________________
૭૮
તપસ્યા અને નિગ્રહ તારા પ્રેમ-પ્રસંગોની વાતો કહાણીરૂપ બની ગઈ છે. એટલે તને નજરે જોવાની મને ઇચ્છા થઈ આવી; અને હું જોઉં છું કે, વાસ્તવિક હકીકત પેલી દંતકથાને કયાંય ટપી જાય એવી છે. ખરેખર, તારી સમીપ આવનારા કોઈ પણ પુરુષની બુદ્ધિ ચક્કર ખાઈ જાય !”
થાઈ પોતાને આમ ડરાવી મારનાર આ વિચિત્ર પ્રાણી તરફ જોઈ રહી. તેનો રુક્ષ, જંગલી જેવો દેખાવ તથા તેની આગ-ભરી ચમકતી આંખો – એ બધાથી તે કંઈક કુતૂહલમાં આવી, પોતે જેમને રોજ જોતી હતી, તે બધા પુરુષોથી કંઈક જુદા દેખાતા આ માણસ વિશે વધુ જાણવા ઇંતેજાર બની. તેણે હળવી મજાકના સૂરમાં કહ્યું–
“અજાણ્યા પુરુષ! તમે બહુ જલદી વખાણ કરી બેઠા ! પરંતુ મારા કટાક્ષો તમને હાડ સુધી બાળી ન નાંખે, તે સાચવજો! મારી સાથે પ્રેમમાં ન પડી જતા, સાવધાન!”
ઍફનુશિયસે જવાબ આપ્યો –
“પણ હું તો કયારનો તારા પ્રેમમાં છું, થાઈ! હું તને મારા પ્રાણ કરતાં, – અરે, મારા પોતાના કરતાં વધુ ચાહું છું. તારે માટે તો હું સરીસૃપ અને પિશાચોથી ઊભરાતા રેતાળ રણપ્રદેશને રાતદિવસ પગે ચાલતો વટાવીને અહીં આવ્યો છું. હું મૌનવ્રતધારી છું, છતાં તારે ખાતર મેં મારા હોઠોથી સંસારી વાણી ઉચ્ચારી છે; તારે જ ખાતર મેં મારી આંખો વડે ન જોવાનું જોયું છે, અને કાનો વડે ન સાંભળવાનું સાંભળ્યું છે.
“હા, હું તને ચાહું છું! પણ તારા શરીરની ભોગતૃષ્ણાથી બળબળતા અને ભૂખ્યા વરુની પેઠે કે મદમાં આવેલા સાંઢની પેઠે તારી પાસે ધસી આવતા પુરુષોની પેઠે નહિ! તેઓ તો તને સિંહ જેમ હરણને ચાહે એવી રીતે ચાહે છે; તેમની સદા-ભૂખી કામનાઓ તારા અંતરાત્મા સુધીના તારા દેહને સતત ભરખ્યા કરે છે. પણ હું સ્ત્રી, હું તો તારા આત્માના કલ્યાણ ખાતર – પરમાત્મા ખાતર તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org