________________
ગીતામાં નિરાકાર-સાકાર તત્ત્વ વિચાર
બંસીધર ભટ્ટ
પ્રાસ્તાવિક :
પ્રસ્તુત ગીતા વિશેનું વિવેચન, પરંપરામાં પીડાતા પંડિત પ્રકારના વિદ્વાનો માટે નથી. સંસ્કૃતના ૭૦૦ શ્લોકોમાં ગુંથાયેલી ગીતાની સર્વમાન્ય વિચારધારા જેટલી સરળ ભાસે છે તેટલી તે સંશોધનની દૃષ્ટિએ ક્લિષ્ટ છે. ગીતાની એવી ક્લિષ્ટ વિચારધારામાંથી વિશિષ્ટ વિચારો ધરાવતા કેટલાક શ્લોક-સમૂહને વિશદ કરતો અમારો આ પ્રયાસ અમે તટસ્થ-દષ્ટિવિદ્વાનો સમક્ષ વિવેચન માટે રજૂ કરીએ છીએ. ૨૦૦૪ના માર્ચ-એપ્રિલમાં ગુજરાત યુનિવર્સિટીના અધ્યક્ષ પ્રો. ડૉ. વસંતભાઈ ભટ્ટ, તેઓની ગીતા પર મનનાત્મક વિચારોની પુસ્તિકા, સૌજન્ય દાખવી આદરપૂર્વક મને આપી, જે વાંચતાં મને આ લેખ લખવાની ફુરણા થઈ આવી. આ માટે પ્રો. શ્રી. વસંતભાઈ ભટ્ટનો હું ઋણી છું.
(આ પુસ્તિકા મને ન મળી હોત તો આ લેખ અસ્તિત્વમાં ન આવી શક્યો હોત !). (a) ગીતાના નિષ્કામ-કર્મના વિચારોના આદિ-સ્રોત, અને તે સ્રોતના ગીતામાં થયેલા ક્રમિક વિકાસ
વિશે કેટલાક વિદ્વાનોનાં સંશોધનો બહાર પડ્યાં છે, પણ કેટલાક દષ્ટિકોણથી ગીતા પર બીજાં અનેક સંશોધનોને અવકાશ રહે છે. મોદી (૧૯૫૫), ગીતાના વિચારોનાં વિશ્લેષણ કરતાં કરતાં, “અક્ષર બ્રહ્મ અને તેનાથી પર કૃષ્ણ-તત્ત્વ” વિશે મનમાં દઢ થયેલી પૂર્વગ્રંથિથી દોરાઈ જાય છે. ઝેહનરે (૧૯૬૯), ગીતાના વિચારો સાથે કાંઈક સમાન ભાસતા વિચારો વ્યક્ત કરી, ઉપનિષદોના મંત્રના કે ગીતાના અન્ય શ્લોકોના આધારને મહત્ત્વ આપ્યું છે. આ તથા અન્ય અનેક વિદ્વાનોનાં ગીતા પરના વિશ્લેષણોની, વિવેચનોની સમીક્ષાપૂર્વક એક નવા જ દૃષ્ટિકોણથી સમગ્ર ગીતાનું અધ્યયન કરી માલીનારે (૧૯૯૬) ગીતાના મૌલિક શ્લોકો, તેની ઐતિહાસિકતા, તેની વૃદ્ધિ પામેલી ઓછામાં ઓછી બે વાચનાઓ, વગેરેનું વિદ્વત્તાભર્યું વિવેચન કર્યું છે, જેમાં તેણે ગ્રંથ-ઐતિહાસિક કે શબ્દ-વ્યુત્પત્તિ-વિજ્ઞાનના દષ્ટિબિંદુનો આધાર લીધો છે. અમારા આ ગીતા-અધ્યયનનો દૃષ્ટિકોણ ફક્ત ગ્રંથ-વિશ્લેષણ છે. અમને ગીતામાંથી પાંચ શ્લોકસમૂહો મળી આવ્યા, કે જેમાં ત્રણેક પ્રકારનાં તત્ત્વનો બોધ દર્શાવ્યો છે; જેમ કે જીવ, જીવથી ઊંચા પ્રકારનું કોઈ ચેતન-તત્ત્વ, અને એ ચેતન-તત્ત્વથી પણ ઉત્તમ સાકાર-કૃષ્ણ-ચેતન-તત્ત્વ; અથવા, પ્રકૃતિ-તત્ત્વ, તેનાથી ઊંચું પુરુષ-તત્ત્વ અને તેનાથી પણ ઉત્તમ સાકાર-કૃષ્ણ-તત્ત્વ.