________________
૧૩૪
તપસ્યા અને નિગ્રહ મહંતને એવો અભ્યાસ ઉપયોગી તથા ઉચિત ગણાય. એબટ ઑફેમે પોતાના આશ્રમ માટે બહુ સુંદર નિયમો ઘડ્યા છે. તેમની અનુજ્ઞા લઈ, હું તે બધાની નકલ કરી લઉં. તું તો બહુ કુશળ લહિયો છે, ભાઈ; મારા જેવો કોદાળીથી જ જીવનભર ટેવાયેલો માણસ પેપીરસ-પત્ર ઉપર કલમ પકડીને લખવાનું કામ ન કરી શકે. એવું લહિયાનું અને પાઠકનું કામ બૂરા વિચારો સામે મજબૂત કવચરૂપ નીવડે છે. ઉપરાંત, ભાઈ પૅફશિયસ, તું આપણા પિતા-ગુરુ પૉલ અને ઍન્થનીના ઉપદેશો લખવાનું કામ કેમ નથી ઉપાડતો? આવાં સ્વાધ્યાયનાં કામોમાં લાગી જવાથી ધીમે ધીમે તે આત્મા અને મનની શાંતિ ફરીથી પ્રાપ્ત કરી શકીશ; અત્યારનો તારો એકાંતવાસ તને અળખામણો લાગતો મટી જશે અને તારી અલેક્ઝાંડ્રિયાની મુસાફરીને કારણે ખંડિત થયેલી તારી ધર્મસાધના પણ તું ફરીથી જારી કરી શકીશ. અતિશય આકરી તપશ્ચર્યાથી તને ખાસ કે બહુ લાભ થશે એવું માનીશ નહીં. આપણા પિતાગુરુ ઍન્થની કહેતા કે, “અતિશય ઉપવાસ નબળાઈ પેદા કરે છે, અને નબળાઈથી પ્રમાદ અને આળસ ઊભાં થાય છે. અનુચિત રીતે લંબાવેલા ઉપવાસોથી ઘણા તપસ્વીઓએ પોતાનાં શરીર બરબાદ કર્યા છે. તેઓ તો જાણી જોઈને પોતાની છાતીમાં કટાર મારીને પોતાની જાતને, સામે ચાલીને, સેતાનના હાથમાં સોંપી દે છે. પવિત્ર સંત ઍન્થનીએ આમ કહેલું છે. હું તો મૂર્ખ બુઢ્ઢો માણસ છું, પરંતુ પરમાત્માની કૃપાથી આપણા પિતા-ગુરુએ જે કહ્યું હતું, તે મને યાદ છે.”
ઍફનુશિયસે પૅલેમૉનનો આભાર માન્યો તથા તેમની સલાહ ઉપર વિચાર કરવાનું વચન આપ્યું. વાડીની વાડની બહાર નીકળ્યા પછી તેણે બુઢા પૅલેમૉન તરફ પાછા વળીને જોયું, તો એ ભલો માણસ ફરીથી પોતાની શાકભાજીને પાણી પાવાને કામે લાગી ગયો હતો, અને પેલું કબૂતર તેની વાંકી વળેલી પીઠ ઉપર આમ તેમ ડગલાં ભરી રહ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org