________________
૧૬૨
તપસ્યા અને નિગ્રહ મારે ઘેર લઈ આવતો. મારી કામુકતાની માત્રાની તો તમારા જેવા સંત-તપસ્વીઓને કલ્પના પણ ન આવે. ટૂંકમાં કહું તો, મેં સાધ્વીઓ અને મઠની અધ્યક્ષ-માતાઓને પણ છોડી નથી. હું હંમેશાં મદ્યપાનથી મારી ઇંદ્રિયોને ઉત્તેજિત રાખતો અને આખા મદોરામાં મારા જેટલો અઠંગ ગરાડી બીજો કોઈ નહોતો. તે વખતે પણ હું ખ્રિસ્તીધર્મી હોઈ, ક્રૂસારૂઢ જિસસમાં શ્રદ્ધાવાળો તો હતો જ. ધીમે ધીમે મારી મિલકત આ બધા દુરાચારો –અત્યાચારોમાં ખલાસ થઈ ગઈ; અને મને ગરીબાઈનો ડંખ સતાવવા લાગ્યો. એ જ અરસામાં મારા આ બધા વિલાસી જીવનનો એક સોબતી ભયંકર રોગમાં સપડાયો. તેના ઢીંચણ ભાગી ગયા, તેના થથરતા અને અમળાતા હાથ તેના કાબૂમાં ન રહ્યા, અને તેની આંખો મીંચાઈ ગઈ. માત્ર વેદનાથી, તેની છાતીમાંથી, પશુના બાંધડવા જેવો અવાજ સતત નીકળ્યા કરતો.
મારા ગરીબાઈના દુ:ખે મને હિતકર વિચારો તરફ વાળ્યો જ હતો; અને મારા મિત્રની રોગથી થયેલી આ દુર્દશા મેં જોઈ. આથી મને પરમાત્મા એવી કારમી સજા કરે તે પહેલાં જ મારાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર આવ્યો : હું સંસાર તજીને સાધુ થઈ ગયો અને નિર્જન રણપ્રદેશમાં જઈ મેં તપસ્યા કરવા માંડી. વીસ વર્ષ થયાં હું હવે એવી શાંતિ અને નિરાંત અનુભવી રહ્યો છું, જેવી પહેલાં મારા સુખવિલાસના દિવસોમાં પણ મેં કદી નહોતી અનુભવી ! મારા શિષ્ય-સાધુઓ અને હું પણ વણકર, શિલ્પી, સુતાર અને લહિયાનું કામકાજ કર્યા કરીએ છીએ; જોકે મને લહિયા કરતાં હાથ-મજૂરીનાં કામ વધુ ફાવે છે અને ગમે છે. મારા દિવસો હવે આનંદભર્યા બન્યા છે અને મારી રાત્રિઓ ગાઢ નિ:સ્વપ્ન નિદ્રામાં વીતે છે. પરમાત્માની મારા ઉપર ખરેખર કૃપા થઈ હોય એમ મને લાગે છે, કારણ કે, મારો ઉદ્ધાર થવાની આશા, આટઆટલાં પાપ કરેલાં છે તેમ છતાં, મારા અંતરમાં સાબૂત રહી છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org