________________
૨
તપસ્યા અને નિગ્રહ બહારથી મળતા આટલા બધા સ્તુતિભાવે તેને થોડા વખતમાં - પોતાની જાત પર જ પ્રેમ કરતી જાત-પ્રેમી ને એવી આત્મસંભાવિત બનાવી દીધી કે, લોલિયસ જેવો પ્રેમી શોધવાની વૃત્તિ તેના આવા અહપ્ત જીવનમાં પછી ન રહી.
બીજા પ્રેમીઓની પેઠે ફિલસૂફ નિસિયસ સાથે પણ થાઈને પરિચય થયો. તે ફિલસૂફ પોતાને કામના-રહિત રાખવા ઇચ્છતો હોવા છતાં, થાઈને પોતાની કરવાની કામનાથી ઉન્મત્ત થઈ ગયો. તેની પાસે પુષ્કળ ધન હતું, તથા તે બુદ્ધિમાન અને નમ્ર હતો. પરંતુ તેનું નાજુક દાક્ષિણ્ય તથા સુંદર ભાવો થાઈને આકર્ષી શક્યાં નહિ. તેને તે જરા પણ ચાહતી નહિ; એટલું જ નહિ, પણ કોઈ કોઈ વાર તો એની વ્યંગપૂર્ણ સંસ્કારિતાથી છેડાઈ પણ જતી. નિસિયસ હંમેશાં બધી બાબતો માટે સંશયાત્મા જ રહેવામાં બુદ્ધિમત્તા માનતો; ત્યારે થાઈ હરેક બાબતમાં શ્રદ્ધા રાખવા તત્પર રહેતી. તે ઈશુ ખ્રિસ્તમાં પણ માનતી, તથા મૂઠ-મંતર વગેરે મેલી વિદ્યાઓ કે મલિન સત્ત્વોમાં પણ માનતી. ભાવી જાણવાની તેને ઘણી ઉત્સુકતા રહેતી, અને તેથી કેટલાંય નામ વિનાનાં દેવ-દેવીઓની માનતાઓ તે રાખતી.
તે પોતાની આસપાસ મેલી વિદ્યા જાણનારા, મૂઠ-મંતર કરનારા, ભૂવા-જાતિ, અધ્વર્યુ-પુરોહિત, તથા વિવિધ ઔષધિ પ્રયોગો કરનારા વૈદો અને ઊંટવૈદોને ભેગા કર્યા કરતી.
તેને મોતની બહુ બીક હતી, અને સર્વત્ર તેને મોત જ ઘૂરકી રહેલું દેખાતું. ભોગવિલાસમાં રમમાણ હોય ત્યારે પણ અચાનક તેને ખ્યાલ આવતો કે, તેના ખુલ્લા ખભાને હમણાં મૃત્યુ આવીને તેની બરફ જેવી ઠંડી આંગળીથી સ્પર્શી જશે, અને તે જ વખતે તેને મરણ પામવું પડશે. એ ખ્યાલ આવતાની સાથે જ, તેને આલિંગન આપનારા હાથોની બાથમાં પણ તે કંપી ઊઠીને ઠંડી પડી જતી!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org