________________
આલ્બિનાના મઠમાં
૧૨૧
જાઓ, જે રેતી ઉપર આ ટીપું પડેલું છે, ત્યાં ચમત્કારી સુંદર પુષ્પ ખીલી નીકળો, અને તે પુષ્પનાં દર્શનમાત્રથી પાપી મનુષ્યો પોતાના હૃદયની પવિત્રતા અને ભક્તિ પાછાં પ્રાપ્ત કરો.
""
એટલામાં ગધેડા ઉપર બેસી એક છોકરો ત્યાં થઈને પસાર થતો પૅશિયસની નજરે પડયો. તેણે તેને નીચે ઉતારી મૂકયો અને થાઈને તે ગધેડા ઉપર બેસાડી. પછી લગામ હાથમાં પકડી, ગધેડાને દોરતો, પૅનુશિયસ આગળ ચાલવા લાગ્યો. સાંજ પડવાની થઈ, ત્યારે સુંદર વૃક્ષોની છાયાવાળી નહેર આવી. તેણે ગધેડાને એક તાડવુક્ષે બાંધી દીધું; અને એક શિલા ઉપર બેસી, તેણે અને થાઈએ રોટલો મીઠા સાથે ખાધો. પછી ખોબા વડે પાણી પીને, તેઓ ધર્મવાર્તા કરવા લાગ્યાં.
થાઈએ કહ્યું —
“આવું નિર્મળ પાણી મેં કદી જિંદગીમાં પીધું નથી; હવા આવી મૃદુલ હોય, એ તો મેં કદી જાણ્યું નથી! મને તો અહીંથી પસાર થતી પવનની લહરીઓ ઉપર સવાર થઈને ઈશ્વર પધારતા હોય એમ લાગે છે.”
તેઓએ આખી રાત મુસાફરી ચાલુ રાખી. જ્યારે અર્ધચંદ્ર મોજાંની રૂપેરી કિનારો ઉપર ચમકવા લાગ્યો, ત્યારે તેઓએ સ્તોત્રો અને ભજનો ગાયાં. પછી જ્યારે સૂર્યોદય થયો, ત્યારે વિશાળ સિંહચર્મ બિછાવ્યું હોય તેવું લીબિયાનું રણ તેમની નજરે પડયું.
દૂર રણના કિનારા ઉપર થોડાંક તાડ-વૃક્ષો નજીક ધોળી ધોળી કોટડીઓ દેખાવા લાગી. તે જ આલ્બિના માતાવાળા મઠનાં મકાનો હતાં.
થોડી વારમાં તો એ મકાનોની આસપાસ કામકાજ કરતી મઠની કેટલીક સાધ્વીઓ તેમની નજરે પડી. જાણે મધપૂડાની આસપાસ ગુંજારવ કરતી કામગરી મધમાખો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org