદેવની કીર્તિ દિગ્દિગંતમાં વ્યાપ્ત થઈ ગઈ. ઊઊઊઊ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪)
૩૮